સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાત મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે, ગુજરાતના ભુતપુર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ સ્વ.મોહન ડેલકરના પરિવારની મુલાકાત લીધી હતી. જ્યા તેઓએ સ્વ.મોહન ડેલકરને શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી અને તેમના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી.
શંકરસિંહ વાઘેલાએ મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકર સાથે એકલા બેસી ચર્ચા કરી હતી. ત્યારબાદ મીડિયા સાથેની વાતમાં શંકરસિંહ વાઘેલાએ મોહન ડેલકરના આપઘાતના મુદ્દે ભાજપ અને સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા હતા, અને મોહન ડેલકરે કરેલા આપઘાત માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સાંસદ મોહન ડેલકરે મુંબઈની હોટલમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ત્યારબાદ 15 પાનાની લખેલી સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. એ સુસાઇડ નોટમાં તેમણે મોત માટે જવાબદાર લોકોના નામ પણ લખ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ સ્વ.મોહન ડેલકરના આપઘાત મામલે કેન્દ્ર સરકારની સાથે મહારાષ્ટ્ર સરકારને પણ રજૂઆત કરી મોહન ડેલકરના મોત મામલે જવાબદાર તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
સ્વ.મોહન ડેલકરના આપઘાત મામલે રાજકારણ ગરમાયું છે. અત્યાર સુધી શિવસેના, કોંગ્રેસ-એનસીપી અને આદમી પાર્ટીના અગ્રણી નેતા મોહન ડેલકરના પરિવારની મુલાકાત લઇ અને મોહન ડેલકરને શ્રદ્ધાંજલી પાઠવી પરિવારને સહયોગની ખાતરી આપી હતી. અને અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા મોહન ડેલકરના મોત મામલે ઊંડાણપૂર્વક અને તાત્કાલિક તપાસ કરવાની અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.
હવે ગુજરાતના ભુતપુર્વ મુખ્યમંત્રી અને રાજ્યના રાજકારણમા મોટું માથુ એવા શંકરસિંહ વાઘેલાએ પણ મોહન ડેલકરના મોત મામલે ભાજપ પર ગંભીર આક્ષેપો સાથે ઊંડાણપૂર્વક તપાસ કરી અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમના પરિવારને મળ્યા બાદ શંકરસિંહ વાઘેલા ભાજપના ફતેસિંહ ચૌહાણના ઘરે જઈ એમની સાથે પણ મુલાકાત કરી હતી.
- ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે અભિનવ ડેલકરની મુલાકાત
દાદરા નગર હવેલીના સાંસદ સ્વ. મોહનભાઇ ડેલકરના અપમૃત્યુ કેસમાં મોહનભાઇના પુત્ર અભિનવ ડેલકરે રવિવારે સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર.પાટીલની મુલાકાત કરી હતી. અભિનવે તેમના પિતાના અપમૃત્યુની તપાસમાં મુંબઇ પોલીસ પર ભરોસો દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે, સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલને જેમ બને તેમ જલ્દી તેમના પદ પરથી હટાવવામાં આવે તો જ નિષ્પક્ષ તપાસ થઇ શકશે.
અભિનવે કહ્યું કે, સી.આર.પાટીલને આ અંગે વાત કરી છે. અભિનવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પ્રશાસકને તેમના પદ પરથી દૂર કરવામાં આવે તો નિષ્પક્ષ તપાસ થઇ શકે. અમારી પહેલી માગ એ છે. ત્યારબાદ મુંબઇ પોલીસ પર અમને ભરોસો છે. પરંતુ પહેલું કામ સરકારે પ્રશાસકને તેના પદ પરથી દૂર કરવા જોઇએ. તો અમને ન્યાય મળી શકે.