‘આજે પુત્ર દેવની સગાઈ માટે હરખભેર વાપી જવાની તૈયારી હતી, પણ કાળ પહેલા આવી પહોંચ્યો.
ફાયર વિભાગે દરવાજા તોડીને તમામને બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યા, પણ જીવ બચાવી ન શકાયા.
ગોધરાના બામરોલી રોડ પરની ઘટના: વર્ધમાન જ્વેલર્સના માલિક અને બે યુવાન પુત્રો સહિત આખો પરિવાર આગના ધુમાડામાં ગૂંગળાયો
ગોધરા: નિયતિ જ્યારે રૂઠે છે ત્યારે તે સમય કે સંજોગ કઈ જ જોતી નથી, તેનું જીવતું જાગતું અને હૃદય કંપાવી દે તેવું ઉદાહરણ આજે ગોધરામાં જોવા મળ્યું છે. ગોધરાના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગર સેતુ ક્લબની બાજુમાંમાં રહેતા એક સુખી સંપન્ન પરિવારના આંગણે જ્યાં આજે ખુશીઓના તોરણ બંધાવાના હતા. ત્યાં કાળનો કાળમુખો પંજો ફરી વળતા સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ છે. એક જ પરિવારના ચાર સભ્યોના આગની દુર્ઘટનામાં મોત થતા સમગ્ર ગોધરા શહેર સ્તબ્ધ થઈ ગયું છે.
શહેરમાં જાણીતા ‘વર્ધમાન જ્વેલર્સ’ અંકુર સોસાયટીની બાજુમાં, બામરોલી રોડના વ્યવસાય સાથે સંકળાયેલા કમલભાઈ દોષીના ઘરે આજે અનેરો ઉત્સાહ હતો. તેમના 24 વર્ષીય યુવાન પુત્ર દેવ દોષીની સગાઈ નક્કી થઈ હતી. આજે સવારે જ આખો પરિવાર હોંશે-હોંશે સગાઈ માટે વાપી જવા રવાના થવાનો હતો. પરંતુ વિધાતાને આ મંજૂર ન હતું. રાત્રે પરિવારના તમામ સભ્યો—પિતા કમલભાઈ, માતા દેવલબેન અને બે આશાસ્પદ પુત્રો દેવ અને રાજ—આવતીકાલના પ્રસંગની ચર્ચા કરતા, હસી-મજાક કરતા સૂતા હતા. તેમને ક્યાં ખબર હતી કે આ તેમની છેલ્લી રાત છે?
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે કે વહેલી સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. ઘરની ચારે તરફ કાચથી પેક હોવાથી આગનો ઝેરી ધુમાડો બહાર નીકળવાને બદલે ઘરમાં જ ભરાઈ ગયો હતો. નિદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની તક પણ ન મળી અને શ્વાસ રૂંધાવાથી ચારેયના કરૂણ મોત નિપજ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મકાન અંદરથી બંધ હોવાથી ફાયર જવાનોએ ભારે જહેમત ઉઠાવી મુખ્ય દરવાજા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ધુમાડાની વચ્ચેથી ફાયર જવાનોએ પરિવારના ચારેય સભ્યોને બહાર કાઢ્યા હતા. સ્થળ પર હાજર 108 એમ્બ્યુલન્સ મારફતે તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં કે સારવાર મળે તે પહેલાં જ ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને ચારેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૃતકોની યાદી:
1. કમલભાઈ દોષી (ઉ.વ. 50) – પિતા
2. દેવલબેન દોષી (ઉ.વ. 45) – માતા
3. દેવ કમલભાઈ દોષી (ઉ.વ. 24) – જેની સગાઈ હતી તે પુત્ર
4. રાજ કમલભાઈ દોષી (ઉ.વ. 22) – નાનો પુત્ર
જે ઘરમાંથી આજે વરરાજા બનીને દીકરાએ નીકળવાનું હતું. ત્યાંથી એકસાથે ચાર-ચાર મૃતદેહો બહાર આવતા પથ્થર દિલ માણસ પણ રડી પડ્યો હતો. બે યુવાન જોધ દીકરાઓ અને માતા-પિતાની એકસાથે વિદાયે ગોધરાના ગંગોત્રી નગર અને વેપારી આલમમાં ઘેરો શોક જન્માવ્યો છે.
*”રાતની એ હસી-મજાક છેલ્લી બની ગઈ”
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આગલી રાત સુધી ઘરમાં લગ્નની તૈયારીઓ અને ઉત્સાહ હતો. રાત્રે પરિવારજનો એકબીજા સાથે ખુશ હતા, મજાક કરી રહ્યા હતા. એક જ રાતમાં આખેઆખો હસતો-રમતો પરિવાર ખતમ થઈ ગયો.