બસ ખોટકાતા અન્ય બસોની લાંબી લાઈનો લાગી
કાળઝાળ ગરમીમાં હજારો મુસાફરો અટવાયા
વડોદરા શહેરના સેન્ટ્રલ એસટી ડેપો ખાતે એક બસ ખોટકાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહેતા મુસાફરો અટવાયા હતા. સેન્ટ્રલ ડેપોમાથી બહાર સુધી બસોની લાંબી કતાર જોવા મળી હતી. જ્યારે માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો પણ અટવાયા હતા.
સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે કાળઝાળ ગરમી વચ્ચે નગરજનો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે,તેવામાં વડોદરા શહેરના સેન્ટ્રલ એસટી ડેપો ખાતે આજે એક બસ ખોટકાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે મોટી સંખ્યામાં યાત્રીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.
એસટી ડેપોના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જિલ્લાની એક બસ નિયત સમય અનુસાર વડોદરા ખાતે આવી હતી. આ દરમિયાન મુસાફરો ભરેલી એ બસમાં કોઈ ખામી સર્જાતા વચ્ચોવચ બસ અટકી પડી હતી. હાલ સેન્ટ્રલ એસટી ડેપો હોવાથી દૂર દૂરથી અહીં તમામ બસો થોડા થોડા સમયે સમયે અવર જવર કરતી હોય છે. તેવામાં જિલ્લાની આ એક બસ ખોટકાઈ જતા તેની પાછળ અન્ય બસોની લાંબી લાઈનો લાગી હતી. જેના કારણે બસમાં મુસાફરી કરતા હજારો મુસાફરો અટવાયા હતા. તો બીજી તરફ સેન્ટ્રલ એસટી ડેપોથી બહાર મુખ્ય માર્ગ સુધી બસોની લાંબી લાઈનો જોવા મળી હતી. જેના કારણે મુખ્ય માર્ગ ઉપર પણ અન્ય વાહન ચાલકોને ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવ્યો હતો. લાંબા સમય સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ રહેતા મુસાફરો અટવાઈ પડ્યા હતા અને કાળઝાળ ગરમીમાં પરસેવે રેબઝેબ થયા હતા. જો કે બસમાં સર્જાયેલી ખામી દૂર કરાતા પુન વાહન વ્યવહાર કાર્યરત કરી દેવામાં આવ્યો હતો.