Columns

હજુ આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં છે કુવાઓ!

તમે વહેલી પરોઢમાં ડુમસ જતા હશો ને ત્યાં લંગર પાસે એક ખુબસુરત નજારો જોવા મળે છે. ગ્રામીણ પણિયારીઓ એક કુવામાંથી રસ્સી અને ડોલની મદદથી પાણી ખેંચી બેડામાં ભરે છે અને તે બેડું માથે લઈ ઘર તરફ સખીઓના વૃંદમાં જાય છે. આવું દ્રશ્ય આપણને ગામડાઓમાં જોવા મળે છે. કુવામાંથી ખેંચાતુ પાણી આ દ્રશ્ય આંખોને કાંઈક અલગ અને રમ્ય લાગે છે કેમકે આવું આપણને સુરત સિટીમાં નથી જોવા મળતું. માથા પર પાણીના બેડા લઈને જતી નારી સિટીમાં નહીં જોવા મળે પણ કુવા ચોક્કસ જોવા મળશે. તમને મનમાં સવાલ થયો ને કે સિટીમાં વળી કુવા ક્યાંથી હોય ! તો તીરછી નજર નાનપુરા, રૂસ્તમપુરા, અમરોલી, મોરાભાગળ, લાલગેટ પર નાખો. અહીં હજી પણ જાળી લગાવેલા કુવા જોવા મળશે. કેટલાક કૂવામાં પાણી છે તો કેટલાંક કુવા પાણી વગરના રૂખાસુખા તેના ભવ્ય ઇતિહાસને વાગોળતા જોવા મળે છે. પહેલાના સમયમાં પાણીનો સ્ત્રોત કુવા હતા તેને ધાર્મિક વિધિઓ સાથે પણ જોડી દઈ આપણી સંસ્કૃતિમાં કુવાને ધાર્મિક કારણોસર વણી લેવાયા છે. જ્યાં જ્યાં પરસીઓની વસાહત હતી ત્યાં મોહલ્લામાં કુવા હતા. ચાલો આપણે સુરત સિટીના કુવાઓના રોચક ઇતિહાસ અને તેના ધાર્મિક મહત્ત્વ તરફ એક નજર નાંખીએ…

લાલગેટ પાસેના 100-150 વર્ષ જુના કૂવામાં ચોમાસામાં પાણી આવે
લાલગેટ પાસે SMC પે એન્ડ પાર્કિંગની ગલીમાં લગભગ 100-150 વર્ષ જૂનો કૂવો છે. 25-30 વર્ષ થયાં આ કૂવામાં પાણી નથી જોકે, સ્થાનિકોનું કહેવું છે કે વરસાદની સીઝનમાં કૂવામાં પાણી આવે છે. હવે આજુબાજુ બોરિંગ થયું હોવાથી કૂવામાં હવે પાણી નથી રહેતું. પહેલાં અહીં પરસીઓની વસ્તી હતી હવે માત્ર એક જ પારસી પરિવાર રહે છે જે કુવા પાસે સાફ સફાઈ કરાવી લે છે. રોજ સવારે ફૂલ ચઢાવી કુવાની પૂજા દિવા બત્તી કરીને થતી હોય છે. પારસી લોકો વાર તહેવારે કૂવાની પુજા માટે આવે છે. કુવાની પાસપાસ સરસ રીતે બાંધકામ થયું છે.

અમરોલીના 225 વર્ષ જુના કૂવાનું પાણી 2006ની રેલમાં પીવા માટે લેવાયું હતું
અમરોલીમાં પારસીવાડ છે જ્યાં લગભગ 225 વર્ષ જૂનો કૂવો છે. અહીંના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમરોલી ગામમાં પરસીવાડમાં પરસીઓની વસાહત હતી. 1803ની આસપાસ અહીં અગ્નિનું મંદિર બનાવાયું હતું ત્યારે જ કુવાનું નિર્માણ થયું હતું. ગામના લોકો આ કુવાનું પાણી પીવા માટે લેતાં. પારસીઓમાં અગ્નિ સાથે પ્રકૃતિની પૂજા થાય અને પાણી પણ પ્રકૃતિનો ભાગ ગણાય એટલે કુવાની પૂજા થાય. જોકે, હવે અહીંના પરસીઓમાંથી કેટલાક મુંબઈ, અહમદનગર, પુણે, નવસારી શિફ્ટ થઈ ગયા. હવે અહીં એક કે બે જ પારસી પરિવારો છે. હજી પણ રોજ કૂવાની દીવો કરીને ફૂલ ચઢાવીને પૂજા કરાય છે. 2006માં રેલ આવી ત્યારે ફરી આ કૂવાનું પાણી લોકોએ પીવા માટે લીધું હતું.

લંગરના કુવાનું પાણી લેવા નાનો પથ્થર નાખી કૂવા દેવતાને જગાડવામાં આવે છે


ડુમસના કોળી સમાજના અગ્રણી ઉમેશભાઈ પટેલે જણાવ્યું કે, આ કૂવો વર્ષો જૂનો છે. તે દરિયા પાસે હોવા છતાં તેનું પાણી મીઠું હોય છે. સવારે 4 વાગે ડુમસ, સુલ્તાનાબાદ, ભીમપોરની મહિલાઓ અહીં માથે બેડા લઈને પાણી ભરવા આવે છે. પહેલા એક નાનો પથ્થર કૂવામાં નાખી કુવા દેવતાને જગાડે અને પછી જે પહેલો બેડો ભરાય તેનું પાણી લંગર ચાર રસ્તા પર ધરતી માતાને પીવડાવાય અને પછી આ પાણી ઘરે લઈ જવાય છે. એવું કહેવાય છે કે આ કુવાની પાછળ પીપળાનું ઝાડ છે તેના મૂળિયા બહુ અંદર ઉતરેલા છે તે મૂળિયાનું પાણી કૂવામાં આવે છે. સુરત સિટીના લોકો પણ 20-25 લીટર પાણી કેરબામાં ભરીને ઘરે પીવા લઈ જાય છે. તેનાથી બીમારીઓ પણ દૂર રહેતી હોવાથી તેનું મહત્ત્વ હોવાનું કહેવાય છે.

