Business

સુરત જિલ્લાના મહુવા તાલુકાના દક્ષિણ દિશાએ આવેલું ગામ એટલે ભોરિયા

૪૦૯ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ગામના લોકોનો મુખ્ય આધાર ખેતી, પશુપાલન અને મચ્છીમારી -ઓલણ નદી ઉપર સૌથી વધુ ચેકડેમો, પરંતુ રિપેરિંગના અભાવે પાણીનો યોગ્ય સંગ્રહ થતો નથી

સુરત જિલ્લાના મહુવા તાલુકાના દક્ષિણ દિશાએ આવેલું ગામ એટલે ભોરિયા. આ ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગ ગામની પૂર્વમાં વલવાડા ગામને જોડતો માર્ગ છે. આ સિવાય ગામની પશ્ચિમે આવેલો માર્ગ સાંબા ગામને જોડે છે. આમ ગામમાં પ્રવેશવાના બે માર્ગ છે. ગામની ઉત્તરે ઓલા ખાડી આવેલી છે તથા દક્ષિણ દિશાએ અંબિકા નદી વહે છે. આ ગામનો કુલ  જમીન વિસ્તાર ૪૦૯ હેક્ટર જેટલો છે. આ ગામની જમીન કાળી અને ગોરાટવાળી છે અને તેની આસપાસ પણ આ જ પ્રકારની જમીન જોવા મળે છે. ભોરિયા ગામમાં કુલ ૩૪૪ પરિવાર વસે છે, જેમાંનાં આઠ કુટુંબ અનુસૂચિત જાતિના છે. ૨૪૦ કુટુંબ અનુસૂચિત જન જાતિના છે તથા અન્ય 96 કુટુંબ અન્ય પછાત વર્ગના છે. ગામમાં મુખ્યત્વે ઢોડિયા પટેલ, મુસ્લિમ, હળપતિ, નાયકા જાતિના લોકોનો વસવાટ વધુ છે. આ ગામમાં પાદર ફળિયું, મોટું ફળિયું, ધોડિયાવાડ, ગીઘોડી, વરલી, મસ્જિદ ફળિયું, ધોરાત ફળિયું આવેલું છે. ગામમાં આવેલાં કુલ 350 મકાન પૈકી આશરે 25થી 30 ધાબાવાળા, 250 નળિયાવાળાં તથા ૭૫ ઝૂંપડાંનો સમાવેશ થાય છે. અહીં ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારો ઇન્દિરા આવાસ તથા સરદાર  આવાસ યોજનાનાં મકાનોમાં રહે છે. આ ગામે હજુ વિકાસ ક્ષેત્રે મજલ કાપવાની શરૂઆત કરી છે અને આગામી વર્ષોમાં સરકારી યોજના થકી વિકાસની હરણફાળ ભરશે એમાં કોઈ શંકા નથી.

ગામમાં 150 વ્યક્તિ ખેતી, 30 માછીમારીનો વ્યવસાય કરે છે

ભોરિયા ગામ આમ તો ખેતીમાં પણ આગળ પડતું છે. ટેક્નોલોજીની સાથે સાથે અહીંના ખેડૂતો સારું એવું આર્થિક ઉપાર્જન કરે  છે. આશરે 150 ખેડૂત આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો ૨૯૫ જેટલા જમીન વિહોણા ખેતમજૂર આ ખેતીકામ સાથે  જોડાયને આજીવિકા મેળવે છે. અહીં ખેતીમાં મુખ્યત્વે શેરડી, ડાંગર, ઘઉં, કેળાં, તુવર, કેરી, દિવેલી, શાકભાજી, કઠોળના પાકો  લેવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં ૩૦ જેટલી વ્યક્તિ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતીની સાથે સાથે  પશુપાલન ક્ષેત્રનો પણ ધીમે પગલે વિકાસ થઈ રહ્યો છે.

ભોરિયા ગામમાં હિન્દુ-મુસ્લિમોમાં એકસંપ

મિશ્ર વસતી હોવા છતાં ભોરિયા ગામમાં શાંતિમય માહોલ વચ્ચે ગ્રામજનો રહે છે. અહીં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એકમેકના પ્રસંગોમાં ભાઈચારા સાથે જોવા મળે છે. જેનું જીવંત ઉદાહરણ કોરોનાકાળમાં જોવા મળ્યું હતું. કોઈપણ જાતના ભેદભાવ વિના કોરાના પીડિત પરિવારોને આર્થિક સહાય પણ ગ્રામજનોએ કરી હતી.

