SURAT

અસંતોષની આગ છ વોર્ડમાં પ્રસરી : ભાજપ કાર્યાલય, સીઆરની ઓફિસે પ્રદર્શન

ભાજપે ઉમેદવારો જાહેર કરતાં કહીં ખુશી, કહીં ગમ જેવો ઘાટ જોવા મળ્યો હતો. સુરત શહેરના અમુક વોર્ડમાં વોર્ડ બહારના ઉમેદવારોનાં નામ જાહેર થતાં જ કાર્યકરોનો અસંતોષ સપાટી પર આવ્યો છે. તેમજ વોર્ડ નં.3માં તો પેઇજ કમિટીના કાગળો સળગાવાયા બાદ કલાકો સુધી ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાની ઓફિસ પર ઘમાસાણ ચાલ્યું હતું. અમુક જગ્યાએ જે-તે સમાજના દાવેદારો કપાઇ જતા પણ અસંતોષની આગ ભડકી ઊઠી છે. શહેરના સરથાણા, ઉધના, ડિંડોલી, પુણા, પરવટ પાટિયા અને પાંડેસરા અને ભેસ્તાન વોર્ડમાં કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ શુક્રવારે વોર્ડથી માંડીને ભાજપ કાર્યાલય અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઓફિસ સુધી કાર્યકરોના મોરચા પહોંચી જતાં રાજકીય ગરમાગરમી વ્યાપી ગઈ છે.

ઉધના રોડસ્થિત ભાજપ કાર્યાલય પર ગુરુવારની રાત્રે વોર્ડ નં.28 અને 29ના કાર્યકરો દ્વારા મોરચો લાવી રજૂઆત કરાયા બાદ શુક્રવારે સવારે વોર્ડ નં.28 નંબરના વોર્ડમાં દલપતકુંવર દરબારને અપાયેલી ટિકિટ સામે વાંધો ઉઠાવી સ્થાનિક કાર્યકર્તા અને ટિકિટના પ્રબળ દાવેદાર કિરણદાસ પણ કાર્યકરોનાં ટોળાં સાથે ભાજપ કાર્યાલય પર આવી ધરણાં પર બેસી ગયા હતા. કાર્યાલય પર હોબાળાના પગલે પોલીસ મૂકવી પડી હતી.

વોર્ડ નં.11ની નીરવ શાહની બેઠક પર હજુ સુધી ઉમેદવાર જાહેર કરાયો નથી
ભાજપે સુરતમાં જે ટિકીટો જાહેર કરી તેમાં જ્યાંથી પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહની ટિકિટ કપાઇ છે તે વોર્ડ નં.11માં બાકી રહેલી એક નામની જાહેરાતનું કોકડું પણ ગૂંચવાયું જ છે.ગઈકાલે રાત્રે રાજુ કોઠારી નામના કાર્યકરને ભાજપ કાર્યાલય ખાતે બોલાવાયો હતો પરંતુ હજુ સુધી કોઈના નામની જાહેરાત કરવામાં આવી નથી. સંભવત: આવતીકાલે અંતિમ દિવસે ઉમેદવારની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.

વોર્ડ નં.27માં એકપણ ગુજરાતી નેતાને ટિકિટ નહીં અપાતાં નારાજગી
વોર્ડ નં.27 (ડિંડોલી-દક્ષિણ)ના ત્રણ ઉત્તર ભારતીય ઉમેદવારને અને એક મરાઠીને ટિકિટ ફાળવવામાં આવતાં સ્થાનિક ગુજરાતી મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ બહારના ઉમેદવાર નિરાલાસિંહ રાજપૂતને અપાયેલી ટિકિટ સામે પણ વાંધો ઉઠાવાયો છે. તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક ગુજરાતી મતદારો હોવા છતાં તેની અવગણના કરી હોવાની લાગણી કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે ઉપરાંત તમામ ઉમેદવારો વોર્ડ બહારના હોવાની વાતથી પણ સ્થાનિક લોકોમાં નારાજગી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વોર્ડના કાર્યકરો ભાજપ કાર્યાલય પર આવી ધરણા પર બેસી ગયા હતા.

