
વાલોડ તાલુકાનું સૌથી સમૃદ્ધ ગામ એટલે બુટવાડા. વિદેશમાં સ્થાયી થયેલા પાટીદારો તેમજ રાજકીય આગેવાનોના સાથ સહકારથી ગામમાં આજે દરેક પ્રકારની સુવિધા જોવા મળે છે. ગામની કુલ વસતી 1333 છે, જેમાં પુરુષોની સંખ્યા 665, જ્યારે સ્ત્રીઓની સંખ્યા 668 છે. ગામમાં કુલ આઠ ફળિયાં આવેલાં છે, જેમાં પટેલ ફળિયું, નિશાળ ફળિયું, મહુડા ફળિયું, સુખલ ફળિયું, હરિજનવાસ, ભવાની ફળિયું, નવી કોલોની, ગોખલી ફળિયું, કોલી ફળિયું, આહિરવાસનો સમાવેશ થાય છે. ગામમાં સ્ટ્રીટ લાઇટ તેમજ ઘરેઘર પાણીના નળો તેમજ સીસી રોડ, પેવર બ્લોક, ડામર રસ્તા જેવી અનેક સુવિધાથી સજ્જ છે. ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. ગામમાં મુખ્ય વસતી પાટીદારો તેમજ હળપતિ સમાજની છે. બુટવાડા ગામ તે સમયે બ્રિટિશ શાસનમાં આવતું હોય પહેલીવાર અસહકારની ચળવળ પછી સ્વરાજ્યની લડતમાં આવેલ મંદી અંગે કુંવરજી કાકાએ વાતો કરી હતી અને 1925માં કલ્યાણજીભાઈએ બે વર્ષની જેલ ભોગવી છૂટ્યા હતા. ગાંધીજીએ રચનાત્મક કાર્ય પર જોશ દેવા કહ્યું હતું. એટલે રેંટિયાનો મોટા પાયે પ્રચાર કરતાં લોકો રૂ ખરીદી તેની પૂણીઓ બનાવી કાંતે તેટલું તૈયાર વાતાવરણ નહોતું. રૂ દાનમાં માંગતા તેની પૂણીઓ બનાવી કાંતનારી બહેનોને આપતાં. રૂ ઉઘરાવવાની શરૂઆત કંઇક અલગ રીતે થઈ હતી. ખેડૂતો કપાસ વેચવા આવે ત્યારે તેઓ જીનના ગેટ નજીક ઊભા રહી ગાડા દીઠ મૂઠી મૂઠી કપાસ માંગતાં ખેડૂતો ખુશીથી આપતા. રેંટિયા કાંતનારા વધ્યા એટલે વિશેષ કપાસની જરૂર પડવા લાગી હતી. બારડોલી આશ્રમવાળા સન્મુખલાલ શાહે કલ્યાણભાઈને જણાવ્યું હતું કે, તમે બે વર્ષ જેલમાં રહી આવ્યા છો એટલે તમને સાથે લઈને ફરશું તો તમારું સન્માન થશે અને ગામડાંમાંથી કપાસદાન પણ સારા પ્રમાણમાં મળશે. તે સમયે પ્રાગજીભાઇ દેસાઇએ કહ્યું કે, તેઓ દક્ષિણ આફ્રિકાથી ગાંધીજીના સાથી હતા. લડત દરમિયાન પ્રગટેલા લોકોનો ઉત્સાહ કેવોક મંદ પડ્યો છે તે જોવા પ્રાગજીભાઈ લોકનાદ તપાસવા માંગતા હોય, કલ્યાણજીભાઈમાં જેલવાસે નવું જોમ પૂર્યું હતું અને કામનો પ્રારંભ વાલોડ તાલુકાના બુટવાડા ગામથી શરૂ કર્યો હતો. જેથી તેઓ બુટવાડા પહોંચ્યા. એ ગામ પચાસ-સાંઠ ઘરનું હશે. એક સાથે ચાર ખાદીધારી ગામમાં પ્રવેશ્યા તોય કોઈએ તેમના તરફ જોવાની સુધ્ધાં પરવા ન કરી. ત્યારે સન્મુખલાલ અને પ્રાગજીભાઈએ ગામને પાદરે ઇનમાં ખાડીને કાંઠે બેસતા કહ્યું કાળ ફરી ગયો કે થયું શું? ફરી પાછા તેઓ બુટવાડા ગામે પહોંચ્યા ત્યારે ખેડૂત મોવડીએ હાથ જોડી ગાંધીના કાર્યકરોનો સત્કાર કર્યો. ત્યારબાદ તેઓ ગ્રામજનોને ભારે વિનંતી બાદ સમજાવ્યા ત્યારે ગામમાં રહેતા એક માજી શુકનમાં સવામણ કપાસ આપવા તૈયાર થયાં. ત્યારબાદ ઘરે ઘર ફરી 36 મણ કપાસ એકત્ર કર્યો હતો અને આ કપાસ બારડોલી ખાતે પહોંચાડવાનું નક્કી કર્યું હતું. બુટવાડાની ત્યાગ ભાવનાનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત 1928ના બારડોલી સત્યાગ્રહ પ્રસંગે જોવા મળ્યું હતું. બુટવાડાના રામભાઇ ગોવિંદભાઇ પટેલ તે પ્રસંગે પોતાનું સર્વસ્વ ફના થવા દીધું એ ન્યોછાવરીને લોક આજે પણ બિરદાવે છે.