ભોરિયામાં ગામના લોકોના સહકારથી નવી મસ્જિદનું નિર્માણ કરાયું

ભોરિયા ગામમાં મુસ્લિમ બિરાદરો માટે નમાજ અદા કરવા માટે આશરે 30 વર્ષ પહેલાં મસ્જિદ બનાવવામાં આવી હતી. એ પહેલાંની જૂની મસ્જિદ હતી. જેના સ્થાને ગામલોકોના સાથ સહકારથી નવી મસ્જિદનું નિર્માણ કરાયું હતું. જે ખરેખર અદભૂત છે. ગામમાં મુસલમાન ભાઈઓ છે, હળપતિ કોલગા ભાઈઓ છે. જે તમામ હળીમળીને રહે છે. આ જ સુધી કોઈપણ જાતની મુશ્કેલી આવી નથી.

ભોરિયા ગામમાં વનમાળી કીકાભાઈ પટેલ ગામના ગૌરવસમાન હતા

બોરિયા ગામના સ્વ.વનમાળીભાઈ કીકાભાઈ પટેલ ગાંધીવાદી હતા. સમાજના કોઈપણ નાગરિક હોય તેમના ઉપર આવી પડેલી મુશ્કેલી તેઓ કુનેહપૂર્વક હલ કરતા હતા.

ભોરિયા ગામમાં બસ સ્ટેન્ડ, દિવસમાં માત્ર બે બસ થોભે છે

ભોરિયા ગામ વલવાડાથી ત્રણ કિલોમીટર અંદર આવેલું છે. ગામમાં આવવા-જવા માટે માત્ર બારડોલી ડેપોથી દિવસના બે વખત એસ.ટી. બસ મળે છે. ભોરિયા ગામથી  વલવાડા, સાંબા, કાંકરિયાથી બાળકો કાંગવાઇ હાઇસ્કૂલ, વલવાડા હાઇસ્કૂલમાં અભ્યાસ કરવા જતા હોય છે, બસની રાહ જોઇને ઊભા રહેતા વિદ્યાર્થીઓ કે અન્ય મુસાફરો માટે અહીં બસ સ્ટેન્ડની સુવિધા નથી, જેથી લોકોએ ટાઢ, તડકો અને વરસાદમાં ઊભા રહેવાની ફરજ પડે છે. જેથી સરકાર અહીં બસ સ્ટેન્ડ બનાવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

ગામના લોકોને બસ પકડવા ત્રણ કિ.મી. દૂર વલવાડા આવવું પડે છે

એક સમય હતો જ્યારે વિકાસ ગ્રામ્ય કક્ષા સુધી પહોંચ્યો ન હતો. પરંતુ આજે ઘણાં ગામડાં શહેરોની માફક સુવિધા જોવા મળી રહી છે. જો કે, જે ગામોમાં વિકાસ થયો છે એની પાછળ શાસકોનો કુશળ વહીવટ પણ કારણભૂત છે. પરંતુ મહુવા તાલુકાનાં મહત્તમ ગામો વિકાસ માટે તરસી રહ્યો છે. જેમાંનું એક ગામ ભોરિયા છે. જ્યાં પાયાની સુવિધાની તાતી જરૂર છે. ભોરિયાના નોકરિયાત અને વિદ્યાર્થી વર્ગને ગંતવ્ય સ્થાને જવા માટે પૂરતી સુવિધા પણ મળતી નથી એ કમનસીબની વાત છે.

આઝાદીનાં વર્ષો પછી શહેરી વિસ્તારનો વ્યાપ થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારો તરફ ધપતાં શહેરમાં મોટા ભાગની સવલતો હોય છે. પરંતુ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર વિકાસની એક ઝલક માટે તરસી રહ્યા છે. રસ્તા, પાણી અને વીજળીની સુવિધા તો મહત્ત્વની ગણાય, પણ મહત્તમ સુવિધાથી ભોરિયા વંચિત છે. ભોરિયામાં બસ સ્ટેન્ડ ન હોવાથી ને માત્ર બે એસ.ટી.બસ આવતી હોવાથી ગામના લોકોને અન્ય શહેરમાં જવા, વિદ્યાર્થીઓને અન્ય શહેરમાં કોલેજમાં અભ્યાસ કરવા જવા માટે ત્રણ કિ.મી. દૂર વલવાડા ગામના બસ સ્ટેન્ડ પર આવી બસ પકડવી પડે છે. જે ખૂબ જ દુ:ખદ બાબત છે. ગામ સુધી જરૂરી એસ.ટી.બસની સુવિધા ન હોવાથી આ સ્થિતિ છે. જેથી ઘરના સભ્યએ બાઈક કે અન્ય વાહનમાં વલવાડા મૂકવા આવવું પડે છે. નહીં તો તે વ્યક્તિએ ત્રણ કિ.મી.ની પદયાત્રા કરવી પડે છે.

