વડોદરા: શહેરમાં રામનવમીને લઇને ભકતોમાં ભારે ઉત્સાહથી ભગવાની શોભાયાત્રા નીકળી હતી. તોફાની તત્વોએ બપોરે પાંજરીગર અને સાંજે કુંભારવાડામાંથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો અને વાહનોની પણ તોડફોડ કરી હતી. જેના પગલે શહેરમાં કોમી ફાટી નીકળવાની દહેશત પણ ફેલાઇ હતી. જોકે ઘટના સ્થળ પર તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ધસી આવ્યો હતો. પથ્થરમારામાં 4 લોકોને ઇજાઓ પહોંચી હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસ દ્વારા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. 22થી વધુ તોફાની તત્વોની અટકાયત કરવામાં આવી.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી શાંતિનું વાતાવરણ સ્થપાઇ ગયું હતું. પરંતુ રામનવીની પવિત્ર દિવેસ નીકળી શોભાયાત્રા પથ્થર મારો કરી શહેરની શાંતિમાં પલિતો ચાપપવા તોફાની તત્વો દ્વારા પ્રિ-પ્લાન કાવતરું હતું. ગુરુવારે સવારે હરણી વિસ્તારમાં વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગ દળ કારેલીબાગ પ્રખંડ દ્વારા ભગવાની રામની શોભાયાત્રા નીકળી હતી. ભારે ઉત્સાહ અને ઉજવણી સાથે શોભાયાત્રા આગળની વધીને ફતેપુરા પાંજરી મહોલ્લા પાસે બપોર 1.30 વાગ્યાના આસપાસ પહોંચતા પથ્થરમારો કરવાનું કાવતરું રચ્યું હોય તેમ શોભાયાત્રા પર પથ્થર મારો કર્યો હતો. રોડ પર ઉભી રાખવામાં આવેલી લારીઓ સહિત વાહનોની પણ તોડ ફોડ કરાઇ હતી.
ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર ધસી આવ્યા હતા પર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જોકે સાંજે 5 વાગ્યાના અરસામાં કુંભારવાડામાંથી ફરી ભગવાન રામની શોભાયાત્રા પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી. પરંતુ આગળની ગયા બાદ બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો જોકે તોફાનીટોળાએ પોલીસ કર્મચારીઓ પર તોફાની તત્વોએ ફરી પથ્થર માર્યો હતો. પથ્થમારાના કારણે રામ ભક્તો સહિત પોલીસના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. વિધર્મીઓ પોતાના મકાન પરથી પોલીસ પર પણ પથ્થરોથી હુમલો કરી રહ્યા હતાં. જેના પગલે પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હોવાનું પણ જાણવા મળ્યું છે.
સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો
સવારે હરણી વિસ્તારમાંથી રથયાત્રા નીકળી હતી ત્યારબાદ સાંજે 5.30 વાગ્યાની આસપાસ કુંભારવાડામાંથી ભગવાનની શોભાયાત્રા નીકળી હતી. જેમાં અસામાજિક તત્વો કાકંરીચાળો કરતા બે જૂથો સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. રથયાત્રા સાથે ચાલતી પોલીસ પર તોફાનીઓ દ્વારા પોતાની છત પરથી પથ્થર ફેંકવામાં આવ્યા હતા.
તોફાની તત્વો દ્વારા અગાઉથી પોતાના આગાસી પર પથ્થરોનો સ્ટોક કર્યો
હાલમાં ચૈત્રી નવરાત્રી સાથે રમજાનો તહેવાર ચાલી રહ્યો છે. ગુરુવારે રામનવીની શોભાયાત્રા નીકળવાની છે. જેના લઇને તોફાની તત્વો દ્વારા શૌભાયાત્રા પર પથ્થર મારો કરવાનું પ્રિપ્લાન કાવતરું રચ્યું હતું. જેના માટે અગાઉથી પોતાના અગાસીઓ પર પથ્થરો સ્ટોક કરી નાખ્યો હતો. જેમાં ભગવાનની યાત્રા તેમના વિસ્તારમાં આવી કે તુરંત પથ્થરોનો વરસાદ કરી હુમલો કર્યો હતો.
