ધારિયા અથવા કુહાડીના ઘા ગળાની બંને તરફ માર્યા હોવાની આશંકા
માતાની કરપીણ હત્યાના પગલે ત્રણ સંતાનોએ છત્ર ગુમાવ્યુ
વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકામાં આધેડ મહિલાની કમકમાટીભરી હત્યાનો ભેદી બનાવ બનતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે.વડોદરાના વાઘોડિયા તાલુકાના વેસણીયા ગામમાં 45 વર્ષની મહિલાની ઠંડા કલેજે ક્રૂરતાપુર્વક હત્યા કરીને લાશને ખેતરમાં ખડકેલા મકાઈના પૂળાના ઢગલા નીચે સંતાડીને હત્યારો ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ અને જિલ્લાની વિવિધ તપાસ એજન્સીઓ આરોપીની શોધખોળ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે કમકમાટીભર્યા મોતને ભેટેલી મહિલાનું નામ રમીલાબેન બળવંતભાઈ પરમાર છે. પિસ્તાલીસ વર્ષીય આ મહિલા ગત રોજ પોતાના ખેતરે ગઈ હતી અને સમયસર સાંજે પરત ન ફરતા ચિંતાતુર પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જો કે ભારે જહેમત બાદ મહિલા ન મળતા પરિવારજનો ખેતરોમા વ્યાપક શોધખોળ કરી તો મહિલાનો મૃતદેહ વહેલી સવારે ખેતરમા મકાઈના પુડા નીચેથી મળી આવ્યો હતો.
ખેતરમાં મહિલાની હત્યાના સમાચાર મળતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.મહિલાની હત્યાની જાણ વાઘોડિયા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરીવારજનો ની ઊંડી પુછપરછ આરંભી છે. આધેડ મહિલાની કરપીણ હત્યાં ના પગલે વાઘોડિયા પોલીસ સ્ટેશન ના પીઆઈ પી આર જાડેજા અને તેમના સ્ટાફ અજાણ્યા હત્યારાની ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી છે
ભેદી સંજોગોમાં થયેલ મહિલાના ખૂન બાદ મૃતદેહને વાઘોડિયા પોલીસે કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરતા તબીબી રિપોર્ટ બાદ એવી આશંકા સેવાઈ હતી કે ગળા ના બંને તરફ ના ઘા જોતા ધારિયા અથવા કુહાડીના હોય તેવું જણાતું હતું તો બીજી તરફ મહિલાના હત્યારા સુધી પહોંચવા પોલીસે વિવિધ ટીમો બનાવી કેટલાક શકમંદોને અટકાયત કરી ને કુનેહ પૂર્વક ઊંડી પુછપરછ કરી ને તપાસનો દોર લંબાવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.