ગ્રામજનોએ જનકલ્યાણ યોજના પણ શરૂ કરી

ગ્રામજનોએ જનકલ્યાણ યોજના પણ શરૂ કરી છે, જેમાં સ્થાનિક તેમજ એન.આર.આઈ.ઓ. ભેગા મળી કુલ 12.50 લાખ જેટલી રકમ ભેગી કરવામાં આવી હતી. જે રકમનો ગામના જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં જેમાં મહેન્દ્રભાઈને નવું મકાન બનાવી આપવામાં આવ્યું હતું. તેમજ ગામના જરૂરિયાતમંદ લોકોને ઘર રિપેરિંગ માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. “મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે, મરે છે માનવી પોતે પણ માનવીના કામ જીવે છે” હરહંમેશ બીજાની મદદ કરવા માટે તત્પર રહેતા હોય છે બુટવાડા ગામના યુવાનો. જેથી આજે નહીં પણ વર્ષો બાદ પણ આ સેવાભાવી યુવાનોની કામગીરી ભૂલાશે નહીં. ગ્રામજનો તેમજ યુવક મંડળ દ્વારા આહવા, ડાંગ, કામરેજ, બારડોલી, જેવા વિસ્તારોમાં, અંધજન તેમજ મંદબુદ્ધિ સ્કૂલોમાં તેમજ સંસ્થામાં નોટબુક તેમજ ખાદ્યસામગ્રી, તેમજ બાંધકામ માટે 5.50 લાખ રૂપિયા જેટલી માતબાર રકમનું પણ દાન કરવામાં આવ્યું છે. તેમજ 2024માં વાલોડમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ ફૂડ પેકેટથી લઈ અનેક ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કોરોના મહામારી સમયે પણ વાલોડની સંસ્થાને ઓક્સિજન મેકર માટે દાન આપવામાં આવ્યું હતું. ગામના દાનમાં NRIઓનો 75 ટકા ફાળો, જ્યારે સ્થાનિકોનો 25 ટકા જેટલો ફાળો હોય જ છે. ગામની યુવતીઓની વાત કરીએ તો તેઓ પણ ગરબા તેમજ સામાજિક કામમાં આગવું સ્થાન ધરાવે છે. ગામની સ્વચ્છતા તેમજ એક્તાતો અન્ય ગ્રામજનો માટે પણ પ્રેરણારૂપ છે. દર વર્ષે દિવાળીના દિવસોમાં સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવે છે. બુટવાડા ગામના NRI યુવાનો કે જેઓ ભલે વિદેશમાં રહે છે પણ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ તેમજ પોતાની જન્મભૂમિ માટે કંઈ કરી છૂટવાની એક અલગ જ છાપ છોડે છે. તેઓ વિદેશમાં તો રહે છે, પરંતુ ગામના યુવા આગેવાન યોગેશભાઈ પટેલ અને તેમના મિત્ર મંડળ સાથે સતત સંપર્કમાં રહી આસપાસના વિસ્તારોમાં પણ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં કોઈ કચાસ બાકી રાખતા નથી. જે અન્ય યુવા માટે પણ પ્રેરણારૂપ છે.
પ્રાઈવેટ શાળાને માત આપે તેવી બુટવાડાની સ્માર્ટ પ્રાથમિક શાળા
બુટવાડા ગામની પ્રાથમિક શાળાની વાત કરીએ તો તેની સ્થાપના 15 માર્ચ-1924ના રોજ કરવામાં આવી હતી, જેમાં ધોરણ-1થી 8 સુધી બાળકો અભ્યાસ કરી શકે છે. પરંતુ શાળાના શિક્ષણ અને સુવિધાની બાબતે તો આ શાળા પ્રાઈવેટ શાળાને પણ પાછળ છોડી દે એમ છે, જેમાં લાઈબ્રેરી, પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ પણ છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓને શાળામાં જ અંગ્રેજી તેમજ કોમ્પ્યુટર વિષય અંગે માર્ગદર્શન મળી રહે એ માટે કુંવરજી પરિવાર દ્વારા ખાનગી શિક્ષકની નિમણૂક કરી શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ શાળામાં કુલ 132 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તમે શાળામાં પહોંચો તો તમને એવું લાગશે કે તમે કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આવી ગયા છે. શાળાનાં 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. એટલું જ નહીં ગામના અશેષભાઈ અરવિંદભાઈ પટેલ કે જેઓ અમેરિકામાં સ્થાયી થયા છે તેમ છતાં તેમણે સ્વખર્ચે ત્રણ સ્માર્ટ ક્લાસ રૂમ બનાવ્યા છે, જેમાં હાલ બાળકો કોમ્પ્યુટર ઉપર અભ્યાસ કરી રહ્યાં છે.
વિદેશમાં રહેતા યુવાનો દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક મદદ

બુટવાડા ગામના યુવાનોએ ઓમ ગ્રુપ બનાવ્યું છે, જેમાં 21 જેટલા સભ્યો છે. તેમાં પણ મોટા ભાગના યુવાનો વિદેશી સ્થાયી થયા છે. પરંતુ તેઓએ આજ શાળામાં શિક્ષણ મેળવ્યું હોય, જેથી તેઓ શાળા માટે કંઈ કરી છૂટવા તૈયાર છે. આ સભ્યો દર વર્ષે 100-100 ડોલર વિદેશથી બુટવાડા ગામે રહેતા યોગેશ પટેલ અને તેમની ટીમને મોકલે છે અને તેઓ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને યુનિફોર્મ, નોટબુક, દફ્તર, સ્વેટર, સેન્ડલથી લઈ અનેક ચીજોનું વિતરણ કરવામાં આવે છે.0