સુરત નજીકનું ઉધના રેલવે સ્ટેશન બી-1 કેટેગરીમાં દેશમાં પ્રથમ નંબરે આવ્યું હતું પરંતુ રેલવેની મોટી વાતો વચ્ચે ઉધના સ્ટેશન હાલમાં પારાવાર ગંદકીમાં ખદબદી રહ્યું છે. આ રેલવે સ્ટેશન પર હાલમાં સફાઈનો કોન્ટ્રાક્ટ કોઈને પણ આપવામાં આવ્યો નથી. જાણે રેલવે કોન્ટ્રાક્ટ આપવાનું જ ભૂલી ગઈ છે. જેને કારણે સફાઈ જ થતી નથી.
ઉધના રેલવે સ્ટેશને ગત ઓગષ્ટ માસમાં જ સફાઈનો કોન્ટ્રાક્ટ પુરો થઈ ગયો હતો. કોન્ટ્રાક્ટ પુરો થઈ જવાં છતાં પણ મુંબઈ અને ચર્ચગેટની એસી કેબિનોમાં બેસતાં અધિકારીઓ પાસે નવો કોન્ટ્રાક્ટ કરવાની ફુરસદ જ નથી. નવા કોન્ટ્રાક્ટ માટે ટેન્ડરો પણ ઈસ્યુ કરવામાં આવ્યાં નથી.
સુરત રેલવે સ્ટેશને પણ સફાઇનો કોન્ટ્રાકટ પુરો થઇ ગયો હોવા છતાં પણ રેલવેના અધિકારીઓ હલતાં નથી
સુરત જેવા એ-1 રેલવે સ્ટેશન પર સફાઇનો કોન્ટ્રાકટ ગત તારીખ 28મી ફેબ્રુઆરીના રોજના રોજ પુરો થઇ ગયો હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપી રહ્યા નથી અને નવો કોન્ટ્રાકટ ઇસ્યુ કરવામાં આવ્યો નથી. સુરત રેલવે સ્ટેશનની હાલત નર્કાગાર બનાવી દેવાઇ છે.
સુરત રેલવે સ્ટેશન પર કરાયેલા રિપેરિંગનો કચરો સ્ટેશનના બીજા માળે આરપીએફ ઓફિસ પાસે ઠાલવવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટેશન પરિસરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી છે. સ્ટેશનના ચારેય પ્લેટફોર્મ પર અને પ્લેટફોર્મની વચ્ચે પણ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જયું છે.
દરેક વખતે કડકાઇથી કામ લેતા સીનિયર ડીસીએમ આ વખતે ચુપ
મુંબઇ ડિવિઝનના સીનીયર ડીસીએમ જાગૃતિ શાંગાડા કડક અધિકારી તરીકે છાપ ધરાવે છે. ડીસીએમ જાગૃતિ શાંગાડા જયારે પણ આવે ત્યારે સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર વિઝિટ દરમિયાન ગંદકીના મુદ્દે અધિકારીઓને આડે હાથ લેતા હતા. જેના પગલે સ્થાનિક ધિકારીઓમાં ફફડાટ ફેલાઇ જતો હતો. પરંતુ સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર સફાઇનો કોન્ટ્રાકટ ઈસ્યુ કરવાનું કામ પણ સીનિયર ડીસીએમનું છે. તેમ છતાં તેઓ સુરત અને ઉધના જેવા મહત્વના સ્ટેશન પર સફાઇનો કોન્ટ્રાકટ ઈસ્યુ કરતાં નથી.
નવા ટેન્ડરર નહીં આવતા ટેન્ડરમાં વાર લાગી : ડીઆરએમ
આ અંગે મુંબઇ ડિવિઝનના ડીઆરએમ જીવીએલ સત્યકુમારે જણાવ્યું હતું કે, સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર સફાઇનો કોન્ટ્રાકટ પુરો થઇ જવા પામ્યો છે. મુંબઇ ડિવિઝન દ્વારા આ માટે નવા ટેન્ડરની પણ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ નવા કોઇ ટેન્ડરર નહીં આવતા ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. આગામી પાંચ દિવસમાં નવા ટેન્ડર જારી કરી દેવામાં આવશે.