હોમ, હવન, યજ્ઞ, અગ્નિહોત્ર સનાતન વૈદિક ધર્મનું મહત્ત્વનું અંગ છે. સીધીસાદી ભાષામાં કહીએ તો અગ્નિમાં શુદ્ધ સાત્ત્વિક દ્રવ્યોને હોમીને તે થકી વિશ્વ માનવનું અનેક રીતે કલ્યાણ સાધવાનો ઉત્તમ ઉપાય છે. એક સમય એવો હતો કે જ્યારે દક્ષિણ એશિયાના મોટાભાગના પ્રદેશોમાં હોમ, અગ્નિહોત્ર, યજ્ઞ એ રોજિંદું કર્મ હતું. અલબત્ત તેના હેતુ અનુસાર સ્થળ, કાળ મુજબ અગ્નિહોત્ર હવન કર્મના અનેક ભાગ પડ્યા પરંતુ મુખ્ય હેતુ સ્વ અને સર્વના કલ્યાણનો રહ્યો. આ માત્ર સનાતન વૈદિક કે હિન્દુઓ માટેનું કર્મ નથી પરંતુ ન્યાત, જાત, ધર્મ, વર્ણ, પ્રદેશથી પર છે. ઇરાનના પારસી ધર્મમાં પણ અગ્નિપૂજા, અગ્નિકર્મનું મહત્ત્વ છે. વેદમાં કર્મકાંડ અંતર્ગત યજ્ઞને વિશ્વ માનવ કલ્યાણ માટે અતિ આવશ્યક ગણવામાં આવ્યો છે. શ્રીમદ્ ભગવદ ગીતામાં જણાવ્યું છે કે,’ યજ્ઞાત ભવતિ પર્જન્ય’ યજ્ઞથી વરસાદ -વૃષ્ટિ થાય છે. વૃષ્ટિથી અન્ન પાકે છે, અન્નથી રેતસ -રજ અને રેતસથી પ્રાણી સજીવસૃષ્ટિ ઉત્પન્ન થાય છે તથા પોષણ પામે છે અન્ન-ધાન, ઔષધીય વનસ્પતિ ઊગે જે પ્રાણીમાત્ર માટે અનિવાર્ય છે.
આ સપ્તાહમાં ‘વિશ્વ અગ્નિહોત્ર દિન’ છે જે ભુલાઈ ગયેલી અગ્નિહોત્ર યજ્ઞ -હવન પરંપરાને ધરતીની જીવસૃષ્ટિના કલ્યાણ માટે પુનઃ સક્રિય કરવા માટે વ્યાપક રીતે ઉજવવામાં આવે છે. અથર્વવેદના 11/ 7 /9 માં અગ્નિહોત્રની સરળ ધાર્મિક વિધિનો ઉલ્લેખ છે જ્યારે તેનું વિગતે વર્ણન યજુર્વેદ સંહિતા તથા શતપથ બ્રાહ્મણ ગ્રંથ 12 /4/ 1માં છે. વિધિસર અગ્નિહોત્ર કર્મથી માનસિક તણાવ ઘટે, માનસિક ઊર્જાશક્તિ વધે, હવામાં રહેલા રોગકારક જીવાણુ વાયરસનો નાશ થાય, વાતાવરણ શુદ્ધ બને. વેદોમાં યજ્ઞોના અનેક પ્રકારો વર્ણવવામાં આવ્યા છે અને તેનાથી થતા ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા છે. યજ્ઞના મુખ્ય બે પ્રકાર છે. એક યજ્ઞ અને બીજો મહાયજ્ઞ. જે પોતાના આલોક અને પરલોકના કલ્યાણ માટે કરવામાં આવે તે યજ્ઞ. યજ્ઞનું ફળ આત્મ ઉન્નતિ તથા આત્મકલ્યાણ રૂપે પ્રાપ્ત થાય છે, તેમાં સ્વાર્થનો ભાવ આવી જાય છે. જ્યારે મહાયજ્ઞોનો હેતુ જગતના કલ્યાણનો હોય છે તેમાં નિ:સ્વાર્થતાનો ભાવ મુખ્યત્વે હોય છે. મહારુદ્ર, અતિરુદ્ર, લક્ષચંડી વિવિધ દેવી-દેવતાઓના યજ્ઞ જેવા કે વિષ્ણુયાગ, દત્તયાગ, ગણેશયાગ મોટાભાગે મંદિરો, આશ્રમો, સંસ્થાઓ દ્વારા સાર્વજનિક કલ્યાણ માટે યોજાતા હોય છે. જ્યારે ગૃહશાંતિ, ગાયત્રી યજ્ઞ, વાસ્તુ હોમ, નવચંડી વગેરે વ્યક્તિગત રીતે પારિવારિક કલ્યાણ માટે યોજાતા હોય છે યજ્ઞ, હવન. અગ્નિહોત્ર વૈદિક કાળથી આપણી સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે તેના ફાયદાઓ હજારો વર્ષોના અનુભવની કસોટીથી પાર ઊતરેલા છે છતાં વર્તમાન કલિકાળના માનવી જ્યાં સુધી તે વિજ્ઞાનની નજરે વિવિધ પરીક્ષણોમાંથી પાર નહીં ઊતરે ત્યાં સુધી માનવા કે અપનાવવા તૈયાર નથી હોતા એટલે જ યુરોપ, અમેરિકાના દેશોથી માંડીને ભારતમાં પણ યજ્ઞમાં હોમવામાં આવતી વિવિધ વૃક્ષોની સમિધાઓ, દૂધ, ઘી, ખીર, કપૂર, સુખડ, તજ, લવિંગ, કેસર જેવાં સુગંધી દ્રવ્યો, જવ, તલ વગેરે પદાર્થોના વિધિવત દહનથી હવામંડળમાં- વાયુમંડળમાં થતા સકારાત્મક ફેરફારની શારીરિક, માનસિક અને પર્યાવરણ પર અદભુત લાભદાયી અસર થતી હોવાનું જણાયું છે જે વૈજ્ઞાનિક પરીક્ષણોના આધારે સ્વીકૃત થયું છે. જર્મની અને પોલેન્ડમાં મોટા પાયે પરીક્ષણોમાં લાભદાયી અસરો નોંધાતા ત્યાં સામૂહિક અગ્નિહોત્ર યોજાય છે. ત્યાંના ખેડૂતો પણ સૂચવ્યા મુજબ હવન, અગ્નિહોત્ર કરી પ્રમાણમાં સારી ગુણવત્તા ધરાવતો વિપુલ પાક મેળવે છે. ભારતમાં હરિદ્વાર ખાતે આવેલ સુપ્રસિદ્ધ ગાયત્રી સંસ્થાનમાં પણ વર્ષોથી યજ્ઞ -અગ્નિહોત્ર અંગે પ્રયોગશાળામાં પરીક્ષણો કરી વિવિધ દ્રવ્યોની આહુતિથી મળેલા સકારાત્મક પરિણામોએ લોકોને હવન -અગ્નિહોત્ર માટે પ્રોત્સાહિત કર્યા છે. યજ્ઞ થેરેપી પણ વિકસાવવામાં આવી છે. અગ્નિહોત્ર માત્ર ધાર્મિક ક્રિયાકાંડ નથી પરંતુ વિજ્ઞાન પણ છે જેની પ્રતીતિ લોકોને થવા લાગી છે. કોરોનાકાળમાં લોકોએ લોબાન, ગુગળ, કપૂર, ઘી, લવિંગ, કેસર, લીમડાનાં પાન વગેરેથી વ્યક્તિગત રીતે કે સોસાયટી, ફળિયામાં હોમ કરી ખાસ પ્રકારની દ્રવ્ય-સામગ્રીઓનું દહન કરી અનુભવ મેળવ્યો છે. ફ્રાન્સના ટ્વેલે નામના વૈજ્ઞાનિકે હવન પર સંશોધન કર્યું જેમાં તેને જણાયું કે હવનમાં મુખ્યત્વે આંબાના ઝાડના લાકડાનો ઉપયોગ સમિધા તરીકે કરવામાં આવે છે, જ્યારે આંબાનું લાકડું સળગે છે ત્યારે ફોર્મિક આલ્ડિહાઈડ નામનો ગેસ પેદા થાય છે. જે હવામાં રહેલા ખતરનાક બેક્ટેરિયા, વાયરસનો નાશ કરે છે તથા વાતાવરણને શુદ્ધ કરે છે. સંશોધન બાદ વૈજ્ઞાનિકોને આ ગેસ અને તેને બનાવવાની રીતની ખબર પડી. ગોળનું દહન કરવાથી આ ગેસ ઉત્પન્ન થાય છે. ટોટીક નામના વૈજ્ઞાનિકે પણ હવન અંગે વિગતે સંશોધન કર્યું જેના તેને સારાં પરિણામ મળ્યાં. હવનનું મહત્ત્વ જોઈને રાષ્ટ્રીય વનસ્પતિ સંશોધન સંસ્થા -લખનૌના વૈજ્ઞાનિકોએ પણ હવનથી વાતાવરણ શું શુદ્ધ થાય છે અને જીવાણુઓનો નાશ થાય છે કે નહીં તે સંશોધન માટે શાસ્ત્રોમાં વર્ણવેલી હવનસામગ્રી ભેગી કરી અને વિધિપૂર્વક હવનમાં તેનું દહન કરતાં જણાયું કે તે