Vadodara

શહેરના પાણીગેટ થી લહેરીપુરા દરવાજા, ચોખંડી તથા ચાંપાનેર દરવાજા તરફ ટ્રાફિકની સમસ્યા વકરી..

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા દિવસેને દિવસે કથળી રહી છે! શહેરના ચાર દરવાજા વિસ્તારમાં તહેવાર વિના પણ ટ્રાફિક થી લોકોને હાલાકી

ટ્રાફિકના નિયમન માટે અહીં ચાર દરવાજા વિસ્તારમાં ફરજ માટે મૂકાતા ટીઆરબી સ્ટાફ સ્લાઇડમાં પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત બની જાય છે ટ્રાફિક મેનેજમેન્ટ સાથે તેઓને જાણે કોઇ લેવાદેવા જ ન હોય

લહેરીપુરા તથા માંડવી ચાર દરવાજા પાસે જ્યાં પોલીસ ચોકી અને પોલીસ પોઇન્ટસ છે ત્યાં જ આડેધડ ઓટોરિક્ષાઓનો જમાવડો ટ્રાફિકને અવરોધે છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 15

શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસયા વકરતી જાય છે હવે ઇમરજન્સી વાહનો અને ઇમરજન્સી કોઇને હોસ્પિટલ તથા ક્યાંક કોઇને જોબ,ટ્રેન અથવાતો બસમાં જવું હોય તો તેના માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.અહી હાલ દિવાળી પર્વ પણ પૂરો થઇ ગયો હોવા છતાં રવિવાર હોય કે ચાલુ દિવસોમાં અહીં રોજબરોજના ટ્રાફિકની સમસયા ખૂબ જ વકરતી જાય છે.પાણીગેટ દરવાજાથી લહેરીપુરા દરવાજા બીજી તરફ માંડવી ચાર દરવાજાથી ચાંપાનેર દરવાજા તરફ તથા માંડવી ચાર દરવાજા થી ચોખંડી ગેંડીગેટ દરવાજા તરફ હવે અવરજવર કરવું ખૂબ જ મુશ્કેલ ભર્યું બની ગયું છે.અગાઉ અહીં ચાર દરવાજા વિસ્તારમાં અનેક પ્રબુદ્ધ અને જાગૃત નાગરિકો તથા કેટલાક નગરસેવકો દ્વારા ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ અંગેની અનેકવાર ટ્રાફિક શાખા તથા પાલિકા તંત્ર ને રજૂઆતો કરી ચૂક્યા છે અને તાજેતરમાં પણ પૂર્વ કાઉન્સિલર વિજય પવારે તો પાલિકાના અધિકારીઓને સ્થળ પર બોલાવી રજૂઆત કરી હતી પરંતુ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.અહિ અગાઉ ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક ભારણ ઘટાડવા એક જ તરફ વાહનો પાર્કિંગ કરાવાતા અને એક સાઇડ ખુલ્લી રાખવામાં આવતી હતી જે બે દિવસે પાર્કિંગ સાઇડ બદલવામાં આવતી હતી.બીજી તરફ અહીં ટ્રાફિક પોલીસ દ્વારા કોઇપણ પ્રકારના ટ્રાફિકને અવરોધતા વાહનો ફોર વ્હીલર કે ઓટો રિક્ષા ને રસ્તામાં ઉભા રહેવા દેતા ન હતા તથા જો કોઇ આડેધડ વાહન પાર્ક કરે તો તે વ્હિકલને ટ્રાફિક ની ગાડી દ્વારા ઉઠાવી લેવામાં આવતી જેથી લોકો દંડના ડરથી આડેધડ વાહનો પાર્કિંગ કરવાથી બચતા હતા પરંતુ છેલ્લા ઘણાં સમયથી અહીં ટ્રાફિક શાખા નિષ્ક્રિય બની ગયું હોય અથવાતો અન્ય કોઇ કારણોસર આંખ આડા કાન કરતું હોય તેમ જણાય છે કારણ કે અહીં માંડવી ચાર દરવાજા તથા લહેરીપુરા ચાર દરવાજા પાસે જ પોલીસ ચોકીઓ તથા પોલીસ અને ટ્રાફિક પોઇન્ટસ છે તેમ છતાં ઓટોરિક્ષાઓનો જમાવડો સૌથી વધુ જોવા મળે છે લહેરીપુરા પોલીસ ચોકી પાસે જ,ખજૂરી મસ્જિદ અને લહેરીપુરા ગેટ નજીક જ સૌથી વધુ ઓટોરિક્ષાઓનો જમાવડો જોવા મળે છે અહીં ટ્રાફિક પોલીસ માત્ર મૂકપ્રેક્ષક બની બધું જોયા કરે છે હવે તેની પાછળનું કારણ કોઇથી છૂપું નથી રહ્યું હા કોઇ અધિકારી ની ગાડી પસાર થવાની હોય ત્યારે થોડો દેખાડો જરૂર કરતાં હોય છે.