Vadodara

સ્વચ્છતાની વાતો વચ્ચે સરસ્વતી ધામમાં ગંદકીની ભરમાર,ડસ્ટબીન,ફીનાઈલ અને ઝાડુ સાથે અનોખો વિરોધ

એબીવીપીનું યુનિવર્સીટીમાં સાફ સફાઈ મુદ્દે પ્લેકાર્ડ સાથે ધરણા પ્રદર્શન

ગર્લ્સના વોશરૂમની અંદર સેનેટરી પેડ વેન્ડિંગ મશીન મૂકવામાં આવેની માંગણી

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

સ્વચ્છ વડોદરાની વાતો વચ્ચે સરસ્વતી ધામ એવી એમ.એસ.યુનિવર્સિટીમાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. ગર્લ્સ બોયઝ વોશરૂમની અંદર પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે. રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા આજે વિદ્યાર્થી સંગઠન એબીવીપી દ્વારા કચરો મુકવા માટેની ડોલ ફિનાઈલ અને ઝાડુ સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

દેશના વડાપ્રધાન દ્વારા પણ સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ વિશ્વવિખ્યાત કહેવાતી વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડયા છે. યુનિવર્સિટીની એવી કેટલી ફેકલ્ટીના વોશરૂમમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. અગાઉ પણ આ મામલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ આજ દિન સુધી યુનિવર્સિટીના સત્તાધિશોના પેટનું પાણી નહીં હાલતા આજે વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુનિવર્સિટી અધ્યક્ષ વેદ ત્રિવેદીની આગેવાની હેઠળ વિદ્યાર્થી કાર્યકર્તાઓ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કચરો નાખવા માટેની ડોલ ફિનાઈલ અને ઝાડુ સાથે ઉગ્ર સુત્રોચાર પોકારી ધરણા પ્રદર્શન સાથે વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થી આગેવાનોએ માંગણી કરી હતી કે, યુનિવર્સિટીના દરેક વોશરૂમની સ્વચ્છતા નિયમિત કરવામાં આવે, યુનિવર્સિટી પરિસરમાં જે ગંદકી છે ,એ પણ સાફ કરાવવામાં આવે અને સમગ્ર યુનિવર્સીટીને હંમેશા સ્વચ્છ રાખવામાં આવે. આ ઉપરાંત યુનિવર્સિટીની તમામ ગર્લ્સ વોશરૂમની અંદર સેનેટરી પેડ વેન્ડિંગ મશીન મૂકવામાં આવે તેવી માંગણી સાથે યુનિવર્સિટીના રજિસ્ટાર ડો.કે. એમ.ચુડાસમાને રજૂઆત કરવામાં આવી હતી. જો કે આ સમય ટાણે માત્ર રજિસ્ટ્રારે તેમની રજૂઆત સાંભળતા વિદ્યાર્થી આગેવાનોએ યુનિવર્સિટીના કુલપતિ પોતે અમારી રજૂઆત સાંભળવા આવેલી જીદ પકડી ધરણા પ્રદર્શન જારી રાખ્યું હતું. બાદમાં વિદ્યાર્થી આગેવાનોએ યુનિવર્સિટીની હેડ ઓફિસમાં વીસી ઓફિસ ખાતે ઘસી જઈ રજૂઆત કરી સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવવા માંગણી કરી હતી.

Most Popular

To Top