હમણાં હમણાં ઋતુઓમાં અદ્દભુત ફેરફાર જોવા મળી રહ્યો છે. ગરમી, ઠંડી, ઝાપટાનો અનુભવ થાય છે ત્યારે માનવ માત્રની પવિત્ર ફરજ છે કે તેઓ પરિવાર દીઠ એક વૃક્ષ વાવવાની પ્રતિજ્ઞા લે. ઘરમાં આવતા શુભ પ્રસંગો કે અન્ય પ્રસંગો જેવા કે જન્મદિન, લગ્ન, લગ્ન તિથિ, મળતી બઢતી સીમંત મુહૂર્ત, ઘરનું વાસ્તુ કે ઉત્તર ક્રિયાના કાર્યક્રમમાં મહિલા, વડીલ કે નાનાં ભૂલકાંઓ પાસે વૃક્ષ રોપાવવાં જોઈએ. વનસ્પતિ રોપવી એ મનુષ્ય માત્રનું પ્રથમ પરમ કર્તવ્ય છે. વડ, પીપળો, આમલી, આંબો, રાયણ, આસોપાલવ, પપૈયા, કેળ, સીતાફળ, ગુલાબ, મોગરો, કરણ, અરે તુલસી, લીલીયા, ફૂદીનો, અરડુસી, જેવા પણ રોપી શકાય કે જે આંગણાની શોભા વધારે છે. સુંદર વૃક્ષથી શોભા વધી જાય છે.
પરીક્ષાર્થી મિત્રો એની છાયામાં બેસીને એકાગ્ર ચિત્તે, શાંત મનોરમ્ય વાતાવરણમાં અભ્યાસ કરે તો વાંચેલું વધુ યાદ રહે છે. વૃક્ષો સ્વાસ્થ્ય આપવામાં મદદરૂપ થાય છે. વૃક્ષ, પક્ષીઓ, કાગડા, કબૂતર, ચકલાં, કાબર, ખિસકોલી, મોરનું આશ્રયસ્થાન બની રહે છે. આપણે જો વરસાદ લાવવો હોય તો વૃક્ષો રોપવાનું તમામ સમાજે એક અભિયાન રૂપે ચલાવવું અનિવાર્ય છે. શહેરો સિમેન્ટ ક્રોંકીટનાં નગરો બનતાં જાય છે. વૃક્ષ પાસે રહેવું એ પ્રકૃતિ પાસે રહેવું બરાબર છે. સુરત મહાનગરપાલિકા પણ વધુ બાગ, બગીચાઓ બનાવવાનું આયોજન કરે એ જરૂરી છે. આપણા પૂર્વજો ઋષિ મુનિઓ, નદી, તળાવ કિનારે, જંગલમાં કુદરતી જગ્યાએ આશ્રમો બનાવી ગુરુકુલ બનાવી બાળકોનું આગવું દિવ્ય જીવનઘડતર કરતાં હતાં. વસંત ઋતુમાં તો યુવા હૈયાંઓ મસ્તીમાં આવી જાય છે. આવો, આપણે ત્યાં આવતા સારા-નરસા પ્રસંગોમાં વૃક્ષ વાવવાનો દૃઢ નિર્ધાર કરી શહેરને રળિયામણું બનાવીએ.
સુરત – ભગુભાઈ પ્રે. સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સસ્તી અને સારી જેનેરિક દવાઓ!
પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો (પીએમજેએકે) કોવિડ-19 ની સ્થિતિમાં અને હાલની બદલાયેલી પરિસ્થિતિમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે અને દરરોજ ગુણવત્તાયુક્ત દવાઓ વાજબી ભાવે ખરીદવા 10 લાખ વ્યક્તિઓ પીએમ જન ઔષધિ કેન્દ્રોની મુલાકાત લ્યે છે ! ખેર, સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા ! શું અમુક કમિશનખાઉં અને કેટલાક ખાઈખદેલા તથા કહેવાતા ભ્રષ્ટ ડોક્ટર્સ આ જેનેરિક દવાઓ લખે છે ખરા !? ડોક્ટર્સ પણ ઓકટોબર 2016 માં ડોક્ટરો માટે આચારસંહિતામાં સુધારા વધારા પ્રમાણે જેનેરિક મેડીસીનની ભલામણ કરે છે, તમારા ખીસા પર નહીં !
બીમારી પર છે અસરદાર ! જેનેરિક દવાઓ નામાંકિત કમ્પનીઓ દ્વારા જ બનાવવામાં આવે છે,જેની કિંમત અડધા કરતા પણ ઓછી હોય છે અને તેટલી જ અસરકારક હોય છે કામ એક અને નામ અનેક ! જેનેરિક દવાઓના નામ જાણીતા નથી પરંતુ તેમના લાભ અનેક છે ! સસ્તું નહીં ! સારું ! ઉત્તમ ગુણવત્તા યુક્ત દવાઓ તે પણ અડધા કરતા ઓછી કિંમતે તેજ તો બનાવે છે એને સ્માર્ટ ચોઇસ !
સુરત – સુનીલ રા.બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.