પલસાણાના ઈટાળવા પાટિયા ઉપર આવેલી શ્રીજી ગેસની કંપનીમાં ઓક્સિજન એજન્સીના કેટલાક ઈસમો ગેસ પૂરવઠો લઇ જઇ ઊંચા ભાવે વેચતા હોવાની ફરિયાદને લઈ ત્યાં હાજર હોસ્પિટલના સંચાલકોએ હોબાળો મચાવ્યો હતો. જેથી પલસાણા મામલતદાર અને પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી દલાલોને ગેસનો પૂરવઠો નહીં આપવા જણાવતાં મામલો શાંત પડ્યો હતો.
પલસાણા ખાતે આવેલા શ્રીજી નામની ઓક્સિજન ગેસનો જથ્થો પૂરી પાડતી કંપનીમાં હોસ્પિટલના સંચાલકોએ હોબાળો મચાવ્યો હતો. ગેસ કંપનીમાં કેટલાક લેભાગુ દલાલો દ્વારા ઓક્સિજનનો જથ્થો સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પહોંચાડવાનો હોવાનું કહી જથ્થો લઇ જવાતો હતો. જેથી ત્યાં હાજર કેટલાક વ્યારા, નવસારી અને સુરતની હોસ્પિટલના સંચાલકોએ તેમના 100થી 150 જેટલા બાટલા ભરવા સામે વિરોધ નોંધાવ્યો હતો. અને હોસ્પિટલના બાટલા પહેલા ભરવા માટે જણાવ્યું હતું.
જેથી ત્યાં હાજર દલાલો અને હોસ્પિટલના સંચાલકો સાથે બબાલ જોવા મળી હતી. આ અંગે પલસાણા મામલતદાર અને પલસાણા પોલીસને માલૂમ પડતાં તેઓ ગેસ પ્લાન ઉપર પહોંચી બધાને ગેસ પૂરવઠો મળે એ રીતે ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને ત્યાં હાજર સ્થાનિક સરકારી કર્મચારી અને ગેસ કંપનીના સંચાલકો સૂચના આપવામાં આવી હતી.
બલેશ્વર અને હજીરાનો પ્લાન બંધ હોવાથી ધસારો રહ્યો હતો
ગેસ કંપનીના સંચાલક ઝાકરિયાભાઈ પાંડોરે જણાવ્યું હતું કે, ઓક્સિજન ગેસનું રો મટિરિયલ ઉપરથી ના આવતાં બલેશ્વર અને હજીરાનો પ્લાન બંધ હોવાથી બે દિવસથી અહીં ધસારો જોવા મળ્યો છે. માટે દરેકને સૌથી પહેલાં ગેસ બોટલ રિફિલિંગ કરવાની ઉતાવળને કારણે બબાલ જોવા મળી હતી.
હોસ્પિટલ અને 108 એમ્બ્યુલન્સને પ્રાથમિકતા અપાશે
મામલતદાર એન.સી.ભાવસારે જણાવ્યું હતું કે, પલસાણામાં ઓક્સિજનનું વિતરણ કરતી શ્રીજી કંપનીમાં કેટલાક દલાલોના સિલિન્ડર ગેસ રિફિલિંગ અમારા અધિકારીઓએ કરી આપવાની ના પાડતાં વિવાદ ઊભો કર્યો હતો. ત્યાં હાજર કેટલાક હોસ્પિટલના સંચાલકો દ્વારા ફરિયાદ પણ કરાઈ હતી કે, આ લોકો હોસ્પિટલના નામે ઓક્સિજનનો જથ્થો લઇ જઇ તેમની રીતે વિતરણ કરે છે. માટે ઘટના સ્થળે જઇ સૌથી પહેલાં હોસ્પિટલ અને 108 કે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પૂરવઠો આપવા સૂચના આપવામાં આવી છે અને પોલીસ પહેરો પણ વધારવા માટે પલસાણા પોલીસને જણાવ્યું છે.