Savli

સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ

પાણીની તંગી વચ્ચે નગરજનોમાં રોષ, તાત્કાલિક રિપેરની માંગ

સાવલી:;સાવલી તાલુકાના ઉદલપુર–સાવલી ચાર માર્ગીય રોડના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રોડની બાજુમાંથી પસાર થતી સાવલી નગરને પાણી પૂરું પાડતી પાઇપલાઇન રોડના ખોદકામ દરમિયાન તૂટી જતા હજારો લીટર પીવાનું પાણી વ્યર્થ વહી ગયું છે. આ ઘટનાને લઈને તાલુકા તથા નગરજનોમાં તંત્રની બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

બે વિભાગોના સંકલનના અભાવે નુકશાન

રોડની કામગીરી દરમિયાન પાણી પુરવઠા વિભાગ અને રોડ વિભાગ વચ્ચે યોગ્ય સંકલન ન હોવા તેમજ જવાબદાર અધિકારીઓના સુપરવિઝનના અભાવે આ ઘટના બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જીસીબી અને અન્ય મશીનરીના ઉપયોગ દરમિયાન પાઇપલાઇન તૂટી ગઈ હોવા છતાં સમયસર પાણીનો સપ્લાય બંધ ન કરાતા પીવાના પાણીનો મોટો બગાડ થયો હતો. પરિણામે સાવલી નગરમાં પાણી પુરવઠો અનિયમિત બન્યો છે.

પહેલેથી પાણીની તંગી, સ્થિતિ વધુ વિકટ

ઉલ્લેખનીય છે કે સાવલી નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની તંગી વર્તાઈ રહી છે અને પાલિકા દ્વારા ટેન્કરથી પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. બે દિવસ અગાઉ પૂરતું પાણી ન મળતા મહિલાઓએ પાલિકામાં જઈ હોબાળો પણ કર્યો હતો. આવી સ્થિતિમાં નગરને પાણી પૂરું પાડતી મુખ્ય પાઇપલાઇન તૂટી જતા સ્થિતિ વધુ ગંભીર બની છે.

નગરજનો દ્વારા વહેલી તકે પાઇપલાઇન રિપેર કરી પાણી પુરવઠો પુનઃ શરૂ કરવાની તેમજ રોડ કામગીરી દરમિયાન થયેલી લાપરવાહીના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વિકાસના કામોમાં બેદરકારીને કારણે જનતાને પાણી જેવી મૂળભૂત સુવિધાથી વંચિત થવું ન પડે તે માટે તંત્ર તાત્કાલિક અને અસરકારક પગલાં ભરે તેવી માંગ તેજ બની છે.

Most Popular

To Top