EWS-1 અને EWS-2 આવાસ માટે લાભાર્થીઓને લોન ન મળતા સામજિક કાર્યકરે આપ્યું આવેદન પત્ર
વડોદરાના ભાયલી, બીલ, સેવાસી અને ખાનપુર અંકોડીયા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-1 અને EWS-2 પ્રકારના મકાનો ફાળવવામાં આવ્યા છે. વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ (વુડા) દ્વારા 16 ડિસેમ્બર 2024ના બોર્ડ મીટિંગમાં કરવામાં આવેલા ઠરાવ મુજબ, જે લાભાર્થીને લોન મળવા પાત્ર નથી તેવા લાભાર્થી માટે વુડા ગેરંટર બનીને બેન્ક લોન મેળવવામાં સહાય કરશે અને જો લાભાર્થી લોનના હપ્તા ન ભરે તો તેમનો આવાસ રદ કરી અન્યને ફાળવવામાં આવશે.
વુડા દ્વારા આવા લાભાર્થીઓને બેન્ક લોન માટે ગેરંટર રહેવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના આ લાભાર્થીઓને બેન્ક દ્વારા લોન મળતી નથી. આ પરિસ્થિતિમાં, લાભાર્થીઓને મકાન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એવી રજૂઆત સમાજિક કાર્યકરે કરી છે.
વુડા દ્વારા આ 243 લાભાર્થીઓને લોન અને હપ્તાની ચુકવણી અંગે 4 નોટિસ મોકલવામાં આવી, છતાં લાભાર્થીઓ દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. પરિણામે, વુડા હવે 102 ખાલી રહેલા મકાન ફરી ફાળવવાની તૈયારીમાં છે.
આ મુદ્દે સામાજિક કાર્યકર અને RTI એક્ટિવિસ્ટ દ્વારા આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વુડા દ્વારા લાભાર્થીઓને કચેરી પર બોલાવી મકાન ફાળવણીની કાર્યવાહી કરવી જોઈએ. તેમ જ કોઈપણ લાભાર્થીનું મકાન રદ નહીં થાય તેવા વિશ્વાસની ખાતરી આપવી જોઈએ. જો આવું નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે, એવી ચીમકી આપવામાં આવી છે.
હવે જોવાનું એ રહેશે કે વુડા ગરીબ અને મધ્યમ વર્ગના આ લાભાર્થીઓની મુશ્કેલીઓ સમજી કાર્યવાહી કરશે કે નહીં. લાભાર્થીઓને લોન સુલભતા માટે વુડા ગેરંટર રહે છે કે નહીં તે પણ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. આ મુદ્દે વુડા આગામી દિવસોમાં શું નિર્ણય લેશે જોવાનું રહેશે.