Bharuch

સોડગામ ખાતે ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ

બે ખેડૂતોના મકાન સહિત સોલાર પેનલ અને ખાતર બળીને ખાખ

ભરૂચ, તા.8
વાલિયા તાલુકાના સોડગામ ખાતે બે ખેડૂત ભાઈઓના મકાનોને આગ લાગવાની ઘટના બની હતી. આ અગ્નિકાંડમાં સોલાર પેનલ, ખાતરો અને સિંચાઈ માટેના પાઈપો સહિતનો ખેતીનો મોટો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોડગામ ગામના ખેડૂત ગજેન્દ્રસિંહ ભગવાનસિંહ અટોદરીયા અને હિતેન્દ્રસિંહ પ્રવીણસિંહ અટોદરીયાના રહેણાંક મકાનો પાછળ બે અલગ મકાનો (ઓરડા) બનાવવામાં આવ્યા હતા, જેમાં ખેતી સંબંધિત સામગ્રી અને અન્ય કિંમતી વસ્તુઓ રાખવામાં આવતી હતી. રવિવારે સવારે લગભગ દસ વાગ્યાના સુમારે આ એક મકાનમાં રાખેલો ગેસનો બાટલો અચાનક ફાટી ગયો હતો. બાટલો ફાટતા સર્જાયેલા તણખાથી તુરંત જ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગ એટલી ભીષણ હતી કે તેની ચપેટમાં આવતા બંને મકાનો અને તેમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાસ્થળે લગભગ વધારે પ્રમાણમાં રાખેલ સોલાર પેનલ, ખાતરોની ગુણો અને અન્ય પાઈપો સંપૂર્ણપણે બળી ગયા હોવાનું જણાવાયું છે. આગને કાબૂમાં લેવા શરૂઆતમાં સ્થાનિક ફળિયાના લોકોએ પાણીનો છંટકાવ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ આગની ભયંકરતા સામે તેઓ નિષ્ફળ રહ્યા હતા.
આગની જાણ થતાં જ ભરૂચ જિલ્લા પંચાયતની ફાયર ટેન્કર અને ઝઘડીયા GIDC ખાતેની DCM કંપનીની ફાયર ટેન્કરને ઘટનાસ્થળે દોડાવવામાં આવી હતી. ફાયર કર્મચારીઓએ પાણીનો છંટકાવ કરીને ઘણી મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યાં સુધીમાં આગ એટલો વિનાશ સર્જી ચૂકી હતી કે બંને ખેડૂતોનો લાખો રૂપિયાનો માલ બળીને નાશ પામ્યો હતો. સદનસીબે, આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેથી પરિવાર અને ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top