Sports

કૃણાલ, બુમરાહ અને બોલ્ટે કેકેઆરના મોઢામાંથી વિજયનો કોળિયા છીનવી મુંબઇને 10 રને જીતાડ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી બે કટ્ટર પ્રતિસ્પર્ધી વચ્ચેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે સૂર્ય કુમાર યાદવની અર્ધસદી પછી કેકેઆરના આન્દ્રે રસેલની 2 ઓવરમાં 15 રનમાં પાંચ વિકેટને પ્રતાપે મુકેલા 153 રનના લક્ષ્યાંક સામે મેચ અંતિમ ઓવર સુધી ગઇ હતી અને તેમાં ટ્રેન્ટ બોલ્ટે બાજી ફેરવી નાંખીને એ ઓવરમાં બે વિકેટ ઉપાડવાની સાથે માત્ર 4 રન આપતા મુંબઇ ઇન્ડિયન્સ 10 રને મેચ જીત્યું હતું.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી કેકેઆરની ટીમને શુભમન ગીલ અને નીતિશ રાણાની જોડીએ 72 રનની ભાગીદારી કરી સારી શરૂઆત અપાવી હતી. જો કે તે પછી ગીલ અને રાહુલ ત્રિપાઠી નજીકના ગાળામાં આઉટ થયા હતા અને તે પછી સ્કોર 122 સુધી પહોંચ્યો ત્યારે તેમણે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

આ દરમિયાન નીતિશ રાણાએ પોતાની સતત બીજી અર્ધસદી પુરી કરી હતી અને તે 47 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 57 રન કરીને આઉટ થયો હતો. અંતિમ 3 ઓવરમાં તેમને 22 રન કરવાના આવ્યા હતા. જો કે કૃણાલે 18મી ઓવરમાં માત્ર ત્રણ જ રન આપ્યા હતા અને તે પછીની ઓવરમાં બુમરાહે 4 જ રન આપતા અંતિમ ઓવરમાં તેમણે 15 રન કરવાના આવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટની એ ઓવરના પહેલા બે બોલમાં બે સિંગલ આવ્યા પછી ત્રીજા બોલે રસેલ અને ચોથા બોલે કમિન્સ આઉટ થયો હતો અને અંતિમ બે બોલમાં 13 રન કરવાના આવ્યા હતા અને તેમાં માત્ર 2 રન આવતા મુંબઇ 10 રને મેચ જીત્યું હતું.

આ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી દાવ લેવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સ માટે શરૂઆત સારી રહી નહોતી જો કે તે પછી રોહિતની સાથે જોડાયેલા સૂર્ય કુમાર યાદવે ફરી એકવાર મુંબઇ ઇન્ડિયન્સ માટેની પોતાની ઉપયોગીતાને સાબિત કરીને બીજી વિકેટની 84 રનની ભાગીદારી કરી હતી.

સૂર્ય કુમાર 36 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 56 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. 16મી ઓવરમાં રોહિત શર્મા આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 115 હતો. તેણે 32 બોલમાં 43 રન કર્યા હતા. હાર્દિક પંડ્યા અને કિરોન પોલાર્ડ પણ પોતાની ક્ષમતા અનુસાર રમી શક્યા નહોતા. અંતિમ ઓવરોમાં બોલિંગ કરવા આવેલા આન્દ્રે રસેલે જોરદાર બોલિંગ કરીને પોતાના ક્વોટામાં ફેંકવાની આવેલી માત્ર બે ઓવરમાં 15 રન આપીને પાંચ વિકેટ ઉપાડી હતી અને તેની સાથે જ તે સર્વાધિક વિકેટ ઉપાડવા મામલે પર્પલ કેપ હોલ્ડર બન્યો હતો.

Most Popular

To Top