મારો સમય નથી અને તારી પાસે સમય નથી, કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી?
મોટા ભાગના લોકોને એક જ સમસ્યા અત્યારે સતાવી રહી છે. બધાને એક જ ફરિયાદ છે સમય નથી. પણ આ વાત ખોટી છે. સમય કોઈની પાસે ઝાઝો સમય રહેતો જ નથી, એ તો સતત દોડ્યા જ કરે છે. આપણે સમય સાથે તાલ મેળવીને ચાલવું જોઈએ.
આપણે સૌ સારા સમયની રાહ જોઈએ છીએ, પણ સમય આપણી કદી પણ રાહ જોતો નથી. એટલે કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો શુભસ્ય શીઘ્રમ્ એ સૂત્રના આધારે કોઈ પણ જાતનાં મુહૂર્ત જોયા વગર કોઈ પણ કામ શરૂ કરી દેવું જોઈએ. સમય દરેકને મળે છે જિંદગી બદલવા માટે, પણ જિંદગી નહીં મળે વીતેલા સમયને બદલવા માટે. માટે સમયનું એવું આયોજન કરો કે સમય તમારી મુઠ્ઠીમાં રહે.
સમયની પાસે એટલો સમય નથી કે બીજી વાર તમને સમય આપી શકે. સમય ઉપર કિંમતનું લેબલ હોતું નથી, પરંતુ એ વીતી જાય પછી જ ખબર પડે કે સમય તો બહુ જ કિંમતી હતો. ઘણી વાર એવું લોકો કહેતા હોય છે કે, મને સમય નહોતો ત્યારે મારો સમય નહોતો. હવે મારી પાસે સમય છે ત્યારે મારો સમય નથી.
માટે જ સમયનું મહત્ત્વ સમજો અને એવું કહેવાય છે ને સમય વર્તે સાવધાન. જિંદગીમાં સફળ થવું હોય તો સમયને તમારો સમય બનાવીને તમારા, અનુકૂળ સમયગાળામાં કાર્ય સંપન્ન કરવાનો આગ્રહ રાખો તો સફળતા સમયસર તમારા કબજામાં આવી જશે. આજે દરેકના કાંડા ઉપર ઘડિયાળ તો જોવા મળશે, પણ સમય જોવા નહિ મળશે. વીતી ગયેલો સમય એ એક કેન્સલ ચેક જેવો છે અને આવતી કાલ એ પ્રોમિસરી નોટ જેવી છે, મળશે ત્યારે મળશે, માટે આજના સમયનો સદુપયોગ કરી લ્યો.
સમય આપણને સારા બનાવે એ પહેલાં આપણે સમયસર સારા બની જવું જોઈએ. સમય તેમ જ સમુદ્રની ઓટ કદી કોઈની રાહ જોતી નથી માટે સમયનો સદુપયોગ કરીને જે જીવનમાં આગળ વધે છે તે સફળ અને સુખી થાય છે.
સુરત – દિલીપ વી. ઘાસવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.