Charchapatra

સંબંધોનું નેટવર્ક

જીવનમાં એકલા રહેવું કઠીન છે .સ્વામી સચ્ચિદાનંદજી કહે છે, “ જીવન ઉપર સૌથી મોટો પ્રભાવ સંબંધોનો પડતો હોય છે. સંબંધોની બાબતમાં મનુષ્યનો સ્વભાવ બહુ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે.” સૌથી મહત્ત્વનું છે સંબંધો તંદુરસ્તીપૂર્વક નિભાવી રાખવાનું. ભારતીય સંસ્કૃતિમાં સંબંધોનો સમૂહ છે. જ્યારે વિદેશમાં લોકો પર ગાઢ સંબંધોનો પ્રભાવ ઓછો છે. ત્યાં પરિવારના સભ્યો સ્વતંત્ર રીતે જ્યાં જવું હોય, જે કરવું હોય તે કરી શકે છે. પારિવારિક કે નોકરી ધંધાના સંબંધો ભાવનાપ્રધાન નથી. પરિણામે સંબંધોમાં અપેક્ષા ઓછી, ખટરાગ ઓછો .સંબંધોમાં ગાંઠ પડે તો ક્ષોભ કે સામાજિક ડર વિના પૂર્ણવિરામ મૂકી દે છે. ( બીલ અને મેલિન્ડા ગેટ્સ) આનાથી ઉલટું આપણે સંબંધોના માણસો છીએ. સંબંધમાં માનનારા અને નિભાવનારા છીએ.સંબંધમાં પડેલી ગાંઠને કાપી કે તોડી નાખવાને બદલે સહજતાથી ખોલવાના પ્રયત્નો કરીએ છીએ .અલબત્ત ઘણા બધા સંબંધો સાચવવા ઘણી વાર દરેકને રાજી રાખી શકતા નથી. કેટલાક સંબંધો ખોખલા, ઉપરછલ્લા કે સ્વાર્થી હોય છે .જેમાં આત્મીયતા કે સારાપણું નથી હોતું.

ગાઢ સંબંધોને સાચવી રાખવા અહમ્ અને વહેમને દૂર રાખવા પડે છે. અપેક્ષા ઓછી અને સ્વીકાર ભાવ બંને પક્ષે જરૂરી છે. મહદંશે સંબંધોમાં શું જોઈએ છે તે જ આપણને ખબર નથી. નાની-નાની મહત્ત્વની ન હોય તેવી બાબતોને છોડીએ તો સંબંધ લાંબો સમય ટકી રહે. સ્પર્ધા કરવાથી કે પોતાનું મહત્ત્વ વધુ છે એવું સાબિત કરવામાં જ સંબંધો પાછળ છૂટી જાય છે અને એમાં કડવાશ ભળે છે.જરૂરી નથી કે સંબંધો પરસ્પરને હંમેશા ખુશ જ રાખી શકે. દુઃખના સમયે મદદરૂપ થાય એ અપેક્ષા રાખવી પણ ઈચ્છનીય નથી. સંબંધો ખૂબ નાજુક છે એને નિભાવવામાં સમજ જરૂરી છે. એવું પણ નથી કે દરેક સંબંધો સ્વાર્થી જ હોય. કેટલાક સંબંધો લોહીના નથી છતાં મુશ્કેલ સમયે આવી વ્યક્તિઓ જ સતત પડખે રહી મદદરૂપ થાય છે .સંબંધોનું નેટવર્ક ખૂબ મોટું છે , ગૂંચવાયેલું છે. સંબંધોને સારી અને સાચી રીતે સમજીને જીવવામાં જ સમજદારી છે.
સુરત – અરુણ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top