ભાગીદારોએ ચેક આપ્યા તે ચેક પણ બાઉન્સ થયા
નાણાં ની માંગણી કરતાં ભાગીદારે જણાવ્યું “વારંવાર ઉઘરાણી કરશો તો આત્મહત્યા કરી તમારું નામ લખાવી દઇશ”
(પ્રતિનિધિ) વડોદરા તા. 05
શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા અને મધુનગર ખાતે ભાગીદારીમાં ડાયમંડ હોટલ ચલાવતા બે વેપારીઓને હોટલમાં જમવા આવતા બે લોકો સાથે ઓળખાણ થઇ હતી અને સાવલી તાલુકાના રાણીયા ખાતે જમીન ખરીદવા લોભામણી લાલચ આપી ભાગીદાર બનાવી તબક્કાવાર રૂ. 31,35,000પડાવી લઇ કોઇપણ પ્રકારના દસ્તાવેજ નહીં કરી નાણાં પરત નહીં કરી વિશ્વાસઘાત કર્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાના મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી.
ગુજરાતમાં એક કહેવત છે ‘અતિ લોભ એ પાપનું મૂળ’ અને ‘લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ‘ આવો એક બનાવ શહેરમાં બનવા પામ્યો છે.શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા નવાયાર્ડ રોડ પર આવેલા શાલીમાર પાર્કના મકાન નં. બી/62 માં રહેતા સરફરાજ ફતેસિંહ રાણા પરિવાર સાથે રહે છે તેઓ તથા તેમના પત્ની સલમાબેન રાણા તથા તેમના મિત્ર જાવેદભાઇ ઇબ્રાહિમભાઇ રાણા સાથે ભાગીદારીમાં મધુનગર, ગોરવા ખાતે ડાયમંડ રેસ્ટોરન્ટ ચલાવે છે.તેઓની રેસ્ટોરન્ટ પર વાસણા રોડ વિસ્તારમાં આવેલા હાર્મોની રેસિડેન્સમા રહેતા દિનેશ ત્રિભોવનભાઇ પટેલ તથા તેમનો ગોત્રી વીમા દવાખાના સામે આવેલા સવૈયા નગરમાં રહેતા મિત્ર ઇમરાન સિરાજભાઇ દરબાર અવારનવાર જમવા માટે આવતા હોવાથી સરફરાજ રાણા અને જાવેદભાઇ સાથે પરિચય થયો હતો. ગત નવેમ્બર -2024મા ઇમરાન સિરાજભાઇ દરબારે હોટલ પર આવી સરફરાજભાઇ તથા જાવેદભાઇને જણાવ્યું હતું કે સાવલી તાલુકાના રાણીયા ખાતે ખેતીલાયક જમીન જેનો ખાતા નં.824, બ્લોક/સર્વે નં.9/2પૈકી 1 જેનુ ક્ષેત્રફળ 0-58-17હે.આ.રે.ચો.મી.છે જેના માલિક સુનિલ શાંતિલાલ પટેલ જમીન વેચવા માંગે છે આ જમીન ધંધા માટે અને સોસાયટી માટે સારી છે તેમ જણાવતા સરફરાજ ભાઇ અને જાવેદભાઇ જમીન જોવા ગયા હતા અને જમીન પસંદ પડી હતી જેથી ચારેય ભાગીદાર વચ્ચે આ જમીનની ખરીદી માટે અવેજની કિંમત રૂ 1,31,00,000 નક્કી કરવામાં આવી હતી જેમાં દરેકની 33.33%ભાગીદારી નક્કી કરવામાં આવી હતી અને નોટરી મારફતે ભાગીદારી કરાર કરવામાં આવ્યો હતો જેમાં દિનેશ ત્રિભોવનભાઇ પટેલના પત્ની જીગ્નાશુબેન અને તેમના પુત્ર તિર્થ પટેલ સાક્ષી તરીકે સહી કરી હતી ત્યારબાદ રોકાણ પેટે સરફરાજ ભાઇએ એચ.ડી.એફ.સી.બેન્કનો રૂ .7,67,500નો ચેક તથા જાવેદભાઇએ રૂ. 7,67,500નો બેંક ઓફ બરોડા નો ચેક દિનેશભાઇ પટેલના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા ત્યારબાદ દસ્તાવેજ માટે દિનેશભાઇ ને વારંવાર જણાવવા છતાં દસ્તાવેજ કર્યો ન હતો ત્યારે જમીન માલિક સુનિલ શાંતિલાલ પટેલ ને પૂછતાં તેમણે જમીન વેચાણ અવેજની રકમ મળી ન હોવાનું જણાવતા દિનેશભાઇ પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અવેજની રકમમાં રૂપિયા 16 લાખની ઘટ પડે છે તે આપો એટલે વેચાણ દસ્તાવેજ થઈ જાય ત્યારબાદ સરફરાજભાઇ તથા જાવેદભાઇએ રૂપિયા 16 લાખ રોકડા ઇમરાન દરબારને આપ્યા હતા જે ઇમરાન દરબારે સિક્યુરિટી પેટે સામે (આઠ -આઠ લાખના બે ચેક મળી 16લાખના ચેક આપ્યા હતા પરંતુ તેમ છતાં વેચાણ દસ્તાવેજ કર્યા ન હતા જેથી તેઓ પાસે નાણાં પરત માંગતા દિનેશભાઇ પટેલે કોટક મહિન્દ્રા બેન્કના 7,67,500 ના બે ચેક બંનેને પરત આપ્યા હતા જે સરફરાજભાઇ તથા જાવેદભાઇએ બેંકમાં ચેક જમા કરાવતા બંને ચેક બાઉન્સ થયા હતા જેથી આ અંગે જણાવતા તેઓએ જણાવ્યું હતું કે “તમોને નાણાં નહીં મળે થાય તે કરી લો અને અમારી પાસે વારંવાર ઉઘરાણી કરશો તો તમારું નામ લખી આત્મહત્યા કરીશું” તેવી ધમકી આપતા આખરે દિનેશભાઇ પટેલ તથા ઇમરાન સિરાજભાઇ દરબાર સામે રૂ. 31,35,000ની વિશ્વાસઘાત ની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં કરતાં ગોરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
