Godhra

શહેરાના ભોટવા ગામે વીજળી સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ જીવના જોખમે જાતે જ વીજપ્રવાહ શરૂ કર્યો

પ્રતિનિધી ગોધરા તા.08

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામમાં વીજળીની સમસ્યાથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ જાતે જ સમારકામ હાથ ધરીને વીજપ્રવાહ શરૂ કર્યો હતો. ગામના પટેલ ફળિયાના રહીશો છેલ્લા કેટલાક દિવસોથી વીજળી વગર અંધારામાં જીવન ગુજારવા મજબૂર બન્યા હતા.જેના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.

ગામલોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી તેમના વિસ્તારમાં વીજળીની સમસ્યા રહે છે. આ અંગે સ્થાનિક વીજ પુરવઠા વિભાગ અને ટોલ ફ્રી નંબર પર અનેક વાર ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ગામલોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી અને જો વાત થાય તો ‘કાલે આવીશું’ કહીને વાત ટાળી દે છે.

આ પરિસ્થિતિથી કંટાળીને અને અંધારામાં થતી મુશ્કેલીઓનો અંત લાવવા માટે પટેલ ફળિયાના યુવાનોએ રાત્રિના સમયે જાતે જ વીજ સમારકામ કરવાનું નક્કી કર્યું. જીવના જોખમે તેમણે વીજ વાયરો પર નડેલી ડાળીઓ અને ઝાડની ડાળખાં દૂર કર્યા હતા. આ દરમિયાન એક યુવકને ગરમ તાર અડી જતાં તેના હાથ પરની ચામડી ઉખડી ગઈ હતી. એટલું જ નહીં, રસ્તા પર પડેલા વૃક્ષો પણ તેમણે જાતે જ હટાવીને સામાજિક જવાબદારી નિભાવી હતી.

જોકે, આ મહેનત પછી પણ તેમને પૂરતો વોલ્ટેજ મળ્યો ન હતો. ગામલોકોએ તંત્રને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને પૂરતો વીજ પુરવઠો પૂરો પાડવા માટે માંગ કરી છે. જેથી ભવિષ્યમાં આવા જોખમી કાર્યો કરવાની જરૂર ન પડે.

Most Popular

To Top