( પ્રતિનિધિ )વડોદરા,તા.1
વડોદરામાં કેટલાક દિવસ બાદ તાપમાનમાં પલ્ટો આવ્યો હતો. વાદળછાયું વાતાવરણ વચ્ચે ઠંડીના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. લઘુત્તમ તાપમાન 19.4 ડીગ્રી નોંધાયું હતું. જેના કારણે બેવડી ઋતુ અનુભવાઈ હતી. સવાર સાંજ ઠંડી અને બપોરે ઉકળાટ જેવું વાતાવરણ સર્જાયું હતું.
વડોદરામાં વહેલી સવારથીજ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ગુરુવારે મહત્તમ તાપમાન 28.4 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 19.4 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે સવારે હવામાં ભેજનું પ્રમાણ 83 અને સાંજે 59 ટકા નોંધાયું હતું. અરબસાગર અને બંગાળની ખાડી તરફથી પવનો ગુજરાત તરફ વળી રહ્યા છે. જેનાથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આગામી 48 કલાક દરમિયાન એટલે કે બે દિવસ લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો નોંધાઇ શકે છે. રાજ્યમાં હાલ ક્યાંક થોડી તો ક્યાંક વધારે ઠંડી પડી રહી છે. જોકે, ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પણ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન વાદળછાયું રહે તેવી શક્યતા છે. આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે જોકે, ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આગામી ત્રણ દિવસ દરમિયાન ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસનો વધારો અને ત્યારબાદ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું વરસ્યું હતું. વાતાવરણ દિવસ પર વાદળછાયું રહ્યું હતું. ત્યારે વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે. શુક્રવાર સુધી સવારે ઝાકડ વર્ષા સાથે ગાઢ ધુમ્મસ થયું વાતાવરણ રહેશે.