આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. જો કે, એ વાત જુદી છે કે, જુદા જુદા ક્ષેત્રમાં સફળ થયેલી મહિલાઓનું જ આ દિવસે સન્માન થાય છે. પરંતુ અનેક યુવતી એવી હોય છે કે, જે સફળ થવા માટે મહેનત કરતી હોય છે. આવી યુવતીઓ તરફ ભાગ્યે જ કોઇનું ધ્યાન જતું હોય છે. આવી જ વાત એક સુરતની યુવતીની છે. જે હાલમાં આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીની પરીક્ષા આપી રહી છે.
સામાન્ય રીતે કોલેજોમાં કામકાજના દિવસ દરમિયાન પરીક્ષઓનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ, આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં રજાના દિવસે પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. હાલમાં શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી કેપી કોમર્સ કોલેજમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકકર ઓપન યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે. જેમાં હિરલ પરિમલ પટેલ નામની પરિણિતી યુવતી પણ પરીક્ષા આપવા આવે છે.
જો કે, તે તેની સાથે પુસ્તકો અને નોટ્સ તો વાંચવા માટે લાવે જ છે. અને પરીક્ષા શરૂ થાય તે પહેલા તેનું વાંચન કરે જ છે. પરંતુ સાથે સાથે તે ઘોડિયું લઇને આવે છે અને આ ઘોડિયામાં તેની નવજાત બાળકી હોય છે. તે વાંચવાની સાથે ઘોડિયાને ઝૂલાવતી જાય છે અને તે પરીક્ષા ખંડમાં જાય ત્યારે તેની સાસુ બાળકીને સાચવે છે. આ બાળકી જો રડારોડ કરી મૂકે તો તે પાંચ દશ મિનિટ માટે ખંડની બહાર આવી જાય છે અને સાંત્વના આપીને બાળકીને શાંત કરે છે.