મૃતકોના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની જરૂરી સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર પૂરી પાડશે
આણંદ, શુક્રવાર :* અમદાવાદ ખાતે ગતરોજ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. જિલ્લાના મૃત્યુ પામેલા પ્રવાસીઓના મૃતદેહને આણંદ જિલ્લામાં પરત લાવીને તેમના સ્વજનોને સોંપવા માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ૧૦ જેટલી એમ્બ્યુલન્સ વાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે.
આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવાર સાથે સંપર્ક કરવા તથા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટને લગતી કામગીરી તથા ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવા માટે અને મૃતક વ્યક્તિઓના સ્વજનોનો સંપર્ક કરી મૃતકોના અંતિમ સંસ્કાર થાય ત્યાં સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવશે, જે અન્વયે ખભાતના પ્રાંત અધિકારી કુંજલ શાહ અને આણંદના સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર એચ. ઝેડ. ભાલીયાની નિમણૂંક કરવામાં આવી છે.
***