વસંતત્રૃતુના આગમન સાથે પરાગરજની ત્રૃતુને કારણે એલર્જીના કેસોમાં વધારો થતો જોવા મળે છે
એસ.એસ.જી.હોસ્પિટલમા નાના 12વર્ષ સુધીના 50 થી 75બાળકો શરદી ખાંસીના તથા 100 જેટલા વૃદ્ધો ના કેસ જોવા મળ્યા છે :આર.એમ.ઓ.
(પ્રતિનિધિ) વડોદરા તા. 24
હાલમાં લોકો બેવડી ત્રૃતુનો અનુભવ કરી રહ્યા છે જેમાં રાત્રે તથા વહેલી સવારે ઠંડીનું વાતાવરણ તથા સવારે દસ થી સાંજે સાડા છ વાગ્યાની આસપાસ સુધી ગરમીનું વાતાવરણ જોવા મળે છે.રાત્રે ઠંડીથી બચવા માટે સ્વેટર,રજાઇ નો ઉપયોગ કરવો પડે છે જ્યારે બીજી તરફ દિવસે લોકો ગરમીથી બચવા ટોપી, છત્રી,ઠંડા પીણાં,એ.સી.,કૂલર તથા પંખાનો ઉપયોગ કરી રહ્યા છે. આયુર્વેદની દૃષ્ટિએ હાલમાં વસંત ઋતુની શરૂઆત થતાં પરાગરજને કારણે એલર્જીના કેસોમાં વધારો જોવા મળે છે ખાસ કરીને નાના બાળકો, બિમાર તથા વૃદ્ધ લોકો આ વાતાવરણને કારણે વધારે પ્રભાવિત થતા હોય છે જેના કારણે હાલમાં નાના બાળકો, વૃદ્ધ લોકો તથા જેઓ અન્ય બિમારીઓ થી પિડાય છે તેઓને શરદી, ખાંસી, ગળામાં સોજો, ગળું બેસી જવું,તાવ તથા એલર્જી ના લક્ષણો જોવા મળી રહ્યાં છે.જ્યારે પણ ત્રૃતુ પરિવર્તન થાય ત્યારે નાના બાળકો,વૃદ્ધ લોકો અને જૂની બિમારીઓ ધરાવતા દર્દીઓમાં ખાસ અસરો જોવા મળે છે.ખાસ કરીને જિલ્લાઓમાં નાના બાળકોમાં પૌષ્ટિક આહારની ઉણપ, શહેરમાં પણ નાના બાળકો તથા વૃદ્ધોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી બદલાતા વાતાવરણની અસરો વધુ જોવા મળે છે જેના કારણે નાના બાળકો અને વૃદ્ધો તથા જૂની બિમારીઓ વાળા દર્દીઓમાં બદલાતા વાતાવરણની બિમારીઓમાં સાજા થવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.નાના બાળકોમાં વધુ સંવેદનશીલતા હોય છે તેઓ શ્વાસ લે છે પરંતુ બીજી તરફ તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી આ બદલાતું વાતાવરણ તેમને વધારે અસર કરે છે.
બોક્સ
કેવી રીતે હવામાનની વધઘટ વડોદરામાં બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સમસ્યાઓને ઉતેજીત કરી રહ્યા છે
વડોદરામાં છેલ્લા કેટલાક વર્ષોથી તીવ્ર ઉષ્ણતામાન અને અનિયમિત હવામાનમાં પરિવર્તનો જોવા મળી રહ્યા છે. વધતા તાપમાન, હવાની ગુણવત્તામાં ઘટાડો અને જીવાણુજન્ય રોગોના પ્રસારને કારણે બાળકો અને વૃદ્ધોની આરોગ્ય સંબંધી જોખમો વધી ગયા છે.ઉચ્ચ તાપમાનનો લાંબો સમયગાળો પૂર્વ-અસ્તિત્વ ધરાવતા આરોગ્ય સબંધી રોગો વધારે તીવ્ર બનાવી શકે છે. જે વ્યક્તિઓ ક્રોનિક શ્વાસ સંબંધી સમસ્યાઓ ધરાવે છે, તેઓ હીટ વેવ દરમિયાન વધતી તકલીફો અનુભવી શકે. ખાસ કરીને વૃદ્ધો, જેઓ એકથી વધુ આરોગ્ય સમસ્યાઓથી પીડિત હોય, તેમના માટે જોખમ વધુ છે, કારણ કે ઉંમર સાથે શરીરનું શારીરિક પ્રતિકારક શક્તિ ઘટે છે.