તિલકવાડાના પીંછીપુરા ગામની એક નદીના કિનારે કપડાં ધોઈ રહેલી જનેતાની સામે એક મગરે એની 8 વર્ષની બાળકીને ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. 8 કલાક બાદ વન વિભાગે નદીમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો.
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાની કડાઈ ગામનો એક પરિવાર તિલકવાડાના પીંછીપુરા ગામે ખેતમજૂરી કરવા આવ્યો હતો. એ પરિવારની મહિલા પોતાની 8 વર્ષની દીકરી પાયલ જેન્તીભાઈ ડુંગરાભીલને લઈ નજીકની અસ્વીની નદીના કિનારે કપડાં ધોઈ રહી હતી. એ દરમિયાન જોતાજોતામાં જનેતાની નજરની સામે નદીમાંથી બહાર આવેલો મગર 8 વર્ષની બાળકી પર હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો. દરમિયાન જનેતાએ ચિચિયારીઓ પાડતાં આસપાસના લોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા.
તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારી વિક્રમસિંહ ગભાણીયા સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. લગભગ 7-8 કલાકની મહેનત બાદ આખરે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાળકીના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ પર પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો હતો. બીજી બાજુ ગામ લોકોનું કહેવું છે કે, આ નદીમાં 7થી 8 મગર રહે છે. અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે. તો ફોરેસ્ટ વિભાગ મગરોને જલદી પકડે એવી ગામલોકો માંગ કરી રહ્યા છે.
અમારી ટીમે પાંજરાં ગોઠવ્યા છે: વિક્રમસિંહ ગભાણીયા
વન વિભાગના અધિકારી વિક્રમસિંહ ગભાણીયાના જણાવ્યા મુજબ મગરે જ્યાં ઈંડાં મૂક્યાં હતાં ત્યાં બાળકીને ખેંચી ગયો હતો. આટલો બધો સમય પાણીમાં રહેવાથી બાળકીનું મૃત્યુ થયું છે. મગરે બાળકીના પગ અને હાથ પર ઈજા કરી છે. અમારી ટીમે નદીની આસપાસ પાંજરાં મૂકી મગરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.