બીજી તરફ અહીં ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે મૂકવામાં આવતા ટીઆરબી સ્ટાફ ને અહીં ટ્રાફિક જામ થાય કે પછી આડેધડ કોઈ ફોર વ્હીલર, ઓટો રિક્ષા કે ટુ વ્હીલર રસ્તામાં ટ્રાફિક ને અવરોધતા ઉભા કરી દે કે આડેધડ વાહનો પાર્ક કરે કે પછી લોકો ટ્રાફિકમા પરેશાન થાય એનાથી કોઈ જ મતલબ જ જાણે ન હોય તેમ સ્લાઇડમાં કોઇ ખૂણે વાહનો પર બેસી પોતાના મોબાઇલ ફોન પર વ્યસ્ત જોવા મળે છે.અહી ગમે તેટલી ટ્રાફિકની લાઇનો હોય ટીઆરબી સ્ટાફ એકવાર બેઠક અને મોબાઇલ ફોન પકડી લે પછી જલ્દી ઉભા થતા નથી તેઓ સાથે રહેતા ટ્રાફિક જવાનો પણ ફક્ત વેઠ ઉતારતા હોય તેમ જોવા મળે છે તે જ રીતે હવે ચાર દરવાજા વિસ્તારમાં આવેલી કેટલીક દુકાનોવાળાઓ બહાર ફૂટપાથ સુધી લટકણિયાં લટકાવી, તથા દુકાનો બહાર ચીજવસ્તુઓ મૂકીને દબાણો કરી રહ્યા છે તો અહીં ફૂટપાથ પર લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે ફૂટપાથ પર પથારાવાળાઓ પાસે જે તે દુકાનો વાળા તથા અન્ય સ્થાનિક હપ્તાખોરો પૈસા લઇ પથારા લગાવવા દે છે જેના કારણે લોકો ફૂટપાથનો ઉપયોગ પણ કરી શકતા નથી અને જો કોઇ વિરોધ કરે તો દુકાનદારો પથારાવાળા દાદાગીરી કરતા હોય છે છતાં.જે સ્માર્ટ પાલિકા તંત્ર શહેરમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરે છે તે સ્માર્ટ પાલિકા તંત્રને ચાર દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો કેમ નથી દેખાતા કે પછી અહીં દૂર કરવામાં શેનો ડર છે ? શું હપ્તાખોરીને કારણે અહીં બધું નજર અંદાજ કરવામાં આવે છે?જો આ જ નીતિ પાલિકાની રહેશે તો શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણોના રાફડા ઉભા થશે.શા માટે અહીં કાયમી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવતું નથી? નિરાકરણ આવતું નથી કે પછી અહિંના ધારાસભ્ય,કાઉન્સિલરોને ટ્રાફિક સમસ્યા નિવારણમાં રસ નથી? જ્યારે પણ મિડિયા અથવાતો જાગૃત નાગરિકો દ્વારા ચાર દરવાજા ની ટ્રાફિક સમસ્યા વિશે રજૂઆત કરવામાં આવે છે ત્યારે ચાર દિવસ પાલિકા તંત્ર તથા ટ્રાફિક શાખા દેખાડા પૂરતી કામગીરી કરે છે ફરીથી પરિસ્થિતિ જૈસે થે ની થઇ જાય છે.અહિ ખંડણી કે હપ્તાખોરીથી પથારાવાળા,,લારીઓ, ઓટો રિક્ષા પાર્કિંગ ના દબાણો થઈ રહ્યાં છે અહીં સામાન્ય માણસોને, ઇમરજન્સી વાહનો તથા કોઇને પણ ઇમરજન્સી અવરજવર કરવું દિવસે ને દિવસે મુશ્કેલ બની ગયું છે જે પાલિકા તંત્ર અને ટ્રાફિક વિભાગને આભારી હોય તેવું જણાય છે.

Most Popular

To Top