Sukhsar

સોનાના દોરાની ઇચ્છા અધૂરી રહેતા ૧૫ વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુખસર તાલુકાના ડબલારામાં કરુણ ઘટના, લગ્ન પ્રસંગની ખુશી માતમમાં ફેરવાઈ
(પ્રતિનિધિ) સુખસર, તા. ૩૦
ચિત્રવિચિત્ર અને શંકાસ્પદ ગુનાહિત બનાવોથી ચર્ચામાં રહેતા સુખસર તાલુકામાં વધુ એક કરુણ બનાવ સામે આવ્યો છે. સુખસર તાલુકાના ડબલારા ગામે રહેતી ૧૫ વર્ષીય કિશોરીએ સોનાનો દોરો ન મળતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ ઘટનાથી પરિવારમાં ચાલી રહેલો લગ્ન પ્રસંગ અચાનક માતમમાં ફેરવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ડબલારા ગામના ઘાટી ફળિયામાં રહેતા શૈલેષભાઈ બારીયા ખેતીવાડી તથા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવાર મોટાભાગે રોજગારી માટે બહારગામ મજૂરી કામે જતો રહે છે. પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી બે દિવસ અગાઉ પરિવાર ગામે પરત આવ્યો હતો. આ દરમિયાન શૈલેષભાઈની પુત્રી નયનાબેન (ઉંમર ૧૫)એ પોતાના પિતાને લગ્ન પ્રસંગમાં પહેરવા માટે સોનાનો દોરો લાવી આપવા હઠ પકડી હતી.
પિતાએ સોનાના ઊંચા ભાવ અને નાણાકીય અછત અંગે સમજાવી હાલ શક્ય ન હોવાનું જણાવ્યું હતું અને ભવિષ્યમાં સગવડ થશે ત્યારે લાવી આપવાનો વચન આપ્યો હતો. જોકે, આ વાતથી નયનાબેનને મનમાં ભારે લાગી આવતાં તેણી ઉદાસ બની ગઈ હોવાનું પરિવારજનોનું કહેવું છે.
ગુરુવારના રોજ પરિવારમાં લગ્ન પ્રસંગે જાન આવી હતી અને ઘરનાં સભ્યો લગ્નમાં ગયા હતા. તે સમયે નયનાબેન લગ્નમાં ન જઈ ઘરે એકલી રહી હતી. આ એકાંતનો ગેરલાભ લઈ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં તેણીએ ધાબાના હૂક સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
થોડા સમય બાદ પરિવારજનો ઘરે પરત ફર્યા ત્યારે દરવાજો ખોલતાં નયનાબેન ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. બનાવ સ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમે તપાસ કરતાં નયનાબેનનું મોત થઈ ચૂક્યું હોવાનું જાહેર કર્યું હતું.
ઘટનાની જાણ થતાં સુખસર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકની માતા મંજુલાબેન શૈલેષભાઈ બારીયાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે પંચનામું કરી લાશને સુખસર સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલી એ.ડી. નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ કરુણ ઘટનાથી સમગ્ર ડબલારા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને સમાજમાં વધતી ભૌતિક ઈચ્છાઓ તથા નાણાકીય અછતના દબાણ વચ્ચે કિશોરોના માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર ચર્ચા ઊભી થઈ છે.

Most Popular

To Top