ભોરિયા ગામના અહમદ અલી ઇબ્રાહીમભાઇ ધોરાત કુશળ લીડર

ભોરિયાના ધોરાત ફળિયામાં રહેતા મુસ્લિમ અગ્રણી અહમદ અલીભાઈ ઈબ્રાહીમભાઈ ધોરાત કુશળ લીડર છે. તેઓ ગામના કોઈપણ કાર્યમાં નાતજાતના ભેદભાવ વિના દરેક કોમ માટે ખડેપગે કાર્યરત રહે છે. ભોરિયા પંચાયતની ચૂંટણીમાં પણ  તેઓ સભ્ય તરીકે ચુંટાયા હતા. અહમદ અલી ધોરાત હાલ ખેતીનું કામ કરે છે, સાથે સાથે તેઓ ભોરિયા ગામના ગરીબ  પરિવારોને આર્થિક રીતે અને સામાજિક રીતે મદદ કરી રહ્યા છે. તેઓ ગરીબ પરિવારોને જરૂરિયાત મુજબ શૌચાલય, બાથરૂમ અને ઘરના બાંધકામ માટે મદદ કરે છે. સમાજમાં મુસ્લિમ ભાઈઓને હાલમાં પણ મદદ કરી રહ્યા છે. જેથી તેમણે લોકોનાં દિલ જીતી લીધાં છે. તેઓ હંમેશાં વિનય વિવેકના આગ્રહી છે.

ભોરિયા ગામમાં શિક્ષણની જરૂરિયાતનો પાયો 100 વર્ષ પહેલાં જ નંખાઈ ચૂક્યો હતો

ભોરિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થી વિદેશમાં સ્થાયી થયા આઝાદી કાળ પછી શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. શહેરી વિસ્તારની તુલનામાં ગ્રામ્ય કક્ષાનાં બાળકો પણ આજે શિક્ષણ ક્ષેત્રે આખા દેશમાં ડંકો વગાડી રહ્યા છે. એ સાથે સાથે ભારતમાંથી બુદ્ધધનનું પણ સ્થળાંતર થઈ રહ્યું છે. જે ચિંતાની બાબત છે. જો કે, ભારતમાંથી સ્થાયી થઈ માદરે વતન માટે કંઈ કરી છૂટવાની ભાવના રાખનારાઓની પણ ખોટ નથી. ભોરિયા એનું જ ઉદાહરણ છે. ભોરિયામાં જ પ્રાથમિક અભ્યાસ કરી કેટલાક વિદ્યાર્થીઓ ઇંગ્લેન્ડ, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, પનામા, કેનેડા વગેરે દેશોમાં સ્થાયી થવા છતાં આજે પણ વતનની વહારે આવી રહ્યા છે. જો કે, ઉચ્ચ શિક્ષણ માટેનો પાયો તો સદી પહેલાં જ નંખાઈ ચૂક્યો હતો.

ભોરિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાની સ્થાપના વર્ષો પૂર્વે ગામના વડીલોએ કરી હતી. આશરે ૯૦થી ૧૦૦ વર્ષ પહેલાં ગામમાં શાળા બનાવવા વડીલોએ દીર્ઘદ્રષ્ટિ કેળવી તેનો પાયો નાંખ્યો હતો. આજે આ શાળા સરકારની જિલ્લા પંચાયત હસ્તક ચાલે છે. જેમાં ગરીબ આદિવાસી અને મુસ્લિમ સમાજના બાળકો ભણીને આગળ વધી રહ્યા છે. આ શાળા પહેલાં કાચા  મકાનમાં શરૂ કરાઈ હતી. પરંતુ ગામના મુસ્લિમ અગ્રણી હાજી અહમદ યુસુફ ધોરતના પ્રયાસોથી લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટ દ્વારા આ શાળાનું પાકું મકાન-ઓરડાની સગવડ સાથે બનાવાયું.

