Sankheda

સંખેડા તાલુકાના કાવિઠા ગામે સતિષભાઈ વસાવાને ત્યાં ત્રીજા બાળકનો જન્મ થતા સભ્યપદેથી ગેરલાયક ઠેરવાયા



પ્રતિનિધિ સંખેડા
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામના ઇન્ચાર્જ સરપંચને ત્યાં ત્રીજા બાળકનો જન્મ થતા તેમને સભ્યપદ ગુમાવવાની નોબત આવી છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરી તેમને સભ્યપદેથી ગેરલાયક ઠેરવ્યા હતા.

સમગ્ર સંખેડા તાલુકામાં ભારે ચકચાર જગાવનાર આ ઘટનામાં ટુંકાગાળામાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા સુનાવણી કરી હુકમ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. સંખેડાના કાવીઠા ગામના ડેપ્યુટી સરપંચ અને ઇન્ચાર્જ સરપંચ સતીષભાઈ મહેન્દ્રભાઇ વસાવા ચૂંટણી લડ્યા હતા ત્યારે તેઓ બે બાળકોના પિતા હતા, પરંતુ તેમને ત્યાં ગત ૧૦ મી ઓગસ્ટના રોજ ત્રીજા બાળકનો જન્મ થયો હતો. પંચાયત અધિનિયમની ક્લમ પ્રમાણે ત્રણ બાળક ધરાવનાર હોદ્દા ઉપર ના રહી શકે તેથી મહેશભાઈ રબારી દ્વારા તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરી પુરાવા એકત્ર કરવામાં આવતા નોટીસ ફટકારવામાં આવી હતી. પરંતુ ઇન્ચાર્જ સરપંચ દ્વારા કોઇ ખુલાસો કરવામાં ના આવતા જન્મ પ્રમાણપત્ર મેળવી તેના આધારે તેઓ ત્રણ બાળકના પિતા હોવાનું સાબિત થતા તાલુકા વિકાસ અધિકારીએ તેમને ગેરલાયક ઠેરવવાનો હુકમ કર્યો હતો.


અહેવાલ: સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા

Most Popular

To Top