બે-ત્રણ દિ’ પહેલાં, પેન્શનની રકમ ઉપાડવા માટે સ્થાનિક BOBની ઝંખવાવ શાખામાં જવાનું થયું. બેન્કના કામકાજનો નિર્ધારિત સમય થયો નો’તો તેમ છતાં નાણાં મૂકવા- ઉપાડવા અર્થે ખાતેદારોની ભીડ હતી તેથી બેન્કના સેવક ભાઈએ વાતાનુકુલ રૂમ ખોલી દઈ સૌને અંદર બેસવા વિનંતી કરી. દશ વાગ્યા પહેલાં શાખા પ્રબંધકશ્રી અન્ય ટેબલ સંભાળતા સાહેબો હાજર થઈ ગયા. દશના ટકોરે માર-તમારા અને સાંભળનારા સૌ કોઈના દિલો-દિમાગમાં અનોખો સંચાર કરતી પ્રાર્થના- ‘‘ઈતની શક્તિ હમે દે ના દાતા, મનકા વિશ્વાસ કમજોર હો ના’’ અદભૂત સૂરાવલિમાં ગૂજ્યું. નિરવ શાંતિના માહોલમાં સમગ્ર સ્ટાફે ઊભા થઈ પ્રાર્થના ઝીલી અને પછી જ પોતાના નિયત કાર્યમાં જોતરાયા!
સરકારી, અર્ધસરકારી કે અન્ય કાર્યાલયોમાં પ્રાર્થનાનો ઉપરોક્ત સિલસિલો છે કે કેમ તેની જાણ નથી. પરંતુ નાની સરખી અમારી ઝંખવાવ શાખામાં સેવા આપતા સાહેબો તો નખશીખ સતને માર્ગે ચાલનારાઓની ઉદ્દાત ભાવના ખાતેદારો સાથે આત્મીય સંબંધથી ઓતપ્રોત સૌ આદરપાત્ર છે. મારૂં તો માનવું છે કે સરકારશ્રીના બધા જ કાર્યાલયોમાં જ્યાં ભ્રષ્ટાચાર, લાંચ-રૂશ્વત કટકી કમિશન વગેરે અનીતિના માહોલમાં ગળાડૂબ છે ત્યાં આ પ્રાર્થના કામકાજ પૂર્વે થવી જોઈએ કે જેથી ખોટું કરનારાઓનો મ્હાયલો કોક દિ’તો જાગે! ફરીથી BOB ઝંખવાવ શાખાના સાહેબો- કર્મચારીમિત્રોને ખૂબ ખૂબ અભિનંદન!!!
કાકડવા(ઉમરપાડા) – કનોજ મહારાજ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.