Dabhoi

‘વિશાલ ઘા લઈ ફરતો હોવાની જાણ મેં વાડી અને પાણીગેટ પોલીસને અગાઉ કરી હતી’

પાણીગેટ હત્યા મામલે મૃતકની પત્નીનું ચોંકાવનારું નિવેદન

વડોદરા, તા. 30 :
પાણીગેટ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમી દ્વારા પ્રેમિકાના પૂર્વ પતિની છરીના ઘા ઝીંકી હત્યા કરવાના મામલે હવે એક નવો વળાંક આવ્યો છે. આ બનાવમાં મૃતક સૈયદ મોહમ્મદ હુસૈનની પૂર્વ પત્નીનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે આરોપી વિશાલ કહાર ઘા (છરી) લઈને ફરતો હોવાની અગાઉથી જાણ પોલીસને કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
મૃતક સૈયદ મોહમ્મદ હુસૈનની પૂર્વ પત્નીએ જણાવ્યું હતું કે તેમના લગ્ન વર્ષ 2020માં થયા હતા અને લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્ર થયો હતો. જોકે, પતિ પાસે સ્થિર નોકરી-ધંધો ન હોવાના કારણે બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ આરોપી વિશાલ કહારે તેણી સાથે સંપર્ક સાધ્યો હતો અને લગ્ન માટે દબાણ કરતો હતો.
તેણીએ જણાવ્યું હતું કે તેણીએ વિશાલને સ્પષ્ટ કહ્યું હતું કે વિશાલના ધર્મ પરિવર્તન વગર લગ્ન શક્ય નથી, પરંતુ આરોપી દ્વારા તેને હિન્દુ ધર્મ અપનાવવા અને તેની સાથે રહેવા દબાણ કરવામાં આવતું હતું. તેણીનો આરોપ છે કે આરોપી તથા તેના પરિવારજનો દ્વારા પણ લગ્ન માટે સતત દબાણ કરવામાં આવતું હતું.
પૂર્વ પત્નીએ વધુમાં જણાવ્યું કે એક સમયે વિશાલ કહારે તેના પિયર પક્ષના સગાને ધમકી આપી હતી કે જો તેણીનો પત્તો નહીં આપે તો તેના પિતાની હત્યા કરી નાખશે. બાદમાં વિશાલ તેને વુડાના મકાન પાસે મળ્યો હતો અને તે સમયે તેની પાસે છરી હતી, તેમજ તેણે લગ્ન માટે ફરી ધમકી આપી હતી. આ ઘટનાથી તેણી ખૂબ ગભરાઈ ગઈ હતી અને વિશાલ કોઈને નુકસાન પહોંચાડશે તેવી આશંકા ઊભી થઈ હતી.
આ ગંભીર પરિસ્થિતિને પગલે તેણીએ વાડી તથા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી તૈયાર કરી ઘણી વખત રજૂઆત કરવા ગઈ હતી. તેણીનો દાવો છે કે તેણે પોલીસને સ્પષ્ટ કહ્યું હતું કે વિશાલ ઘા લઈને ફરે છે અને કોઈ પર હુમલો કરી શકે છે. ત્યારે પોલીસ તરફથી ‘હુમલો કરશે તો જેલમાં જશે’ તેવો જવાબ આપવામાં આવ્યો હતો.
તેણીએ જણાવ્યું કે છૂટાછેડા થયા હોવા છતાં મૃતક સૈયદ મોહમ્મદ હુસૈન તેમના પુત્રના પિતા હતા અને તેઓ બાળકને મળવા આવતાં-જતાં રહેતા હતા. જોકે, તેણીને ક્યારેય કલ્પના પણ નહોતી કે વિશાલ કહાર તેની હત્યા કરી નાખશે. તેણીએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે જો પોલીસે સમયસર તેમની અરજી પર ધ્યાન આપીને યોગ્ય કાર્યવાહી કરી હોત, તો કદાચ આજે આ કરુણ ઘટના બની ન હોત.
આ નિવેદન બાદ હવે પોલીસની ભૂમિકા અને અગાઉ મળેલી ફરિયાદો પર થયેલી કાર્યવાહી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સમગ્ર મામલે હવે તપાસ કઈ દિશામાં આગળ વધે છે, તે બાબતે શહેરભરમાં ચર્ચા ચાલી રહી છે.

Most Popular

To Top