‘ના કર લડત સમિતિ’એ ટોલનાકાં સામેનું આંદોલન દક્ષિણ ગુજરાત વ્યાપી કરવાનું નક્કી કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં જેટલાં ટોલનાકાં આવ્યાં છે તેમાં સ્થાનિકોને વિનામૂલ્યે પ્રવેશ મળે તે માટે બેઠકો યોજાઇ રહી છે. ટોલનાકા ‘ના કર લડત સમિતિ’ દ્વારા સુરતના ભાટિયા અને કામરેજ ટોલનાકા પછી તાપી જિલ્લાના માંડળ ટોલનાકા સામે આંદોલન છેડ્યા પછી મંગળવારે ‘ના કર લડત સમિતિ’એ સુરત, તાપી પછી ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની હદમાં આવેલાં ટોલનાકાંને સ્થાનિકો માટે મુક્ત રાખવા બેઠક યોજી હતી. ના કર લડત સમિતિ દ્વારા એક જ દિવસે દક્ષિણ ગુજરાતમાં ટોલનાકાં ઉપર ચક્કાજામ યોજવાનું આયોજન ચાલી રહ્યું છે. તેના ભાગ સ્વરૂપે મંગળવારે ભરૂચમાં બેઠક યોજાઇ હતી. આવતી કાલે નવસારીમાં બેઠક યોજાવા જઇ રહી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સુરત જિલ્લાની ના કર સમિતિના આગેવાનો દર્શન નાયક, એમ.એસ.એચ. શેખ, પ્રકાશ કોન્ટ્રાક્ટર તથા મકસુદ માંજરાએ સ્થાનિકો સાથે બેઠક યોજી હતી. ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે, ખરોડ ખાતે અંદર ગ્રાઉન્ડ રોડ મંજૂર થઈ ગયેલ હોવા છતાં આજદિન સુધી આ રોડનું કામ શરૂ થયું નથી. તથા સ્થાનિકો માટેના સર્વિસ રોડનો પણ અભાવ છે. જેના કારણે વારંવાર હાઇવે ઉપર ભયંકર અકસ્માત સર્જાઈ રહ્યા અને અને નિર્દોષ લોકો આ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા ભરૂચના જી.જે.16 તથા જી.જે.22ના સ્થાનિક નાગરિકોને ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે ભરૂચ જિલ્લા ના કર સમિતિની રચના કરવામાં આવી તથા સુરત જિલ્લા ખાતેની ના કર સમિતિને ટેકો જાહેર કરવામાં આવ્યો તથા ભરૂચ ખાતે આવેલું ટોલનાકું એ ભરૂચ, અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં આવેલું છે. ટોલનાકાને જિલ્લાની હદની બહાર ખસેડી સ્થાનિક નાગરિકોને રાહત આપવા માટે કાયદાકીય રાહે પણ લડત લડવાની તૈયારી બતાવવામાં આવી છે.
ભરૂચ ખાતે મીટિંગમાં વટારિયા સુગરના ચેરમેન સંદીપ માગરોલા, રાજકીય આગેવાન શેરખાન પઠાણ, જિલ્લા પંચાયતના માજી સભ્ય સકીલ અકુંમજી, એડ્વોકેટ જગતસિંહ વાસદીયા, નગર પાલિકાના સભ્ય મુકેશ જૈન તથા ચેતન પટેલ, સામાજિક આગેવાન શૈલેષ મોદી, ચિંતન પટેલ, સફિર પઠાણ, સુધીર અટોદરિયા અને કાપોદ્રા ગામના સરપંચ ઝુબેર લુખાડ હાજર રહ્યા હતા.