સિગારેટના બાકી નીકળતા 20 રૂપિયા માગ્યા તો ગ્રાહકે દુકાનદાર સાથે માથાકૂટ કરી
વડોદરા ના સયાજીગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં આવેલા સ્ટોરમાં યુવાનો રાત્રીના સમયે સિગારેટના પેકેટ લેવા આવ્યા હતા. બે પેકેટ ખરીદ્યા બાદ તેની ચુકવણી કરવાના કુલ પૈસા પૈકી માત્ર રૂ.100 જ આપ્યા હતા. દુકાનદારે બાકી નિકળતા રૂ. 20 માંગતા ગ્રાહકે બોલાચાલી કરી હતી. દુકાનદારે સિગારેટના પેકેટ પરત માંગતા યુવાનો પૈકી એક દ્વારા બંદુક બતાવવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
જે મામલે સ્થાનિક પોલીસ મથક પહોંચતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના સયાજીગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝ પાસે સત્કાર સ્ટોર આવેલો છે. સ્ટોર ચાલક સુભાષભાઇએ જણાવ્યું કે, આજસુધી આવો બનાવ મેં જોયો નથી. 5 લોકો મારી દુકાને આવ્યા હતા. જેમાંથી એકે મારી પાસે આવીને સિગારેટના બે પેકેટ માંગ્યા હતા. તેની સામે તેણે રૂ. 100 આપ્યા હતા. જો કે, તેની મુળ કિંમત રૂ. 120 હતી. જેથી મેં તેમને બાકીના રૂ. 20 માંગ્યા હતા. તો તેણે કહ્યું કે, તમને રૂ. 100 આપ્યા છે, અમે તો પૈસા આપતા જ નથી. રૂ. 100 રાખો.
જે બાદ વેપારીએ કહ્યું કે, રૂ. 120 આપશો તો જ પેકેટ મળશે. નહિ તો પાછી આપી દો પેકેટ. જે બાદ તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. બીજા ચાર છોકરાઓ સાથે ચર્ચા કરી પછી ધમકી આપી. તેમના વ્હીકલ પર આગળની નંબર પ્લેટ ન્હોતી. જેથી તેઓનો વિડીયો ઉતારવાની કોશિસ કરી. નંબર આવે તો ફરિયાદ કરી શકું. વિડીયો લેવા જતા તેઓ વળીને પાછા આવ્યા, અને ગાળાગાળી કરી. દરમિયાન વાહનની ડીકીમાંથી બંદુક કાઢી હતી. જે પડી ગઇ હતી.
વધુમાં વેપારીએ જણાવ્યું કે, જે બાદ આ ઘટનાને લઇને એસીપીને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે. તમામ ફતેગંજના અલગ અલગ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. માથા ભારે ફારૂક છાપરાનો કોઇ પરિચીત હોવાનું જાણવા મળ્યું છે.