આ શાળામાં હાલમાં ધોરણ-1થી 8 સુધી બાળકો વિનામૂલ્યે અભ્યાસ કરી રહ્યાં છે. ભોરિયા પ્રાથમિક શાળામાં ભણેલા મુસ્લિમ સમાજના ત્રણ વિદ્યાર્થી આજે ત્રણ હાઈસ્કૂલમાં  પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમાં ખોલવડની હાઈસ્કૂલમાં યુસુફભાઈ ઇબ્રાહિમભાઈ ધોરાત, કઠોરની એમ.આઇ. હાઇસ્કૂલમાં મોહમ્મદ રફીક મો. મિયા ધોરાત તથા કાંગવાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં યુનુસભાઈ ફકીરભાઈ દીવાન તેમજ હાઈસ્કૂલમાં ચાર શિક્ષકો તરીકે હાલ ફરજ બજાવે છે તથા આ જ શાળામાં અભ્યાસ કરી કેટલાક વિદ્યાર્થીઓ ઇંગ્લેન્ડ, અમેરિકા,  ન્યૂઝીલેન્ડ, પનામા, કેનેડા વગેરે દેશોમાં સ્થાયી થયા છે. જે ગામ માટે ગૌરવની બાબત છે. આ શાળામાં હાલમાં ૧૮૦ જેટલાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે તેમજ સાત જેટલા શિક્ષકો હાલમાં ફરજ પર છે. શાળામાં આચાર્ય તરીકે નટુભાઈ પટેલની કામગીરી ખૂબ જ સરાહનીય છે.

હનુમાનદાદાનું મંદિર ગામમાં આસ્થાનું કેન્દ્ર

ભોરિયા ગામના પટેલ ફળિયામાં ઓલા નદીના તટે શ્રી હનુમાનદાદાનું મંદિર આવેલું છે. ફળિયાના લોકો તમામ તહેવારો આ મંદિરમાં જ ઊજવે છે. બંને ફળિયાનું સમૂહ ભોજન પણ અહીં જ થાય છે. મંદિરમાં ફળિયાના લોકો સહકારથી ફૂલછોડ ઉછેર્યા છે અને પાણીની સુવિધા પણ કરી છે. આ મંદિરનું ટ્રસ્ટ નથી. બંને ફળિયાના લોકો જ રોજ દેખરેખ, સેવા, પૂજા, સફાઈ વગેરે  કરે છે. મંદિરમાં વ્યસની વ્યક્તિને જવાની મનાઈ છે. વડીલો જણાવે છે કે, સ્વ.ભગીયા રમતાભાઈ પટેલને દાદાના સ્વયંભૂ દર્શન થયેલા એવી લોકવાયકા છે. અહીં દર્શન કરવાથી સર્વ લોકોનાં કામ થાય છે. અહીં કોઈ પૂજારી નથી. પોતે જ બોલી બાધા રાખે છે. જે લોકોનાં કામ થાય છે એમની કૃપા આશીર્વાદ બંને ફળિયાં પર છે.

વ્યસનમુક્તિના સંકલ્પને સાર્થકતા મળી: ભોરિયા ગામના લોકો વ્યસનથી દૂર રહે છે

વ્યસન એ પરિવારને વેરવિખેર કરી દે છે. ઘણા સંજોગોમાં અપરાધના મૂળમાં વ્યસન હોય છે. વ્યસનથી માનવી વિચિત્ર પ્રકારની હરકતો કરે છે અને તેની શારીરિક-માનસિક પ્રગતિ અટકી જતી હોય છે. તે હંમેશ માટે નિર્બળ બની જતો હોય છે. વ્યસન કરનારો માનવી ઉચ્ચ પરિવારનો હોય તો પણ નિમ્ન સ્તરનો થઈ જાય છે. વ્યસનથી વ્યક્તિ તેના જીવનને તો નુકસાન કરે જ છે સાથે સાથે દેશની પ્રગતિમાં પણ બાધક બને છે. આજના સમયકાળમાં સંસ્કારી, ખાનદાની કુળના હોશિયાર, બુદ્વિશાળી ગણાતા લોકોમાં પણ શરાબ કે તમાકુનું વ્યસન જોખમી બની ગયું છે. વ્યસન કરનાર વ્યક્તિ ધીરે ધીરે કંગાળ બની જતી હોય છે. જો કે, ગ્રામ્ય વિસ્તારમાં આજે પરિસ્થિતિમાં થોડો થોડો સુધારો આવી રહ્યો છે. સરકાર દ્વારા લોકજાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તો સામાજિક સંસ્થાઓ પણ એ માટે લોકોમાં જાગૃતિ લાવી રહી છે. ત્યારે ભોરિયા ગામે વ્યસનમુક્તિનો લીધેલો સંકલ્પ આજે સાર્થક થઈ રહ્યો છે. પટેલ ફળિયું વ્યસનમુક્ત છે. નવાઈની વાત તો એ છે કે અહીં વ્યસનની કોઈ દુકાન નથી. જે સુવિધાવાદી અભિગમ કોઈપણ ગ્રામ્ય વિસ્તાર માટે પ્રેરણાદાયક છે. આ ફળિયામાં તમામ ઘરનાં બાળકો ખૂબ સારી રીતે ભણ્યાં છે.

