હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો જમીન પર ચક્કર ખાઇ ઢળી પડતા હોય છે ત્યારે જો આટલી ઉંચાઇથી કોઇને ગરમીમાં ચક્કર આવે અને નીચે પટકાય તો શું થઇ શકે?
કોન્ટ્રાક્ટરો પાલિકાના સેફટી નિયમોને નેવે મૂકી શ્રમજીવીઓ પાસે જોખમી કાર્ય કરાવે છે તો શું પાલિકા આવા કોન્ટ્રાક્ટરો ને બ્લેકલિસ્ટ કરશે
એક તરફ મધ્ય ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે 40 ડિગ્રી થી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે અને આવા હિટવેવ વચ્ચે જ્યાં એક તરફ લોકો ગરમીથી જમીન પર ચક્કર ખાઇ પડી જતાં હોય છે ત્યાં જ બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોની મજબૂરીનો ફાયદો ઉઠાવી આવી ગરમીમાં જોખમી રીતે કામ કરાઇ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. વડોદરા થી શહેરમાં પ્રવેશતા આજવારોડ ખાતે રોડપર બનાવવામાં આવેલા જાહેરાત માટેના કિઓસ્ક કે હોર્ડિંગ્સ સ્ટેન્ડ પર કોઇપણ પ્રકારની સેફ્ટી કે સેફ્ટિના સાધનો વિના જ કર્મચારીઓ હોર્ડિંગ્સ લગાડતા દ્રશ્યમાન થયા હતા. કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓ માટે કોઇપણ પ્રકારના સેફ્ટી સાધનો આપવામાં આવ્યા ન હતા બીજી તરફ નીચે ચાલુ રોડ હતો જ્યાં દિવસોમાં નાના મોટા વાહનો પણ પસાર થઇ રહ્યાં હતાં તે જોવા મળ્યાં હતાં. સામાન્ય રીતે આવી કામગીરી દરમિયાન નિયમ મુજબ સેફ્ટિના સાધનો સાથે પૂરતી સુરક્ષા વચ્ચે રાત્રિ દરમિયાન જ્યારે વાહનોની અવરજવર ઓછી હોય છે ત્યારે એક તરફ જ્યાં આવી કામગીરી કરવાની હોય તે રોડને થોડી વાર માટે બંધ કર્યા બાદ જ કામગીરી કરવાની હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરો જાણે નિયમો તથા તંત્રની ગાઇડલાઇન્સને જાણે અવગણતા હોય તે રીતે પોતાની મનમાની ચલાવી રહ્યાં છે અને શ્રમિકો પાસેથી જોખમી રીતે દિવસે કામગીરી કરાવવામાં આવી રહી છે .જો આવી કાળઝાળ ગરમીમાં ડિહાઇડ્રેશન કે અન્ય કોઇ કારણોસર કોઇ કર્મચારીને ચક્કર આવતાં નીચે પટકાય તો શું થઇ શકે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય તેમ છે ત્યારે આવા સંજોગો માટે જવાબદાર કોણ?શું પાલિકા તંત્ર દ્વારા આવી કામગીરી કરતાં કોન્ટ્રાક્ટરો પર મોનિટરિંગ રાખવું જરૂરી નથી? આવી બેદરકારી બદલ શું પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી દંડ ફટકારશે ખરી?શું માલેતુજાર કોન્ટ્રાક્ટરો માટે શ્રમજીવીઓ/કર્મચારીઓ ના જીવનની કિંમત કંઇ નથી?
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં પાલિકા તંત્ર દ્વારા આવા જ એક મોટી એડવર્ટાઇઝીંગ એજન્સી ને શહેરમાં કિઓસ્ક અને હોર્ડિંગ્સ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ જેના પાસેથી ઘણી મોટી રકમ પાલિકાએ લેવાની નિકળે છે છતાં હજી પણ તેનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાલિકા તંત્ર દ્વારા આવી એજન્સીઓ તથા લાપરવાહ કોન્ટ્રાક્ટરો સામે તટસ્થ પગલાં ક્યારે લેવાશે?શા માટે આવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરતાં પાલિકાના હાથ ધ્રુજે છે?શું ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે કે આવા એજન્સીઓ કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરતા રેલો પાલિકા સુધી આવે તેમ છે? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.