શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી,વિંઝોલ(ગોધરા) -ના કુલપતિ ડૉ પ્રતાપ સિંહજી ચૌહાણની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ માં પીએચ. ડીના અભ્યાસક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કુલ સત્તર જેટલા વિષયોમાં સંશોધનકાર્ય માટે ગુજરાતભરના શોધાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. જેમાંથી એકાઉન્ટન્સીમાં ૪, કોમર્સમાં ૫, રસાયન વિજ્ઞાનમાં ૪, અર્થશાસ્ત્રમાં ૭, એજ્યુકેશનમાં ૧૭, અંગ્રેજીમાં ૭, ગુજરાતીમાં ૫, હિન્દીમાં ૬, ઇતિહાસમાં ૫, લૉ -માં ૩, લાઇબ્રેરી સાયન્સ માં ૮, શારીરિક શિક્ષણમાં ૯, ભૌતિકવિજ્ઞાનમાં ૨, મનોવિજ્ઞાનમાં ૬ , સંસ્કૃતમાં ૧૦, સોશિયલ વર્કમાં ૧ અને સમાજશાસ્ત્રમાં ૧ એમ કુલ ૧૦૨ શોધાર્થીઓએ તેમના શોધનિબંધ યુનિવર્સિટી સમક્ષ પ્રસ્તુત કરી પીએચ. ડીની પદવી મેળવી લીધી છે. યુનિવર્સિટીની સ્થાપના થયે હજુ માત્ર ૯ વર્ષ થયાં અને ૨૦૧૯-૨૦માં પીએચ.ડીનો અભ્યાસક્રમ શરૂ થયા બાદ માત્ર ચાર વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં જ ૧૦૨ વિદ્યાર્થીઓ પીએચ. ડીની પદવી મેળવી શક્યા છે,તે અનોખી સિદ્ધિ છે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ પ્રતાપસિંહજી ચૌહાણ અને કુલસચિવ અનિલભાઈ સોલંકી પીએચ.ડીની પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અને તેમના પરિશ્રમી તથા તેજસ્વી માર્ગદર્શકોને યુનિવર્સિટી પરિવાર તરફથી અનેકશ: અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે. હાલમાં વિવિધ વિષયોમાં ૯૦૦ જેટલા શોધાર્થીઓ તેમનું શોધકાર્ય કરી રહ્યા છે. તેઓ પણ તેમનું કાર્ય સમયસર પૂરું કરવા સતત કામ કરી રહ્યા છે.