હવામાનના ફેરફારો હવાની ગુણવત્તાને પણ અસર કરે છે. વધતા તાપમાન અને હવા પ્રદૂષણના સંયોજનથી ગ્રાઉન્ડ લેવલ ઓઝોન બને છે. વધુ ઓઝોન એક્સપોઝર શ્વાસ સંબંધિત સમસ્યાઓ ઉભી કરી શકે છે, ખાસ કરીને બાળકો માટે, જેમના ફેફસાં હજી વિકસિત થઈ રહ્યા હોય, અને વૃદ્ધો માટે, જે પહેલાથી જ શ્વાસની સમસ્યાઓથી પીડિત હોય.કેટલાક અભ્યાસો દર્શાવે છે કે હવા પ્રદૂષણ અસ્થમાની તીવ્રતા વધારી શકે છે અને અન્ય શ્વાસ સંબંધિત રોગોને પણ બગાડી શકે છે. બાળકો વધુ સંવેદનશીલ હોય છે, કારણ કે તેઓ વધુ શ્વાસ લે છે અને તેમનું પ્રતિકારક તંત્ર હજી વિકસિત થઈ રહ્યું હોય છે. વૃદ્ધો, જેમને પહેલાથી જ આરોગ્ય સમસ્યાઓ હોય, તેઓ હવા પ્રદૂષણના સમયમાં વધુ હોસ્પિટલાઈઝેશન અને મૃત્યુદરનો સામનો કરી શકે છે.વડોદરા જેવા વિસ્તારોમાં વધતા તાપમાન અને બદલાતા વરસાદી પેટર્ન મલેરિયા, ડેંગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી કરે છે. કમજોર રોગ પ્રતિકારક શક્તિને કારણે બાળકો અને વૃદ્ધો માટે આ રોગો વધુ ઘાતક સાબિત થઈ શકે છે. આ માત્ર વ્યક્તિગત આરોગ્યને જ અસર કરતું નથી, પણ સ્થાનિક આરોગ્યસંભાળ તંત્ર પર પણ વધારાનો દબાણ મૂકે છે.
જિલ્લાઓમાં હવામાન પરિવર્તનનું જોખમ ઊંચું હોય, ત્યાં રહેતા બાળકોમાં પૌષ્ટિક આહારની ઉણપ અને કુપોષણ જોવા મળે છે, કારણ કે હવામાન ફેરફારો કૃષિ ઉત્પાદનને પ્રભાવિત કરે છે, જે ખાદ્ય સુરક્ષા અને પૌષ્ટિક તત્ત્વોની ઉણપ તરફ દોરી જાય છે. કુપોષણ શરીરનું પ્રતિકારક તંત્ર નબળું બનાવે છે, જે બાળકોને ચેપજનક રોગો માટે વધુ સંવેદનશીલ બનાવે છે. વૃદ્ધો માટે, પૂરતો પૌષ્ટિક આહાર ન મળવાથી તેમની હાલની આરોગ્ય સમસ્યાઓ વધુ ગંભીર બની શકે છે અને રોગમાંથી સાજા થવાની ક્ષમતા ઓછી થઈ શકે છે.વડોદરામાં હવામાન ફેરફારોના આરોગ્ય પર થતા પ્રભાવોને હળવા કરવા માટે બહુઆયામી અભિગમની જરૂર છે, જેમાં હીટ એક્શન પ્લાન, હવા ગુણવત્તા વ્યવસ્થાપન, જીવાણુ નિયંત્રણ કાર્યક્રમો, પૌષ્ટિક સમર્થન અને જાહેર જાગૃતિ અને શિક્ષણનો સમાવેશ થાય.
ડો.મનિષ મિત્તલ, કંસ્લટન્ટ ફિજીશિયન -ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલ
બદલાતા વાતાવરણને કારણે હાલમાં દરરોજના બાળકો તથા વૃધ્ધોના બિમારીના કેસોમાં 10%નો વધારો જોવા મળ્યો છે
એસ.એસ.જી.હોસ્પિટલમા હાલમાં દરરોજના 1600થી વધુ ઓપીડી આવે છે જેમાં બદલાતી ત્રૃતુને કારણે નાના 12વર્ષ સુધીના બાળકોમાં શરદી, ખાંસી ગળા ની તકલીફ એલર્જી ના 50 થી 75 કેસો આવી રહ્યા છે જ્યારે 100 થી વધુ વૃદ્ધ લોકો વાતાવરણને કારણે બિમારથી પિડાતા જણાયા છે.સરેરાશ જોઇએ તો હાલમાં નાના બાળકો અને વૃદ્ધોની બિમારીમાં 10%સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.
-ડો.હિતેન્દ્ર ચૌહાણ,આર.એમ.ઓ., એસ.એસ.જી.હોસ્પિટલ