Vadodara

વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવવાથી બચાવવા શૈક્ષણિક સંસ્થાઓ માટે નવી ગાઈડલાઈન જાહેર

લાયકાત ધરાવતા કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક અને સામાજિક કાર્યકરની નિમણૂક ફરજિયાત
(પ્રતિનિધિ) વડોદરા | તા.30 :
રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની માનસિક સુખાકારીને ધ્યાનમાં રાખીને તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરી છે. આ માર્ગદર્શિકા સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ચુકાદા અને રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના નિર્દેશોના અનુસંધાને તૈયાર કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના બનાવોને અટકાવવાનો અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ સુનિશ્ચિત કરવાનો છે.
નવી ગાઈડલાઈન મુજબ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, શાળા, કોલેજો તેમજ ખાનગી કોચિંગ સંસ્થાઓમાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત રહેશે. સાથે જ, દરેક સંસ્થાએ લાયકાત ધરાવતા કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક અથવા સામાજિક કાર્યકરની નિમણૂક કરવી પડશે, જેથી વિદ્યાર્થીઓને સમયસર માનસિક સહાય મળી શકે.
શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે કે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કામગીરી અંગે વાર્ષિક અહેવાલ દરેક સંસ્થાએ ફરજિયાત રીતે રજૂ કરવો પડશે. ગાઈડલાઈનનો અમલ ન કરનાર સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ સંકેત આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, ભણતરની ચિંતા તેમજ અંગત કારણોસર આત્મહત્યાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં વર્ષ 2017થી 2021 દરમિયાન કુલ 3,002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. જ્યારે વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે એપ્રિલ 2020થી માર્ચ 2023 સુધીના માત્ર ત્રણ વર્ષમાં 495 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું હતું.
સરકારના જણાવ્યા અનુસાર, આ નવી ગાઈડલાઈન દ્વારા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ કરી તેમને સુરક્ષિત, સહાયક અને સંવેદનશીલ શૈક્ષણિક વાતાવરણ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

: શૈક્ષણિક સંસ્થાઓએ શું કરવું પડશે?
*સુપ્રીમ કોર્ટના ચુકાદા અને રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સના નિર્દેશો મુજબ વિદ્યાર્થીઓની માનસિક સુખાકારીનું રક્ષણ સુનિશ્ચિત કરવું.
*તમામ યુનિવર્સિટીઓ, સંલગ્ન કોલેજો અને કોચિંગ સંસ્થાઓએ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે જવાબદારી સ્વીકારવી.
*માનસિક તણાવ અને આત્મહત્યાની વૃત્તિઓ સામે નિવારક પગલાં લેવા.
*લાયકાત ધરાવતા કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક અને સામાજિક કાર્યકરની નિમણૂક કરવી.
આ ગાઈડલાઈન અમલમાં આવતા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે વધુ સુરક્ષિત અને સહાયક માહોલ ઊભો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top