ડૉ. ધર્મીબેન બળદેવભાઈ પટેલે શિક્ષણશાસ્ત્ર વિષયમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરેલ છે. તેઓ છેલ્લાં 15 વર્ષથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા છે. હાલમાં કોલેજ ઓફ એજ્યુકેશન, ખરોડ, તાલુકો અંકલેશ્વરમાં ગણિત પદ્ધતિશાસ્ત્રના અધ્યાપિકા તરીકે ફરજ બજાવે છે. તેઓ પ્રભુને સાચા મન અને હૃદયથી યાદ કરવાનું કહે છે. ઈશ્વર વિશેના તેમના ખ્યાલો તેમના જ શબ્દોમાં….
તમે ઈશ્વરને કેવી રીતે પ્રાર્થના કરો છો?
ઈશ્વરને પ્રાર્થના કરવા માટે માત્ર ધાર્મિક ક્રિયાકાંડની જરૂર નથી. મનથી પણ યાદ કરી શકાય છે. દેવાધિદેવ ગણેશને યાદ કરું છું. હે પ્રભુ! સર્વનું કલ્યાણ કરજે! મારા ઘર – પરિવારને જોડી રાખજે. મારું કર્મ હું નિષ્ઠાપૂર્વક બજાવી શકું એવી તું મને શક્તિ આપજે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ હું માનસિક રીતે સ્વસ્થ રહી શકું અને યોગ્ય નિર્ણય કરી શકું એવી ઊર્જા પ્રદાન કરજે. બસ પ્રભુને મનથી યાદ કરું છું. સાચા હૃદયથી યાદ કરું છું. વિશેષમાં યોગ દ્વારા મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરું છું. એ પ્રભુ વંદના છે. સ્વ સાથેનો સંવાદ એ પણ પ્રભુ સાથેનો સંવાદ જ છે. માતાપિતાને, ઘરના વડીલોને તેમ જ નાના – મોટા સૌ કોઈને આદર અને સત્કાર આપવો એ પણ ઈશ્વરની પ્રાર્થના છે.
ઈશ્વર હોવાની પ્રતીતિ તમે કેવી રીતે કરો છો?
આપણી સમક્ષ જે પ્રત્યક્ષ છે એને હું ઈશ્વરનું નામ આપું છું. પ્રકૃતિ અને તેના તત્ત્વોને હું ઇશ્વરનું સ્થાન આપું છું. સમગ્ર સૃષ્ટિની સંચારદોરી છે પ્રકૃતિ. સૂર્યને જ્યારે પણ નિહાળું છું ત્યારે ઇશ્વરનો અહેસાસ થાય છે. સૂર્યનું અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવું, સૂર્યનું ઊગવું, આથમવું, તેની સમયબદ્ધતા, સૂર્યનો પ્રકાશ, સૂર્યનું તેજ, સૂર્યનાં કિરણો, સૂર્યની ગરમી, સૂર્યનો પ્રકોપ એ બધું ઈશ્વરની જ પ્રતીતિ કરાવે છે. આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ – આ પંચમહાભૂત ઈશ્વર જ છે. નદીનું અવિરત વહેવું, પર્વતનું અડીખમ ઊભા રહેવું, સજીવની જીવાદોરી એવો પ્રાણવાયુ, નાના બાળકનું સ્મિત, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી કોઈક ને કોઈક રસ્તો મળી જાય વગેરે ઈશ્વરની જ પ્રતીતિ છે.
તમે પુનર્જન્મમાં માનો છો? પુનર્જન્મ શા માટે માંગો છો?
ના, હું પુનર્જન્મમાં માનતી નથી. આ જે જન્મ મળ્યો છે, તેમાં જ હું સત્કર્મ દ્વારા શ્રેષ્ઠ ફલશ્રુતિ માનવસમાજને આપી શકું બસ એવી જ પ્રભુ પ્રાર્થના.
તમને તમારા પ્રશ્નોના ઉત્તર ઈશ્વર પાસેથી મળે છે?
હા, જરૂર. જીવન છે તો સમસ્યાઓ તો રહેવાની જ, પ્રશ્નો છે તેના ઉત્તરો છે. કંઈ કેટલાય પ્રશ્નોના ઉકેલ કલ્પના પણ નથી કરતા અને મળી જતા હોય છે. અડધી રાત્રે ઊંઘમાંથી ઊઠતા જ પ્રશ્નોનું સમાધાન મળી જાય છે તે ઈશ્વરની પ્રતીતિ જ છે. આજે જે સમસ્યા લાગે છે સમય વીતતા સમસ્યા જેવું કશું રહેતું જ નથી. ક્યારેક કોઈ વસ્તુના સ્વરૂપમાં, ક્યારેક કોઈ વ્યક્તિના સ્વરૂપમાં, ક્યારે કોઈ ઘટનાના ફળ સ્વરૂપે ઈશ્વરની પ્રતીતિ થયા જ કરે છે. જીવનમાં ક્યારેક એવું બને છે જે તે ક્ષણે ગમતું નથી, હતાશા – નિરાશા ઘેરી વળે છે, કોઈ માર્ગ સૂઝતો નથી અને થોડા સમય બાદ જે બન્યું તે સારું જ થયું. જો આવું ન બન્યું હોત તો હું આજે અહીં આ મુકામ પર ન હોત, મારાથી આટલી સિદ્ધિ પ્રાપ્ત થઈ ન હોત. આજે જે પ્રગતિ તેમ જ વિકાસ થયો તે ઈશ્વરની જ મહેરબાની છે. જીવનનું અંતિમ લક્ષ્ય હરિવર પર શ્રદ્ધાથી જ શક્ય બને છે.
હરિવરનો હાથ છે મારે સંગાથ,
ગમે તેવી મુશ્કેલી હોય કે જંજાળ,
પાર ઉતારશે જરૂર છે તેનો સહવાસ,
શોધેલ જડશે નહીં દ્રષ્ટિ છે એનો અહેસાસ
હરિવરનો હાથ છે મારે સંગાથ.