ગુરુજી દ્રોણાચાર્યએ કૌરવો અને પાંડવોને ભણાવવાનું શરુ કર્યું અને પાઠ શીખવ્યો ‘સત્યમ વદામિ..’ અર્થાર્ત ‘હું સત્ય બોલું છું.’ અને બધાને કહ્યું, ‘તમે બધા શિષ્યો આ પાથનું સતત રટણ કરો અને કાલે મોઢે કરીને આવજો.’ બધા આ પાથનું રટણ કરવા લાગ્યા અને પાઠ નાનકડો હતો એટલે બધાને યાદ પણ રહી ગયો. બીજે દિવસે ગુરુજી દ્રોણાચાર્યએ બધાને ગઈકાલનો શીખવેલો પાઠ મોઢે બોલવા કહ્યું અને અર્જુન ,ભીમ ,દુર્યોધન, …બધાએ પાઠ મોઢે બોલીને બતાવ્યો ‘સત્યમ વદામિ’ ..’હું સાચું બોલું છું .’ ગુરુજી ખુશ થયા.એકમાત્ર યુધીષ્ઠીરને પાઠ મોઢે આવડતો ન હતો તેને કહ્યું, ‘ગુરુજી, મને પાઠ મોઢે થયો નથી હજી આવડતો નથી.’ ગુરુજીએ ફરી સમજાવ્યો અને કહ્યું, ‘સતત રટણ કરજે એટલે આવડી જશે.’
બીજા દિવસે પણ યુધિષ્ઠિરને પાઠ આવડતો ન હતો આમ કરતા છ સાત દિવસ થઇ ગયા રોજ ગુરુજી પૂછે કે ‘યુધીષ્ઠીર તને પાઠ આવડી ગયો ??’ અને યુધીષ્ઠીર જવાબમાં ના પાડે.દસમાં દિવસે ગુરુજીએ પૂછ્યું, ‘પાઠ આવડી ગયો ??’ અને યુધિષ્ઠિરે કહ્યું , ‘ના ગુરુજી..’ અને ગુરુજી ગુસ્સે થઇ ગયા અને સોટી ઉગામતા બોલ્યા, ‘આજે તો મારી સોટી તને પાઠ સમજાવશે અને યાદ કરાવશે.એવો કેવો ઠોઠ છે તું કે તને બે શબ્દોનો પાઠ દસ દિવસથી યાદ રહેતો નથી.’
યુધીષ્ઠીર બોલ્યા, ‘ગુરુજી, આપ મને સોટીથી ફટકારો હું તેને જ લાયક છું. ‘સત્યમ વદામિ’ ‘હું સાચું બોલું છું.’ આ પાઠ મને સમજાઈ ગયો છે પણ હું રોજ સાચું જ બોલવાની કોશિશ કરું છું પણ ક્યાંક ને ક્યાંક મારાથી ખોટું બોલાય જ જાય છે તો પછી હું કઈ રીતે તમને કહી શકું કે ‘સત્યમ વદામિ’ ‘હું સાચું બોલું છું.’એ પાઠ મેં પાકો કરી યાદ કરી લીધો છે જ્યાં સુધી હું ખોટું બોલવાનું બંધ કરી માત્ર સાચું જ ન બોલું ત્યાં સુધી હું તમને કઈ રીતે કહી શકું કે મારો પાઠ પાકો થઈ ગયો છે.ગુરુજી દસ દિવસથી પ્રયત્ન કરવા છતાં ખોટું બોલાય જાય છે માટે તમે મને સજા કરો હું તેને જ લાયક છું.’ યુધીષ્ઠીરનો જવાબ સાંભળી ગુરુજીનો સોટી મારવા ઉગામેલો હાથ ત્યાજ અટકી ગયો અને ગુરુજીએ કહ્યું, ‘તે જ આ પાઠને બરાબર તે જ સમજ્યો છે શાબાશ.’ કોઈપણ જ્ઞાનને જીવનમાં ઉતારવું અને તેનું પાલન કરવું જ સાચું જ્ઞાન છે.
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.