ટ્રકના કેબિનમાં ચાલતી રસોઈથી આગ લાગી—એપીએમસી ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો
પ્રતિનિધિ સંખેડા
સંખેડા તાલુકાના બહાદરપુર અને ગામડી વચ્ચે આવેલા સસ્તા અનાજના ગોડાઉનમાં આજે સવારે ગોડાઉનના કમ્પાઉન્ડમાં ઊભેલી અનાજ ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી, જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે લોકટોળું ઉમટી પડ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં બેસી રસોઈ બનાવી રહ્યો હતો, તે દરમિયાન કેબિનનો ભાગ આગની ચપેટમાં આવી ભભૂકી ઊઠ્યો. કેબિન સળગતા આગ ઝડપથી ફેલાતી દેખાતા ઘટના ગંભીર બનતી હતી.
ફાયર બ્રિગેડ દ્વારા ઝડપી કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ બહાદરપુર એપીએમસી પ્રમુખ ભૌમિકભાઈ દેસાઈએ તરત જ બહાદરપુર–સંખેડા એપીએમસી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી જહેમત બાદ આગને કાબૂમાં લીધી, જેના કારણે ગોડાઉનમાં રાખેલા અન્ય અનાજને બચાવી શકાયું હતું. ગોડાઉનના સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.