Editorial

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આજે થનારું મતદાન ભાજપ-કોંગ્રેસની નવી દિશા નક્કી કરશે

કેન્દ્રમાં સતત 10 વર્ષ સુધી દોડતા રહેલા નરેન્દ્ર મોદીના વિજયરથને 2024ની લોકસભાની ચૂંટણીમાં બ્રેક લાગી ગઈ. લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતિથી ઓછી બેઠકો મળી. સામે વિપક્ષને પણ ભાજપ જેટલી બેઠકો મળી. એનડીએના સાથી પક્ષોના સથવારે નરેન્દ્ર મોદીએ સરકાર તો બનાવી લીધી પરંતુ લોકસભાની ચૂંટણીઓ બાદ હવેની તમામ ચૂંટણીઓ નરેન્દ્ર મોદી અને ભાજપ માટે ખુબ મહત્વની બની રહી છે. લોકસભાની ચૂંટણી બાદ જો કોઈ ચૂંટણી આવી હોય તો તે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણી છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપને સફળતા મળે તેવી સંભાવના નથી એટલે તેની વધુ ચર્ચા નથી પરંતુ જો કોઈ ભારે રસાકસી હોય તો તે હરિયાણાની ચૂંટણીમાં છે. હરિયાણાની ચૂંટણી અનેક મુદ્દે મહત્વની છે. ખેડૂત આંદોલનનું એપી સેન્ટર હરિયાણા રહ્યું છે.

સાથે સાથે હરિયાણાના જ એથ્લેટો દ્વારા મંત્રી બ્રિજભૂષણ સામે રણશિંગુ ફુંકવામાં આવ્યું હોવાથી પણ મહત્વની છે. આજે એટલે કે તા.05મી ઓક્ટોબરના રોજ હરિયાણાની 90 બેઠક માટે મતદાન થશે. મતદાન સાથે જ સ્પષ્ટ થઈ જશે કે કોની સરકાર બનશે. હરિયાણામાં મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ભાજપની છેલ્લા 10 વર્ષથી હરિયાણામાં સરકાર છે ત્યારે તેના માટે આ રાજ્ય જીતવું ખૂબ મહત્વનું છે. જ્યારે આ વખતે હરિયાણામાં પરિવર્તનનો પવન છે. હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત જેજેપી, આઈએનએલડી, બીએસપી, એએસપી અને આમ આદમી પાર્ટી પણ મેદાને જંગમાં છે. પરંતુ તેઓ સરકાર બનાવવાની નજીક પહોંચી શકે તેમ નથી. ગત વખતે પણ ભાજપને બહુમતિ મળી નહોતી પરંતુ અન્ય પક્ષના ટેકાથી સરકાર બનાવી હતી અને ટકાવી પણ રાખી હતી. હરિયાણામાં કુલ 90 પૈકી 65થી વધુ બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. કોંગ્રેસ અને ભાજપને 21 બેઠકો પર અન્ય પક્ષ તરફી પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. હરિયાણાની આ વખતની ચૂંટણીમાં જાતિનો મુદ્દો હાવી છે. જાટ અને ઓબીસીની સાથે સાથે એસસીના મતો જે તે પક્ષને જીતાડશે. આ જ રીતે ખેડૂત આંદોલન, સૈનિકો, કુસ્તીબાજોનું આંદોલન પણ મહત્વના મુદ્દા છે.

કોંગ્રેસમાં આંતરકલહ જીત માટે અડચણ છે તો ભાજપમાં પણ આંતરકલહ તેની જીત માટે અડચણ સમાન છે. ગઠબંધન પણ આ વખતે હરિયાણાની ચૂંટણીમાં મોટો ભાગ ભજવી રહ્યું છે. આપ પાર્ટી તમામ સીટો પર લડી રહી હોવાથી તે મતો તોડશે. ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ, બંને પક્ષ બળવાખોરોનો સામનો કરી રહ્યા છે. બળવાખોરો કેટલીક સીટો બગાડશે. 

હરિયાણાની ચૂંટણીના પરિણામ એ દેશની રાજકીય હાલત પર મોટી અસર પાડશે. જો ભાજપ હરિયાણા જીતશે તો લોકસભાની ચૂંટણી પછી તેને જે ઝાટકો લાગ્યો છે તેમાં સુધારો આવશે. એટલે હરિયાણામાં ચૂંટણી જીતવી ભાજપ માટે ખૂબ જરૂરી છે.

હરિયાણાની જીત સાથે નરેન્દ્ર મોદી પણ પોતાનો કરિશ્મા બરકરાર છે તેવી છાપ ઊભી કરી શકશે. તેવી જ રીતે કોંગ્રેસ માટે પણ હરિયાણા રાજ્ય જીતવું જરૂરી છે.

છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસની હરિયાણામાં સરકાર નથી. જેથી આ વખતે તેને સરકાર બનાવવાની મોટી તક છે. જો હરિયાણા જીતે તો કોંગ્રેસને ભાજપ અને નરેન્દ્ર મોદી સામે લડવા માટે નવું જોમ મળે તેમ છે. હરિયાણા જીતશે તો કોંગ્રેસનો ઉત્સાહ બેવડાશે. રાહુલ ગાંધીને પોતાની છબીને વધુ ઉજળી અને મજબુત કરવાની તક મળશે. હરિયાણાની ચૂંટણીના પરિણામો ભાજપ અને કોંગ્રેસ, બંને માટે નવી દિશા નક્કી કરે તેમ છે.

જો કોંગ્રેસ જીતશે તો કેન્દ્રની ભાજપ સરકારને મોટો ફટકો પડશે. ભાજપના સાથી પક્ષો પણ નવી વિચારણા કરે તેવી સંભાવના છે. હરિયાણાના લોકોનું વલણ દેશના રાજકારણમાં મોટો ફેરફારો નિયત કરશે ત્યારે હવે લોકો કોના તરફે મતદાન કરે છે તે જોવું રહ્યું!

Most Popular

To Top