Columns

સ્વસ્થ રહેવા માટે

થોડા રીટાયર મિત્રો દર શનિવારે મળતાં અને વાતો કરતા …ક્યારેક મજાક કરતા …ક્યારેક દિલની છુપાયેલી વાતો …તો ક્યારેક ન પુરા થઈ શકેલા સપનાઓ…તો ક્યારેક દિલનું દર્દ….એકબીજા સાથે વહેંચી બધા છુટા પડતાં.બધા રીટાયર દોસ્તો જુના દિવસો યાદ કરતા …કોઈ મળેલી સફળતાની વાતો કરતું …કોઈ આજના દિવસોમાં ઘરમાં વૃધ્ધો બોજરૂપ છે તેવી વાતો કરતું તો કોઈ કહેતું આપણે તો આપણા અનુભવથી ઘણું બીજાને શીખવાડી શકીએ પણ મોકો નથી મળતો …નકારાત્મક વાતો વધારે રહેતી અને બધાને થતું બધાના જીવનમાં કોઈ ને કોઈ તકલીફ છે જ ….

બધા દોસ્તોમાંથી એક દોસ્ત, સૌરીનભાઈ રીટાયર એન્જીનીયર હતા અને ૭૧ વર્ષની ઉંમરે એકદમ ફીટ હતા અને હંમેશા હસતા રહેતા અને ખુશ રહેતા.તેમની વાતોમાં ક્યારેય કોઈ નકારાત્મકતા રહેતી નહી …ન તેઓ જૂની વાતો યાદ કરતા રહેતા ..ન કોઈ ફરિયાદ કરતા.અને જે નકારાત્મક વાત કરે તેને પણ તરત ટોકતાં. એક દિવસ એક દોસ્તે વાત શરુ કરી જીવનમાં મળેલા કડવા અનુભવોની …અને સૌરીન ભાઈએ તરત ટકોર કરી એટલે તેણે ગુસ્સે થઈને કહ્યું, ‘દોસ્ત બધાને જીવનમાં કઇંક ને કઇંક કડવા અનુભવો થયા જ હોય છે…’

સૌરીનભાઈ બોલ્યા, ‘હા ભલે દોસ્ત , તારી વાત સાચી છે પણ શું તેને યાદ કરીને શું ફાયદો થશે ??’દોસ્ત બોલ્યો, ‘મન હળવું થશે તો થોડું સારું લાગશે…’સૌરીનભાઈ બોલ્યા, ‘અરે દોસ્ત કડવી વાતો યાદ કરવાથી મન કડવું થઇ જાય તો શું સારું લાગે? તેના કરતા હું ભલે રીટાયર એન્જીનીયર હોઉં પણ મારી પાસે તન અને મન સ્વસ્થ રાખવા માટેના રસ્તા છે જો તે રસ્તે ચાલશો તો તન અને મન અને મગજ બધું જ સ્વસ્થ રહેશે.’ આ સાંભળી બીજા એક દોસ્તે કહ્યું, ‘ચલ દોસ્ત, આજે તું અમને તન અને મન સ્વસ્થ રાખવા માટેના બધા રસ્તા જણાવ …’સૌરીનભાઈ બોલ્યા, ‘સૌથી પહેલા તન સ્વસ્થ રાખવા રોજ ચલાવું …અને જે પચે નહિ તેવું કંઈ ખાવું જોઈએ નહિ…

મન સ્વસ્થ રાખવા મનગમતું કામ કરવું …હસતા રહેવું અને ગમતા લોકોને મળતાં રહેવું પણ જ્યાં કદર ન હોય ત્યાં જવું નહિ.સબંધો સ્વસ્થ રાખવા કોઈ પણ સબંધમાં દાદાદીરી કરવી નહિ ..બધાને આઝાદી આપવી …જે સાંભળે નહિ તેને સલાહ ન આપવી અને જે સમજે નહિ તેને સમજાવવા નહિ …જે સાચી વાતથી ચિડાઈ જાય તેને મનાવવા નહિ પણ સાચી વાત કહેતા ડરવું પણ નહિ…કોઈનો સાથ છોડવો નહિ પણ ખોટાનો સાથ આપવો નહિ કોઈ અવિશ્વાસ કરી નજરથી ઉતરી જાય તો પછી તેની પર ફરી વિશ્વાસ મુક્વો નહિ તેમને પાછળ છોડી આગળ વધી જવું…જીવનમાં જીતવા માટે જયારે પણ તકલીફો આવે તો ડરવું નહિ અને જ્યારે તક મળે ઝડપી લેવી અને સતત મહેનત કરતા રહેવું…જો આ બધું કરશો તો જીવનમાં દરેક મોરચે ખુશ રહી શકશો અને તન મન ધન સબંધો વિચારો બધું જ સ્વસ્થ રહેશે.’બધાએ આ રસ્તા જાણી તાળી પાડી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top