સામાન્ય બાબતે એક વિદ્યાર્થી પર બીજા વિદ્યાર્થીનો બેલ્ટ વડે હુમલો :
ઘટનાનો વીડિયો નજીકમાં ઉભેલા વિદ્યાર્થીએ ઉતારી વાયરલ કર્યો



( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વિવાદનો પર્યાય બનેલી એમ.એસ.યુનિવર્સીટીમાં ફરી એક વખત મારામારીની ઘટના બની હતી. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે આવેલી કેન્ટીન બહાર એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થી પર પટ્ટાવડે હુમલો કરવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટનાનો વિડીયો નજીકમાં ઉભેલા એક વિદ્યાર્થીએ ઉતારી વાયરલ કર્યો હતો. જેને લઈ ફેકલ્ટીના સત્તાધીશો અને સિક્યુરિટી સામે સવાલો ઉઠ્યા હતા.
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન બહાર એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા બેલ્ટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને બીભત્સ ગાળો ભાંડી અને બેલ્ટથી માર માર્યો હતો. આ ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓમાં ભાગદોડ મડી ગઈ હતી. બીજી તરફ સિક્યુરિટી તૈનાત હોવા છતાં પણ વિદ્યાર્થી પર બેલ્ટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે, સિક્યુરિટી પણ શોભાના ગાંઠિયા સમાન બની હતી. નોંધનીય છે કે, યુનિવર્સીટીમાં છાશવારે સિક્યુરિટી સામે સવાલો ઉભા થાય છે. અગાઉ પણ યુનિવર્સીટીમાં બહારના તત્વો આવી રહ્યા હોવાના મુદ્દે વિદ્યાર્થી સંગઠનો દ્વારા સત્તાધીશોને રજૂઆત પણ કરવામાં આવી છે. યુનિવર્સીટીની કેન્ટીન બહાર અસામાજિક તત્વોનો જમાવડો થતો હોય છે. સાંજના સમયે આર્ટસ કેન્ટીન પાસે બહારના તત્વો અડિંગો જમાવી દેતા હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે તકરાર થતી હોય છે, તો બીજી તરફ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓના ભણતર પર પણ આડ અસર વર્તાઈ રહી છે.