Vadodara

હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું, વડોદરા રેલ્વે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે

વલસાડ સિટી કંટ્રોલ નંબર પર ફોન કરી એક શખ્સે ધમકી આપી


પ્લેટફોર્મ નંબર 1 થી 6 સહિત મુસાફરખાના, વેઇટિંગ રૂમ, પાર્સલ ઓફિસ તથા રેલવે સ્ટેશન પર આવતી જતી ટ્રેનો તથા અવાવરૂ જગ્યા પર ચેકીંગ

કોઈ પદાર્થ કે ચીજ વસ્તુ નહીં મળી આવતા તંત્રને હાશકારો



હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું, વડોદરા રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવી વલસાડ સિટી કંટ્રોલના નંબર પર ફોન કરી ધમકી આપી હતી. વલસાડ કંટ્રોલરૂમ ના ઇન્ચાજે વડોદરા રેલવે તંત્રને જાણ કરતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ડોગ તથા બોમ્બ સ્કવોડના સ્ટાફ સાથે સમગ્ર રેલવે સ્ટેશન સહિતના વિવિધ વિસ્તારમાં તથા આવતી જતી ટ્રેનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે કલાકો સુધી કરેલી ચેકિંગ દરમિયાન કોઈ સ્ફોટક પદાર્થ કે ચીજવસ્તુ નહીં મળી આવતા તંત્રે હાશકારો અનુભવ્યો હતો.
એક શખ્સે વલસાડ સિટી કન્ટ્રોલ 100 નંબર ઉપર ફોન કરી જણાવ્યું હતું કે હું આઈએસઆઈ એજન્ટ પાકિસ્તાનથી બોલું છુ. વડોદરા રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે. બાદમાં અન્ય નંબર પરથી ફોન કરીને આ વાત સાચી છે તેમ પણ કહ્યું હતું. જેની જાણ વલસાડ કંટ્રોલ ઇન્ચાર્જ અબ્દુલ શહીદે વડોદરા રેલવે કંટ્રોલ પર કરતા રેલવેના પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.જેની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓને થતા રેલવે પોલીસ, જીઆરપી બીડીડીએસ, રેલવે એસઓજી, એલસીબી, રેલવે પોલીસ સ્ટેશન પરનો સેરવેલેન્સ સ્ટાફ, આરપીએફના ડોગ અને બોમ્બ સ્કવોડ અને એસઆઈપીએફ સહિતનો પોલીસ કાફલો એક્શનમાં આવી ગયો હતો.ત્યારબાદ ડોગ તથા બોમ્બ સ્કવોડ સાથે રેલ્વે સ્ટેશન પર આવેલી વિવિધ જગ્યા જેવી કે ટ્રાફિક વિસ્તાર, મુસાફરખાના, વેઇટિંગ રૂમ, પાર્સલ ઓફિસ તથા રેલવે સ્ટેશન પર ટ્રેનો, રેલ્વે સ્ટેશન પર આવેલી અવાવરૂ જગ્યાઓ અને પ્લેટફોર્મ નંબર એક થી છ સુધી એન્ટીસબોટેજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે રેલ્વે સ્ટેશન પરથી કોઈ સ્ફોટક ચીજવસ્તુ કે પદાર્થ મળી આવ્યો ન હતો. જેના પગલે સમગ્ર રેલ્વે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. રાજ્ય સેવકને ખોટી માહિતી આપનાર શખ્સ સામે ઈ.પી.કો. કલમ 177, 182,505(1),506,507 અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 66(b) મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top