મોરાભાગળ પાસેના કૂવાનું ઐતિહાસિક- ધાર્મિક મહત્ત્વ છે


મોરાભાગળ પાસે સીંગોતર માતાનું મંદિર છે બસ ત્યાંજ 200 વર્ષ પહેલાથી કૂવો સ્થિત છે. રાંદેર ગામતળ, ઉગતના આજુબાજુના લોકો, જહાંગીરપુરા, જહાંગીરાબાદના લોકો આ કુવાનું પાણી પીવા માટે લઈ જતા અને આજે પણ લઈ જાય છે. ઓલપાડ, હાંસોટના લોકો અને આસપાસના ખેડૂતો ગાડામાં પાણી ભરીને લઈ જતાં. આ પાણીથી સીંગોતર માતાની યાત્રા કાઢી હજીરા લઈ જાય છે. યાત્રામાં જોડાતા લોકોને કુવાનું પાણી પ્રસાદ તરીકે વહેંચાય છે. કૂવાની દેખરેખ બે યુવકો કરી રહ્યા છે. તેમાં ઉનાળા પણ પાણી રહે છે. તે દેખાવે પણ કલાત્મક છે. તમે અહીં જોશો તો કૂવા પર જાળી લગાવેલી છે. તેમાંથી પાણી ખેંચવા માટે દોરડાથી બાંધેલી સ્ટીલની ડોલ પણ છે.

બાધા લેવા ઝીલી માતા કુવા પર આવે છે શ્રધ્ધાળુઓ
નાનપુરાની ધોબી શેરીમાં ઝીલી માતાનો કૂવો છે. અહીં રહેતા રેખાબેને જણાવ્યું કે આ કૂવો વર્ષો જૂનો છે જોકે, ઝીલી માતાનો કૂવો એવું નામ કેમ પડ્યું તેનો ખ્યાલ નથી. વર્ષો પહેલા કૂવામાં પાણી નહીં હતું પણ પછી કૂવો ગળાવવામાં આવ્યો હતો પછી 25 વર્ષથી તેમાં પાણી છે. અહીં લોકો બાધા લેવા આવતા હોય છે. જેમને બાળક ના થતું હોય તેઓ અહીં બાધા લે છે અને પછી બાળક થાય તો તેઓ આ કુવા પર નાનકડું પારણું મૂકી જાય છે. આજે પણ લોકો કુવાનું પાણી ઘરે લઈ જાય છે. સવારે પૂજા થાય અને સવાર સાંજ દીવા બત્તી પણ કરાય છે.

પાલિયા શેરીમાં છે બે કૂવા, એકની દશેરા પર થાય છે પૂજા
નાનપુરામાં પાલિયા શેરીમાં બે કૂવા છે. એક સ્કૂલના સંચાલકોના વડવાઓએ જ બનાવ્યો હતો. જેમાં વરસાદી સીઝનમાં જળ સંચય થાય છે. જોકે, ઉનાળામાં તેનું પાણી સુકાય જાય છે. કુવાની રોજ અગરબત્તી કરીને અને ફૂલો ચઢાવીને પૂજા કરાય છે. સ્કૂલના સંચાલકો તરફથી જાણવા મળે છે કે અહીં દશેરા પર પૂજા થતી જે હજી પણ તેમના દ્વારા કરાય છે. આ કૂવો દેખાવે પણ અટ્રેકટિવ લાગે છે. જ્યારે આ જ શેરીમાં બીજો કૂવો ગીતા એપાર્ટમેન્ટ પાસે છે જે પણ લગભગ 100 વર્ષ જૂનો છે જોકે, હવે તેનામાં પાણી નથી. પહેલા પાલિયા શેરીમાં પારસીઓના ઘણા મકાન હતા. તેમણે પોતાના મોહલ્લામાં કૂવા બનાવ્યા હતા. જોકે, હવે તો શેરીમાં માત્ર પારસીઓના ચાર મકાન જ રહ્યા છે.

રૂસ્તમપુરમાં 150 વર્ષથી પણ જુના ત્રણ જેટલા કૂવા છે


રૂસ્તમપુરમાં આજે પણ ઘણા પારસીઓના ઘર છે. અહીં મલ્લેશ્વર મોહલ્લામાં, વાડી મહોલ્લામાં અને મોટા મહોલ્લામાં 150 વર્ષથી વધુ જુના કૂવા છે. અહીં હજી પણ કુવાની પૂજા રોજ થાય છે જોકે, કુવામાં પાણી નથી રહ્યું. મલ્લેશ્વર મોહલ્લાનો કૂવો સરસ દેખાય છે. જોકે, હવે તો કૂવાને ઢાંકી દેવાયા છે પણ પહેલા આ કુવાઓનું પાણી પીવા માટે વપરાતું હતું.

Most Popular

To Top