વાયરસનો નાશ કરે છે. તે પછી તેઓએ વિવિધ પ્રકારનાં દ્રવ્યોના દહનથી પેદા થતાં ધુમાડા પર કામ કર્યું તો જણાયું કે એક કિલો આંબાના લાકડાની સમીધાનું દહન કરવાથી હવામાં રહેલા વાયરસ ખાસ ઓછા ન થયા એટલે થોડા વધુ પ્રમાણમાં હવનસામગ્રી ઉમેરી દહન કર્યું તો એક કલાકમાં જ પરીક્ષણ રૂમમાં રહેલા બેક્ટેરિયા 94% જેટલા ઓછા થઈ ગયા એટલું જ નહીં બાજુના રૂમની હવામાં રહેલા જીવાણુઓનું પરીક્ષણ કર્યું તો જણાયું કે તે રૂમના દરવાજા ખોલીને બધો ધુમાડો નીકળી જવાના 24 કલાક બાદ પણ જીવાણુઓનું પ્રમાણ સામાન્ય કરતાં ૯૬ % ઓછું નોંધાયું. વારંવાર પરીક્ષણ કરતા જણાયું ધુમાડાની અસર લગભગ એક મહિનો રહે છે અને તે પછી પણ રૂમની હવામાં ઓછું જણાયું. આ અંગેનો અહેવાલ ‘એથનો ફાર્મેકોલોજી’ ની રિસર્ચ જર્નલમાં છપાયો હતો. રિપોર્ટમાં જણાવ્યું છે કે હવનની અસર માત્ર મનુષ્યને નહીં પરંતુ વનસ્પતિઓ, ખેતરમાંના પાકને નુકસાન પહોંચાડનાર બેક્ટેરિયાનો નાશ થાય છે વળી પાક ઉગાડવા રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ઘટાડી શકાય છે. દરેક ઋતુમાં આકાશમાં, વાયુમંડળમાં વાતાવરણ અલગ અલગ જાતનું રહે છે. ઠંડી, ગરમી, ભેજ, ધૂળ, ધુમાડો, બરફ, ઝાકળ વગેરે હોય છે. તેમાં જુદા જુદા પ્રકારના વાયરસ પેદા થાય છે અને સંવર્ધન પામે છે. રોગ અનુસાર, ઋતુ અનુસાર, રાશિ, ગ્રહ, નક્ષત્રો અનુસાર અલગ અલગ હવનસામગ્રી દ્રવ્યોનો ઉપયોગ ઉત્તમ પરિણામ આપે છે.
ઋતુના સંધિકાળ સમયે વાતાવરણ પલટાતા વાયુજન્ય રોગોનો ઉપદ્રવ થાય છે. તેથી હવનને સામુદાયિક ધાર્મિક વિધિ સાથે જોડી સમાજનું કલ્યાણ પ્રાર્થવામાં ચૈત્રી નવરાત્રી, શારદીય નવરાત્રી, હોળી વગેરે તેમ જ ઘરમાં શુભ પ્રસંગે વાતાવરણ શુદ્ધ, પવિત્ર રહે તે માટે ગ્રહશાંતિ, વાસ્તુહોમ, શાંતિહોમ, ગાયત્રીહોમ વગેરે માનવ કલ્યાણ માટે આપણા વિદ્વાન ઋષિમુનિઓએ તેને ધર્મ સાથે સાંકળી હોમહવનને મહત્ત્વનું સ્થાન આપી પ્રચલિત કર્યા.
શાસ્ત્રમાં નિત્ય નાનકડા હવનનું પણ વિધાન છે જે ઘરપરિવારમાં સાત્ત્વિકતા સાથે વાતાવરણ શુદ્ધ, બીમારીમુક્ત રાખે. આ વિષય પર ખૂબ વિગતે લખી શકાય પરંતુ સ્થળ મર્યાદાને માન આપવું પડે. જેની અસર સમગ્ર જીવોના આરોગ્ય પર અને તેને પોષણ આપતા અન્ન ઉત્પાદન પર પડી રહી છે. આ સંજોગોમાં સામુદાયિક નિયત સમયાંતરે હોમ, યજ્ઞ, અગ્નિહોત્ર અતિ ઉપયોગી પુરવાર થઈ શકે. એ વ્યક્તિગત જવાબદારી સાથે સામુદાયિક જવાબદારી છે તો આપણે પ્રકૃતિને આપણે માટે, ભાવિ પેઢી માટે સાનુકૂળ રાખી શકીશું. ઇદમ ન મમ.
વિશ્વ અગ્નિહોત્ર દિનયજ્ઞ-હવન સર્વ હિતમાં છે
By
Posted on