ભોરિયામાં આંગણવાડી કેન્દ્રમાં ભૂલકાંનો કલરવ : અહીં પંચાયત ઘર પણ છે

સંસ્કારમાં અગ્રેસર અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહેલા ભોરિયા ગામમાં પ્રાથમિક શાળાની સાથે આંગણવાડીની પણ સુવિધા છે. જેમાં ગામના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે. અહીં પંચાયત ઘર પણ આવેલું છે.

 સ્થાનિક 80 પશુપાલકો માટે અહીંની દૂધમંડળી આશીર્વાદસમાન

ગ્રામ્ય વિસ્તારમાં લોકો ખેતી કરી આજીવિકા મેળવે છે. જેને કારણે પશુપાલન ઉદ્યોગનો વ્યાપ થયો છે. કારમી મોંઘવારીમાં પરિવારનું ભરણપોષણ કરવા પશુપાલન ગ્રામ્ય વિસ્તાર માટે ખેતી સાથે પૂરક વ્યવસાય છે. ભોરિયા ગામમાં આશરે 80 જેટલા લોકો પશુપાલન કરી આર્થિક ઉપાર્જન મેળવે છે. ગામમાં પશુધનની સંખ્યા આશરે 900 જેટલી છે. અહીં આવેલી દૂધમંડળી પશુપાલકો માટે જીવાદોરી બની છે. અહીં દૂધ ભરી પશુપાલકો આજીવિકા મેળવી રહ્યા છે.

ભોરિયા ગામ પાસે ચેકડેમ છે, પરંતુ ઉપયોગમાં આવે તેવી સ્થિતિમાં નથી

સરકાર દ્વારા ખેતી સમૃદ્ધ બને એ માટે તળાવ અને ચેકડેમનું નિર્માણ કરવામાં આવે છે. તો સાથે નહેરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. પરંતુ આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં ચોમાસું ખેતી સિવાય આજે પણ કોઈ વિકલ્પ નથી. ખેતી માટે ઉત્તમ જમીન હોવા છતાં મહુવા તાલુકામાં પણ એવી જ સ્થિતિ છે. જે એક વિટંબણા છે. 80 ટકા ચેકડેમ ફક્ત ગણતરી પૂરતા હોય એવું લાગે છે. સમયાંતરે આવા ચેકડેમોની જાળવણી થવી જોઈે પણ એ થતી નથી. જેને કારણે લોકોપયોગ સાબિત થતા નથી. ઘણીવાર તો ચેકડેમમાં શિયાળો આવતાં જ પાણી ખૂટવા લાગે છે. ત્યારે આદિવાસી વિસ્તારની વાત કરીએ તો પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવો પડે છે. તો ખેતીની તો વાત જ દૂર રહી.

મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ નદી ઉપર સૌથી વધુ ચેકડેમો આવેલા છે. આ ચેકડેમ ભોરિયા ગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. પરંતુ 80 ટકા જેટલા ચેકડેમો માત્ર જોવા પૂરતા જ છે, તમામ ચેકડેમોમાં નીચેથી ભંગાણ થતાં પાણીનો સંગ્રહ થતો નથી અને વિતેલા ચોમાસામાં ઉનાળા જેવી સ્થિતિ તમામ નદીઓમાં જોવા મળી હતી, જે બાબતે વારંવાર ખેડૂતોએ સ્થાનિક તંત્રને રજૂઆતો કરી હતી અને ચોમાસું પૂરું થવા છતાં કોઈ નિરાકરણ તંત્ર દ્વારા લવાયું નથી. ખેડૂતો આ ચેકડેમને કારણે પાણીનો ઉપયોગ કરી શકે છે. હાલ સ્થિતિ એવી છે કે, ચેકડેમના બંને છેડે પાણી રોકી શકાતું નથી. પહેલી દૃષ્ટિએ જોઇએ તેવું લાગે કે ખૂબ જ મજબૂત ચેકડેમ બનાવ્યો છે. પરંતુ આ ચેકડેમની અંદરના પોલાણમાં અને બંને છેડાની અંદર જે જર્જરિત સ્થિતિ થઈ છે, તેના કારણે પાણીનો સંગ્રહ થઇ શકતો નથી. વારંવાર સંબંધિત અધિકારીઓ કશુ કરતાં નથી ને ચેકડેમો ઉપયોગમાં આવે તેવી સ્થિતિમાં નથી.

Most Popular

To Top