Saurashtra

રાજકોટના શિવ જવેલર્સમાંથી રૂા. ૧ કરોડના સોનાની લૂંટ: લૂંટારૂઓ વેપારીને તિજોરીમાં પૂરી ભાગી ગયા

શહેરના પેડક રોડ નજીક ચંપકનગર મેઈન રોડ, શેરી નં.3માં આવેલી શિવ જવેલર્સ નામની દુકાનમાં સોમવારે સાંજે સાડા ત્રણ વાગ્યા આસપાસ લૂંટની ઘટના બની હતી. જવેલર્સમાં બંદૂકની અણીએ રૂ.1 કરોડના દાગીના લૂંટી ત્રણ હિન્દી ભાષી શખ્સો ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

શિવ જવેલર્સના માલિક મોહનભાઈ ડોડિયાએ જણાવ્યા મુજબ તેઓ બપોરે પોતાના જવેલર્સમાં હતા ત્યારે ત્રણ શખ્સો આવ્યા હતા અને ચાંદીની વીંટી બતાવવા કહ્યું હતું. ત્રણેય શખ્સ હિન્દીમાં વાત કરતા હતા. તેઓ વીંટી કાઢવા માટે ગયા ત્યાં જ બે શખ્સોએ બંદૂક કાઢી જે કંઈ માલ-મતા છે તે આપી દેવા કહ્યું અને એક શખ્સે ડરાવવા માટે ફાયરિંગ કરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ બંદૂકમાં ગોળી અટવાય જતા ફાયરિંગ થયું નહોતું. આરોપીઓએ તમામ દાગીના ભેગા કરી લીધા અને પછી મોહનભાઈને દુકાનમાં જ આવેલી તિજોરીમાં પુરી દીધા અને ફરાર થઈ ગયા હતા.

પત્ની ચા આપવા દુકાને આવી ત્યારે પતિ તિજોરીમાં કેદ હોવાની જાણ થઈ
આરોપી ભાગી છૂટ્યા બાદ મોહનભાઈનું ઘર તેમની દુકાન સામે જ હોવાથી તેમના પત્ની ચા લઈ દુકાને આવ્યા ત્યારે તેમને જાણ થઈ કે મોહનભાઈ તિજોરીમાં છે તેથી આસપાસના લોકોને બોલાવી મોહનભાઈને બહાર કાઢવામાં આવ્યા અને પોલીસને જાણ કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવિણ કુમાર, એસીપી ટંડેલ, બી.ડિવિઝન પીઆઇ ઔશુરા, એ.ડિવિઝન પીઆઇ સી.જી. જોશી, ક્રાઈમ બ્રાન્ચની ટીમો દોડી ગઈ હતી.

ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસ કામે લાગી છે. શહેરમાં નાકાબંધી કરી છે. તેમજ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. જે બાદ પોલીસે દુકાનની અંદર તેમજ આસપાસ વિસ્તારમાં રહેલા CCTV ફૂટેજ કબ્જે કરી લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે. જવેલર્સના માલિક મોહનભાઈના જણાવ્યા મુજબ અંદાજે એકાદ કરોડના દાગીના લૂંટમાં ગયા છે.

Most Popular

To Top