વડોદરા : વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે કૂદકેને ભૂસકે વધી રહી છે. તેવામાં રખડતા ઢોરની સમસ્યાનો ભોગ બનવાની સિલસિલો યથાવત રહ્યો છે. હજુ તો થોડા સમયઅગાઉ જ રખડતા ઢોરે ભેટી મારતા યુવકે આંખ ગુમાવી હતી. તે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેને કારણે આજે ફરી એક વખત સમા વિસ્તારમાં ટુ વ્હીલર પર જઈ રહેલા વિદ્યાર્થી યુવકને ઢોરે ભેટી મારી હતી. જેથી તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
શહેરીજનો હજુ ક્યાં સુધી આવા રખડતા ઢોરનો ત્રાસ વેઠવો પડશે. આ ચર્ચાએ વડોદરા શહેરમાં જોર પકડ્યું હતું. વડોદરાવાસીઓને રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ મળતી નથી. તંત્ર દ્વારા વારંવાર શહેરને ઢોર મુક્ત બનાવવાના દાવા પોકળ સાબિત થાય રહ્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પણ વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડીયાને પણ ટકોર કરી હતી. એ ટકોર પણ મેયરે શેઠની શિખામણ ઝાંપા સુધી જેવી પરિસ્થિતિ ઉભી દિવસે દિવસે વધી જ રહી છે. જેમાં પાલિકા દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા જ નથી.
આમ દિવસેને દિવસે વડોદરામાં રખડતા ઢોરને લીધે વારંવાર વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે. પાલિકામાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગે છે. રવિવારે શહેરના સમા વિસ્તારમાં યુવક પાર્થ પ્રજાપતિ ટુ વ્હીલર લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તા પર પશુપાલકો દ્વારા છૂટી મૂકી દીધેલી ગાયોને ભગાડવામાં આવે છે. તે અરસામાં ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધું હતું. જેથી પાર્થને ગંભીર ઈજાઓ થઇ હતી. જેને કારણે પાર્થને ઈજા થવાના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને તબીબ જણાવ્યું હતું કે તેને ખભા અને પગના ભાગે ઈજાઓ થઇ છે.