ઓનલાઇન ટ્રક વેચવા મુકતાં અમદાવાદના ગઠિયાએ સંપર્ક કર્યો હતો
(પ્રતિનિધિ) બોરસદ તા.4
બોરસદના વિરસદ ગામમાં રહેતા યુવકના પિતા પાસે ટ્રક હતી. આ ટ્રક તેણે રૂ.સાડા દસ લાખમાં ઓનલાઇન વેચવા મુકી હતી. જે જોઇએ અમદાવાદનો શખ્સ ખરીદવામાં આવ્યો હતો. આ શખ્સે રૂ.સાડા દસ લાખ આપવાનો વિશ્વાસ આપી ટ્રક લઇ ગયાં બાદ ગાયબ થઇ ગયો હતો. આ અંગે વિરસદના યુવકે અમદાવાદના ગઠિયા સહિત કુલ ચાર શખ્સ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
વિરસદની વૃંદાવન સોસાયટીમાં રહેતો મેહુલ મનીષભાઈ પરમાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના પિતા મનીષભાઈ પરમારે ટ્રક નં.જીજે 18 એયુ 8803 વિદ્યાનગરની લક્ષ્મી ઇન્ડીયા ફાયનાન્સ કંપનીની લોન પર ખરીદી હતી. જોકે, આર્થીક તંગીને કારણે આ ટ્રક વેચવાનું નક્કી કર્યું હતું. જેથી મેહુલ 5મી એપ્રિલ, 2024ના રોજ ઓનલાઇન ટ્રકના ફોટા મુકી સાડા અગિયાર લાખમાં વેચાણ કરવા પોસ્ટ મુકી હતી. આ પોસ્ટ જોઈને 8મી એપ્રિલના રોજ અમદાવાદના ભરત બાબુ પટેલે સંપર્ક કર્યો હતો અને 9મીએ ટ્રક જોવા આવ્યો હતો. ભરત સાથે ચેલા ઉર્ફે શૈલેષ સગથા જર્મલ (રહે. જલોધા, જિ. બનાસકાંઠા), લાલા હમીર ભરવાડ (રહે. વિરમગામ) અને કિર્તીસિંહ રાજપૂત (રહે. સુરેન્દ્રનગર) હોવાની ઓળખ આપી હતી.
આ ચારેય ગઠિયાએ ટ્રક જોઇ ટ્રકના રૂપિયા દસ લાખની વેચાણ કિંમત નક્કી કરી હતી અને બન્ને જણાએ ટ્રકની ફાયનાન્સ લોન ચાલુ છે અને હપ્તા પણ ચાલુ છે. જેથી ચારેય જણાએ ફાયનાન્સ વાળા જોડે વાત કરી 15મી એપ્રિલના રોજ ટ્રક બાબતે વેચાણ કાગળો કરી ચેલાના નામે લોન કરાવી દઇશું અને તમારા રૂપિયા આપી દઇશું. તેવો વિશ્વાસ આપ્યો હતો. આ ટ્રકના વેચાણ બાબતે બાના પેટેના રૂપિયાની વાત કરતા તેઓએ વિશ્વાસ અપાવી બાનાના રૂપિયા આપેલા નહીં અને લખાણ પણ કર્યું નહતું.
જોકે, ટ્રક લઇ ગયાના થોડા સમય બાદ ભરતનો મોબાઇલ બંધ થઇ ગયો હતો. અન્ય નંબર પરથી કોલ આવ્યો હતો અને ભરત પટેલે જણાવ્યું હતું કે, ટ્રક લોન કરાવવા મુકેલી છે અને બે – ત્રણ દિવસમાં ટ્રકની લોન થયેથી તમારી ટ્રકના રૂપિયા આપી દઇશું. તેવી વાત કરી હતી. પરંતુ બે દિવસ પછી ભરતનો મોબાઇલ નંબર બંધ થઇ ગયો હતો. આમ ચારેય જણાએ ટ્રક લઇ જઇ છેતરપિંડી આચરી હતી. આ અંગે વિરસદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ભરત બાબુ પટેલ, ચેલા ઉર્ફે શૈલેષ સગથા જર્મલ, લાલા હમીર ભરવાડ અને કિર્તીસિંહ રાજપુત સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.