સાયણ ગામમાં પ્રભાત હાર્ડવેર નામે ગેસ કંપનીના ભરતભાઈ ગાંધી ડીલર છે. જેમનો ભત્રીજો મયૂરભાઈ પ્રવીણચંદ્ર ગાંધી (ઉં.વ.૩૭) (રહે.,સાયણ બજાર ચાર રસ્તા, ગ્રામ પંચાયત ભવનની બાજુમાં) એજન્સીમાં કામગીરીમાં કાકાને મદદ કરે છે.
બુધવારે સવારથી સાયણ તથા આજુબાજુનાં ગામોમાં ગેસ સિલિન્ડરની ગ્રાહકોને ડિલિવરી આપવા જઇ બપોરે ૪ વાગ્યાના અરસામાં સાયણ-શેખપુર રોડ પર આવેલી ગોડાઉન પર પહોંચી સિલિન્ડર પેટે આવેલી રોકડ રકમનો હિસાબ કરતો હતો. ત્યારે ગોડાઉન પાછળ આવેલા ખેતરમાંથી ૩ બુકાનીધારી આશરે ૨૦થી ૨૫ વર્ષની ઉંમરના લુંટારુ ગોડાઉનમાં ધસી આવ્યા હતા.
ત્યારે ૩ લુંટારુ પૈકીના એક લુંટારુએ મયૂરભાઈના હાથ પર ચપ્પુ મૂકી તેમને બાનમાં લેવા સાથે મયૂરભાઈએ બચાવનો પ્રયાસ કર્યો હતો. જેથી અન્ય લુંટારુએ લાકડાંનો ફટકો માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી લોહીલુહાણ કરતાં મયૂર ગાંધી બેભાન જેવો થઈ ગયો હતો. બાદ ગેસ બોટલ ડિલિવરી પેટે આવેલા રોકડા ૨૮ હજાર અને ગોડાઉનમાં રાખેલી ૧૦ હજાર જેટલી રોકડ રકમ મળી કુલ રોકડ ૩૮ હજારની લૂંટ કરી ફરી ખેતરમાં ભાગી છૂટ્યા હતા.
જ્યારે મયૂર ગાંધીને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવા સાથે સાયણ પોલીસ ઘટના સ્થળે આવી ગોડાઉનમાં લાગેલા સી.સી.ટીવીનાં ફૂટેજ મેળવી તપાસ કરતાં ગોડાઉન નજીકથી ચપ્પુ અને લાકડીનો ફટકો મળી આવ્યો હતો. ત્યારે દિનદહાડે લૂંટની ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.