વોર્ડ નં.28માં રાજસ્થાની ઉમેદવારને ટિકિટ અપાતાં રોષ
વોર્ડ નં.28 (પાંડેસરા-ભેસ્તાન)ના કાર્યકર્તાઓએ પણ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યકર્તાઓના કહેવા મુજબ આ વોર્ડમાં રાજસ્થાની સમાજની વસતી ઘણી ઓછી છે. આમ છતાં અહીં દલપતકુંવર નરપતસિંહ દરબારને ટિકિટ આપવામાં આવી છે. આ કાર્યકરો અહીંના કાર્યકર પંકજ જાદવ અથવા તેમની પત્નીને ટિકિટ આપવામાં આવે એવી માંગણી સાથે ઉધના સ્થિત મુખ્ય કાર્યાલયે પહોંચ્યા હતા. તેમજ અહીં જાહેર થયેલાં નામો બાબતે ફેર વિચારણા કરવા માંગણી કરી હતી.

વોર્ડ નં.3માં ધારાસભ્યની સ્થિતિ કફોડી : કાર્યકરોને સમજાવવા દોડવું પડ્યું
વોર્ડ નં.3 વરાછા-સરથાણા-સીમાડા-લસકાણામાં બહારના ઉમેદવારો બાબતે ઘમાસાણ ચાલી રહ્યું છે. વોર્ડના કાર્યાલયમાં ઘૂસીને નારાજ કાર્યકરોએ પેઇજ કમિટીના સાહિત્ય સળગાવ્યા બાદ મોડી રાત સુધી ઘમાસાણ ચાલ્યું હતું. તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને એવું કહી દીધું હતું કે, સ્થાનિક ધારાસભ્યોએ સૂચવ્યા મુજબ નિર્ણય લેવાયો છે. તેથી અહીંના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા કફોડી સ્થિતિમાં મુકાયા છે. આ વોર્ડના સ્થાનિક કાર્યકર્તાને ટિકિટ આપવાની રજૂઆત કરવા કાર્યકર્તાઓ સી.આર.પાટીલની ઓફિસે પહોંચ્યા હતા. આખો દિવસ ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા પણ કાર્યકરોને મનાવવા દોડતા રહ્યા હતા તેમજ કાર્યકરોના જણાવ્યા મુજબ તેમણે પોતે પણ સ્વીકાર્યું હતું કે, તેમના વોર્ડમાં આયાતી ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે.

વોર્ડ નં.24માં જૂના કાર્યકરની ટિકિટ કપાતાં કાર્યકરોનો પ્રદેશ પ્રમુખની ઓફિસ પર મોરચો
વોર્ડ નં.24 (ઉધના-દક્ષિણ)માં પણ વોર્ડ બહારના ઉમેદવાર મુદ્દે કાર્યકરો રજૂઆત કરવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઓફિસ પહોંચ્યા હતા. અહીં ટિકિટનો દાવો કરનાર ભાયાભાઈ વી. ચૌહાણ 25 વર્ષ જૂના કાર્યકર્તા છે. એમની જગ્યા પર ડો.બળવંતભાઈને ટિકિટ આપતાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આ ઉમેદવાર વોર્ડ બહારના હોવાથી સ્થાનિકને ટિકિટ આપવા રજૂઆત કરવામાં આવી હતી.

વોર્ડ નં.17માં હાલારી-ગોલવાડિયા ફેક્ટરે જોર પકડ્યું
વોર્ડ નં.17 (પુણા પૂર્વ)માં સૌરાષ્ટ્રવાસીઓનું હાલારી (અમરેલી), ગોલવાડિયા(ભાવનગર) ફેક્ટર ફરી જોરમાં આવ્યું છે. કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ વોર્ડ નં.17ના એક ઉમેદવાર કામરેજ તાલુકાના મહામંત્રી છે. છતાં અહીંથી ટિકિટ આપી છે. વળી, અન્ય ત્રણેય અમરેલી જિલ્લાના વતની છે. આમ છતાં એક ભાવનગર જિલ્લાના બતાવાયા છે. આમ ભાવનગર જિલ્લાના ઉમેદવારોને નજરઅંદાજ કરાયા હોવાની લાગણી સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વોર્ડ નં.18માં દિનેશ રાજપુરોહિતનો વિરોધ : કાર્યકરો રાજીનામાં આપવા આવી ગયા
વોર્ડ નં.18 (લિંબાયત-પરવટ-કુંભારિયા)માં સ્થાનિક કાર્યકર અને પૂર્વ વોર્ડ પ્રમુખ રમેશ રબારીની ટિકિટ કપાતાં તેના ટેકેદારો વિરોધ કરી રહ્યા છે. તમામ કાર્યકારો રાજીનામાં આપવા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તેમજ આ વોર્ડના નહીં હોવા છતાં પ્રદેશ પ્રમુખના નજીકના ગણાતા દિનેશ રાજપુરોહિતને ટિકિટ આપવામાં આવતાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top