ઓલપાડના મંદરોઈ બાદ કલેકટર તંત્ર દ્વારા ખજોદરાના જિંગા તળાવોના શરૂ કરાયેલા ડિમોલિશનમાં આજે વધુ ત્રણ જિંગા તળાવોનો તોડી પાડવામાં આવ્યાં હતાં. બે દિવસની કામગીરીમાં આઠ જિંગાતળાવોનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ ગેરકાયદે જિંગાતળાવો તોડવાની કામગીરી ચાલુ જ રહેશે. ખજોદમાં સરકારી જગ્યા પર 817 જેટલા ગેરકાયદે જિંગાતળાવો ઉભા કરી દેવામાં આવ્યા હોવાથી તંત્ર દ્વારા તેના ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ખજોદરમાં સરવે નં.117માં આ સરકારી જગ્યા પર 817 ગેરકાયદે જિંગાતળાવો બનાવી દેવામાં આવ્યા છે. જિંગા તળાવોને કારણે પર્યાવરણને ભારે નુકસાન થતું હોવાથી કલેકટર તંત્ર દ્વારા તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સિટી પ્રાંતની સાથે મામલતદાર, ફિશરિઝ, લેન્ડ રેકોર્ડના અધિકારી દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. જિંગાતળાવો તોડવા માટે મહાપાલિકા પાસેથી 4 જેસીબી મશીન તેમજ બેલદારો લેવામાં આવ્યાં છે.
ખજોદ બાદ ચોર્યાસી તાલુકાના અન્ય ગામડાઓમાં આવેલા ગેરકાયદે જિંગાતળાવોનું ડિમોલિશન કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. આજે તંત્ર દ્વારા ખજોદમાં વધુ 3 જિંગા તળાવો તોડી પાડવામાં આવ્યાં હતાં. આ 3 સાથે બે દિવસમાં કુલ આઠ જિંગા તળાવો તોડી પાડવામાં આવ્યાં છે. જોકે, 817 જેટલા ગેરકાયદે જિંગા તળાવો હોવાથી તંત્રએ તમામ જિંગા તળાવોનો સફાયો બોલાવવા માટે લાંબી કામગીરી કરવી પડશે.