સીપી, જેસીપી,ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારીઓ ઘટના દોડી આવ્યાં
ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં શોભાયાત્રા પર પથ્થર મારો થયો હાવાનો મેસેજ મળતા સ્થાનિક પોલીસ, પીસીબી, ડીસીબી એસઓજીની ટીમનો દોડી આવી હતી. ઉપરાંત એસીપી,ડીસીપી અને જેસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને શહેરનું વાતાવરણ વધુ ન ડહોળાઇ તે માટે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
કોમી એખલાસ ભર્યા વાતાવરણને ડહોળવાનો અસામાજિક તત્વોનો પ્રયાસ
બપોરના 1.30 વાગ્યાના સમયે વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળની શોભાયાત્રા પર પથ્થર મારો કર્યો હતો. જોકે તોફાની તત્વોએ શહેરની કોમી એખલાસ ભર્યા માહોલ ડહોળવાનું અગાઉથી કાવતરુ રચી લીધું હોવાના કારણે તેમને જાણ હતી કે સાંજે ફરી શોભાયાત્રા નીકળવાની છે જેને લઇને જેવી શોભાયાત્રા નીકળીને આગળ આવી કે તુરંત પોતાના પ્લાનને અંજામ આપી પથ્થરમારો કર્યો હતો. જોકે પોલીસ કાફલો તુરંત દોડી આવ્યો હતો.
કડકમાં કડક પગલા ભરવાની મેયર અને ભાજપ પ્રમુખની માંગ
ઘટના પગલે મેયર નિલેશ રાઠોડ, ભાજપ પ્રમુખ વિજય શાહ, પૂર્વ ધારાસભ્ય કેયુર રોકડિયા અને સ્થાયી ચેરમેને ડો.હિતેન્દ્ર પટેલ સહિતના નેતાઓ દોડી આવ્યા હતા. તેમની સાથે પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ પણ જોડાયા હતા. ભાજપ પ્રમુખ-મેયરે પથ્થરમારાની ઘટનાને વખોડી અને અસામાજિક તત્વો સામે કડક પગલા ભરવાનું માગણી કરી હતી.
તોફાનીઓને વહેલીતકે ઝડપી હાજર કરવા ગૃહમંત્રીનો આદેશ
ફતેપુરા વિસ્તારમાં બનેલી પથ્થરમારાની ઘટનાના ગાંધીનગર સુધી પડઘા પડ્યા હતા. જેમાં પોલીસ ભવન ખાતે ગૃહમંત્રી અને ડીજીપી વિકાસ સહાય સહિતના અધિકારીઓની તાકીદની બેઠક બોલાવાઇ હતી. જેમાં શહેરની શાંતિમાં પલીતો ચાંપવાનો પ્રયાસ કરનારા તત્વો વહેલીતકે ઝડપી પાડી હાજર કરીને તેમનો રિપોર્ટ કરવા ગૃહમંત્રીએ આદેશ કર્યા હતા.
ડીજી ઓફિસથી ઘટના પર સતત કરાતું મોનિટરિંગ
રથયાત્રામાં થયેલ પથ્થરમારાની ઘટનામાં શહેરાં વધારાની પોલીસ ફોર્સ મોકલવામાં આવી છે. જેમાં 3 SRPની ટુકડીઓ આવવા માટે રવાના કરાઈ છે. જો કે બે ટુકડી પહોંચી ગઈ, એક રસ્તામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરામાં ચાલતી ગતિઓ વિધિઓ પર DG ઓફિસથી સતત મોનીટરીંગ કરાઈ રહ્યું છે.
હિન્દુ-મુસ્લિમ અગ્રણી સાથે યોજેલી શાંતિ સમિતિની બેઠકનો ફિયાસ્કો
રામ નવમી અને રમજાન માસને લઇને કોમી એખલાસ ભર્યું વાતાવરણમાં પલિતો ન ચિપાય તે માટે પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. બંને કોમના લોકોએ હળમળીને તહેવારની ઉજવણી કરવા માટે પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા હતા. ગુરુવારે ફતેપુરા વિસ્તારમાં બે વાર થયેલા પથ્થરમારામાં શાંતિ સમિતિની બેઠકનો ફિયાસ્કો થયો હતો.