SURAT

પીસીબીએ રેમડેસિવિરની કાળાબજારીનું વધુ એક નેટવર્ક ઝડપી પાડ્યું, બે ડોક્ટર સહિત પાંચ ઝડપાયા

કોરોનાની આફતને પણ અવસર બનાવી ઇન્જેક્શનની કાળાબજારી કરી રહેલાઓને ઝડપી પાડવા પોલીસ સતત વોચ રાખી રહી છે. ત્યારે પીસીબીએ આજે ભાગળ ચાર રસ્તા પાસેથી 13 હજારમાં ઇન્જેક્શન વેચાણ કરનાર શાકભાજીના એક્સપોર્ટરને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં કન્ટ્રક્શન અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલાઓએ બે તબીબો પાસેથી આ ઇન્જેક્શન મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું. પીસીબીએ તમામની ધરપકડ કરી 3 ઇન્જેક્શન સહિત કુલ 1.23 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. દરમિયાન ભાજપના વોર્ડ નંબર 8ના ઉમેદવારના પ્રમુખનો ભાઇ ઇન્જેકશન કાંડમાં સંડોવાયો હોવાની વિગત જાણવા મળી છે.

પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, જેનીશકુમાર પોપટભાઈ કાકડિયા નામનો વ્યક્તિ તેના સાગરીતો સાથે ભેગો મળી ગેરકાયદેસર રીતે મેળવેલા રેમડેસિવિર ઇન્જકશનનું ચોરી છૂપીથી ઊંચા ભાવે વેચાણ કરે છે. આ વ્યક્તિ ભાગળ ચાર રસ્તા, ઝપાટા શો રૂમની પાસે પોતાની બાઈક ઉપર બેસેલો હોવાની બાતમી હતી. બાતમીના આધારે પીસીબી પોલીસની ટીમએ વોચ ગોઠવી સ્થળ પરથી જેનીશકુમાર પોપટભાઇ કાકડિયા (ઉ.વ .૨૩, રહે. ઘર નં.૨૩૩ , ગૌતમપાર્ક સોસાયટી , કારગીલ ચોક રોડ, પુણાગામ, સુરત. મૂળ મહુવા, ભાવનગર) ને ઝડપી પાડ્યો હતો. જેનીશ શાકભાજી એક્સપોર્ટિંગનો ધંધો કરે છે. જેનીશ પાસેથી ગેરકાયદેસર રીતે મેળવેલા રેમડેસિવિર ઇન્જેક્શન 100 mg BDREM – 100 ના ઇન્જેકશનો સાથે ઝડપી પાડયા હતા.

તેની પૂછપરછ કરતા તેની સાથેના સાગરીતોના નામ આપતા પીસીબીએ ચાર જણાની ધરપકડ કરી હતી. જેમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા ભદ્રેશ બાબુભાઈ નાકરાણી, કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા જૈમીશ ઠાકરશીભાઇ જીકાદરા, પાસોદ્રા ખાતે દવાખાનું ધરાવતા ડો.સાહિલ વિનુભાઇ ઘોઘારી, ને અલગ અલગ સ્થળોએથી ઝડપી પાડયા હતા.

તેમની પાસેથી રેમડેસિવિર ઇન્જેક્શન 100 mg BDREM – 100 ના ઇન્જેકશના 3 નંગ જેની કિંમત રૂપિયા 2697, ચાર મોબાઈલ ફોન, રોકડા 12,520, બાઈક મળી કુલ 1.23 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. લાલગેટ પોલીસે મોડી સાંજે વોન્ટેડ આરોપી અને રેમડેસિવિર ઇન્જેક્શનનો સપ્લાય આપનાર ડો.હિતેશભાઈ ડાભીને પણ ઝડપી પાડ્યો હતો. લાલગેટ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

કોને કોની પાસેથી કેટલામાં ઇન્જેક્શન મળવ્યું હતું
જૈમીશએ ડો.સાહિલ અને ડો.હિતેશ પાસેથી 7 હજારમાં એક ઇન્જેક્શન મેળવ્યું હતું. બાદમાં તેને આ ઇન્જેક્શન 12 હજાર રૂપિયામાં ભદ્રેશને વેચ્યું હતું. ભદ્રેશ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ભદ્રેશએ બાદમાં આ ઇન્જેક્શન 13 હજાર રૂપિયામાં જેનીશને વેચ્યું હતું. આમ નવી સિવિલમાંથી મેળવેલું આ ઇન્જેક્શન છેક 13 હજાર રુપિયા સુધી વેચાયું હતું.

નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ઇન્જેક્શન માટે દલાલો સક્રિય
નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી જ ઇન્જેક્શનોની કાળા બજારી થઈ રહી છે. આ પહેલા પણ સરથાણામાં નોંધાયેલી ફરિયાદમાં જીગ્નનેશનો સંપર્ક દિવ્યેશ સાથે નવી સિવિલ હોસ્પિટલમાંથી થયો હતો. અહીંયા પણ ડો.સાહિલનો સંપર્ક ભાવિન નામના વ્યક્તિ સાથે થયો હતો. આ વ્યક્તિનો શુ રોલ છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

બંને તબીબ બીએચએમએસ, એકની મોટા વરાછામાં લેબોરેટરી
બંને તબીબોએ બે દિવસ પહેલા જ ઇન્જેક્શન નવી સિવિલમાંથી મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કોની પાસેથી અને કેટલા રૂપિયામાં તે અંગે તપાસ ચાલી રહી છે. ડો.સાહિલ પાસોદ્રા ખાતે તેનું દવાખાનું ચલાવે છે. આ સિવાય મોટા વરાછામાં ઇગલ પેથ નામે લેબોરેટરી ધરાવે છે. જ્યારે ડો.હિતેશભાઈ ડાભી ન્યુ કોસાડ પર અમરોલી ખાતે મુની કલીનીક એન્ડ નર્સીંગ હોમ ચલાવે છે. બંને તબીબો ઇન્જેક્શન કોની પાસે અને કેટલામાં લાવ્યા તે અંગે તપાસ ચાલું છે.

પકડાયેલા આરોપી

  1. જેનીશકુમાર પોપટભાઇ કાકડિયા (ઉ.વ .૨૩, રહે. ઘર નં.૨૩૩ , ગૌતમપાર્ક સોસાયટી , કારગીલ ચોક રોડ, પુણાગામ
  2. ભદ્રેશ બાબુભાઈ નાકરાણી (ઉ.વ. ૨૭, રહે. ઘર નં.બી / ૧૮ , સમ્રાટ સોસાયટી, પુણાગામ, સુરત, મુળ કસાણગામ, તા.મહુવા, ભાવનગર)
  3. જૈમીશ ઠાકરશીભાઇ જીકાદરા (ઉ.વ.૨૯, રહે . ઘર નં .૧૦૨ , યમુનાપાર્ક સોસાયટી , ડભોલી, ચોકબજાર, સુરત. મુળ. વણોટગામ, તા.મહુવા, ભાવનગર)
  4. ડો.સાહિલ વિનુભાઇ ઘોઘારી (ઉ.વ.૨૭, રહે.ઘર નં . ૧૪ , હરીહરી સોસાયટી વિભાગ ૧, બાળ આશ્રમ સ્કુલની પાછળ, કતારગામ. મુળ. દલાડીગામ, તા.ખાંભા, જી.અમરેલી)
  5. ડો.હિતેશભાઈ ડાભી (રહે. મુની ક્લિનિક એન્ડ નર્સિગ હોમ, ન્યુ કોસાડ રોડ, અમરોલી)

Most Popular

To Top